લેવીય 11 - પવિત્ર બાઇબલ C.L.ખાદ્ય અને અખાદ્ય પ્રાણીઓ ( પુન. 14:3-21 ) 1 પ્રભુએ મોશે અને આરોનને કહ્યું, 2 “તમે ઇઝરાયલી લોકોને આ પ્રમાણે જણાવો: જમીન પરનાં પ્રાણીઓમાંથી તમે આટલાં ખાઈ શકો છો: 3 તમે ફાટવાળી ખરીવાળાં અને વાગોળતાં પ્રાણીઓ ખાઈ શકો છો. 4 પણ જે પ્રાણીની ફક્ત ખરી ફાટવાળી હોય કે ફક્ત વાગોળતાં હોય તે તમારે ખાવાં નહિ; જેમ કે ઊંટ તે વાગોળે છે, પણ તેની ખરી ફાટેલી નથી; તેથી તે અશુદ્ધ છે. 5-6 ઘોરખોદિયું અને સસલું; તે વાગોળે છે, પણ તેમની ખરી ફાટેલી નથી; તે અશુદ્ધ છે. 7 ભૂંડ ખાવું નહિ; કારણ, તેની ખરી ને પગ ફાટેલાં છે, પણ તે વાગોળતું નથી; તે અશુદ્ધ છે. 8 તમારે તેમનું માંસ ખાવું નહિ કે તેમનાં શબનો સ્પર્શ કરવો નહિ; તે અશુદ્ધ છે. 9 “જળચર પ્રાણીઓમાંથી તમે આટલાં ખાઈ શકો છો. પાણીના બધાં પર અને ભીંગડાવાળાં પ્રાણીઓ ખાઈ શકાય. 10 પરંતુ સમુદ્ર કે નદીમાંના પર કે ભીંગડાં વગરનાં કોઈ જળચરપ્રાણી તમારે ખાવાં નહિ; તે અશુદ્ધ છે. 11 તમારે તેમનું માંસ ખાવું નહિ કે તેમનાં શબનો સ્પર્શ કરવો નહિ. 12 જળચર પ્રાણીઓમાં પર કે ભીંગડાં વગરનાં પ્રાણીઓ તમારે ખાવાં નહિ. 13-19 “તમારે નીચેનાં પક્ષીઓ ખાવાં નહિ; કારણ, તે અશુદ્ધ છે: ગરુડ, ફરસ, અજના, સમડી, બધી જાતના બાજ, બધી જાતના કાગડા, શાહમૃગ, ચીબરી, શાખાફ, બધી જાતના શકરા, બદામી ધુવડ, કરઢોક, ધુવડ, રાજહંસ, ઢીંચ, બગલો, ગીધ, બધી જાતનાં બતક, લક્કડખોદ, ચામાચીડિયું. 20 “બધાં પાંખોવાળા ચોપગાં જીવજંતુઓ અશુદ્ધ છે. 21-22 પરંતુ જેઓ કૂદકા મારે છે તે અપવાદ છે: તમારે તીડ, તમરાં અને તીતીઘોડા ખાવાં. 23 પરંતુ બીજા બધાં પાંખોવાળા ચાર પગથી પેટ ઘસડીને ચાલનાર જીવજંતુઓ તમારે ખાવાં નહિ; તે અશુદ્ધ છે. 24-28 “જો કોઈ આ પ્રાણીઓના શબનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય; ફાટેલી ખરીવાળાં પણ પગમાં ચિરાયેલાં ન હોય, વાગોળતાં ન હોય અને પંજા પર ચાલતાં હોય એવાં ચોપગાં પ્રાણીઓ અશુદ્ધ છે. જે કોઈ તેમનાં શબનો સ્પર્શ કરે તેણે પોતાનાં વસ્ત્ર ધોઇ નાખવાં. છતાં સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. 29-30 “પેટ ઘસડીને ચાલનાર પ્રાણીઓ અશુદ્ધ છે: નોળિયો, છછુંદર, ઊંદર અને ઘરોળી. 31 જે કોઈ તેમના શબનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. 32 જે કંઈ એમના શબને અડકે તે અશુદ્ધ ગણાય. એટલે લાકડાંની, કપડાંની, ચામડાંની કે તારની વસ્તુ પણ અશુદ્ધ ગણાય; પાણીથી તેને ધોઇ નાખવી અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. 33 તેમાંના કોઈનું શબ માટલામાં પડે તેમાં ભરેલી વસ્તુ અશુદ્ધ ગણાય અને તમારે તે પાત્રને ફોડી નાખવું. 34 આવા માટલાનું પાણી ખોરાક પર રેડવામાં આવે તો તે અશુદ્ધ ગણાય અને તે પાત્રનું પીણું પણ અશુદ્ધ ગણાય. 35 જે કોઈ વસ્તુ પર તેમનું શબ પડે તે અશુદ્ધ ગણાય. જો તે ભઠ્ઠી કે સગડી હોય તો તેને ભાંગી નાખવી. 36 પરંતુ પાણીનો ઝરો કે ટાંકુ શુદ્ધ ગણાય: એ સિવાય બીજું કંઈ તેમના શબનો સ્પર્શ કરે તે અશુદ્ધ ગણાય. 37 જો તેમાંના કોઈનું શબ બિયારણ પર પડે તો તે શુદ્ધ ગણાય. 38 પણ જો બિયારણ પાણીમાં પલાળેલું હોય અને તે પર શબ પડે તો તેને અશુદ્ધ ગણવું. 39 “જો કોઈ ખાવાલાયક પ્રાણી મૃત્યુ પામે તો તેના શબનો સ્પર્શ કરનાર સાંજ સુધી અશુદ્ધ ગણાય. 40 જો કોઈ તે શબમાંથી ખાય તો તેણે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં. તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. જે કોઈ તેવા શબને ફેંકી આવે તેણે પણ પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં. તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. 41 “જમીન પર પેટે ચાલનારાં બધાં જ નાનાં નાનાં જીવજંતુઓ અશુદ્ધ છે. તે તમારે ખાવાં નહિ. 42 પછી તે પેટે ચાલે, ચાર પગે ચાલે કે બહુ પગવાળું હોય. 43 આમાંથી કોઈને ખાઈને તમે પોતાને અશુદ્ધ કરશો નહિ. 44 હું પ્રભુ, તમારો ઈશ્વર છું. હું પવિત્ર છું, માટે તમારે પણ સમર્પિત થઈને પવિત્ર રહેવું જોઈએ. 45 તમારો ઈશ્વર થવા માટે મેં પ્રભુએ તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા હતા. હું પવિત્ર છું માટે તમારે પવિત્ર રહેવું જોઈએ. 46 “તેથી પ્રાણીઓ અને પક્ષીઓ, જળચર અને જમીન પર પેટે ચાલનાર બધા જ જીવો સંબંધી આ નિયમ છે. 47 તમારે વિધિગત રીતે શુદ્ધ અને અશુદ્ધ તેમ જ ખાવાલાયક અને બિનખાવાલાયક વચ્ચે કાળજીપૂર્વક ભેદ રાખવાનો છે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide