Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

લેવીય 10 - પવિત્ર બાઇબલ C.L.


નાદાબ અને અબીહૂનું પાપ

1 આરોનના પુત્રો નાદાબ અને અબીહૂએ પોતાની ધૂપદાની લીધી. તેમાં સળગતા અંગારા મૂકી તે પર ધૂપ નાખ્યો અને પ્રભુએ જે અગ્નિ ચડાવવાની આજ્ઞા આપી નહોતી તેવો અપવિત્ર અગ્નિ પ્રભુને ચડાવ્યો.

2 એકાએક પ્રભુનો અગ્નિ પ્રગટયો અને તેઓ તેમાં પ્રભુની સમક્ષ બળી મર્યા.

3 પછી મોશેએ આરોનને કહ્યું, “આ તો પ્રભુએ જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે જ બન્યું છે. ‘મારી સેવા કરનારાઓએ મારી પવિત્રતાની અદબ જાળવવી જોઈએ. હું મારું ગૌરવ મારા લોક સમક્ષ પ્રગટ કરીશ.’ ” પરંતુ આરોન શાંત રહ્યો.

4 મોશેએ આરોનના કાકા ઉઝ્ઝીએલના પુત્રો મિશાએલ અને એલસાફાનને બોલાવ્યા. તેણે તેમને કહ્યું, “અહીં આવો અને આ તમારા પિત્રાઈ ભાઈઓનાં શબને પવિત્ર મંડપમાંથી છાવણી બહાર લઈ જાઓ.”

5 તેથી તેઓ આવ્યા અને મોશેના કહ્યા પ્રમાણે તેઓ તેમના ભાઈઓનાં શબ પહેરેલા ઝભ્ભા સહિત છાવણી બહાર લઈ ગયા.

6 ત્યાર પછી મોશેએ આરોન અને તેના પુત્રો એલાઝાર તથા ઇથામારને કહ્યું, “તમારા વાળ પીંખી નાખીને કે વસ્ત્રો ફાડીને શોક પ્રદર્શિત કરશો નહિ. તમે એમ કરશો તો તમે માર્યા જશો અને પ્રભુ સમગ્ર ઇઝરાયલી સમાજ પર કોપાયમાન થશે. છતાં પ્રભુના અગ્નિએ પ્રગટીને નીપજાવેલા આ મોત માટે તમારા ઇઝરાયલી ભાઈઓ ભલે શોક કરે.

7 મુલાકાતમંડપના પ્રવેશદ્વારની બહાર જશો નહિ. જો એવું કરશો તો માર્યા જશો. કારણ, પ્રભુના અભિષેકના તેલથી તમને સમર્પિત કરવામાં આવ્યા છે.” તેમણે મોશેના કહ્યા પ્રમાણે કર્યું.


યજ્ઞકારો માટેના નિયમો

8-9 પ્રભુએ આરોનને કહ્યું, “તારે કે તારા પુત્રોએ દ્રાક્ષાસવ કે મદ્યપાન કરીને મારા મુલાકાતમંડપમાં પ્રવેશ કરવો નહિ, નહિ તો તમે માર્યા જશો. વંશપરંપરા તમારે માટે આ કાયમી નિયમ છે.

10 “તમારે ઈશ્વરને માટે અલગ કરાયેલ અને સામાન્ય વપરાશને માટે રાખેલ વસ્તુઓ વચ્ચેનો તથા વિધિગત રીતે શુદ્ધ અને અશુદ્ધ વચ્ચેનો ભેદ પારખવાનો છે.

11 મોશેની મારફતે આપવામાં આવેલી બધી આજ્ઞાઓ તમારે ઇઝરાયલી લોકોને શીખવવાની છે.”

12 મોશેએ આરોન અને તેના બન્‍ને પુત્રો એલાઝાર તથા ઇથામારને કહ્યું, “પ્રભુને ચડાવેલ ધાન્યઅર્પણમાંથી બાકી રહેલો લોટ લો. તેમાંથી ખમીર વગરની રોટલી બનાવો અને યજ્ઞવેદી પાસે તે ખાઓ; કારણ, તે અતિ પવિત્ર છે.

13 પવિત્ર સ્થળે બેસીને તે ખાઓ. પ્રભુને ચડાવેલાં અર્પણમાંથી એ તમારો અને તમારા પુત્રોનો હિસ્સો છે. આ આજ્ઞા મને પ્રભુએ આપેલી છે.

14 વળી, યજ્ઞકારો માટે પ્રભુને ચડાવેલા બલિનો છાતીનો ભાગ અને પાછલા પગ તારો અને તારા કુટુંબનો વિશિષ્ટ હિસ્સો છે. કોઈ પવિત્ર સ્થળે બેસીને તે તમારે ખાવો. ઇઝરાયલી લોકના સંગતબલિમાંથી તમારો અને તમારા બાળકોનો એ હિસ્સો છે.

15 પ્રભુને યજ્ઞાપર્ણ કરતી વખતે ચરબી દહન કરવા લાવવામાં આવે ત્યારે તે સાથે છાતીનો ભાગ અને પાછલા પગ પણ લાવવા. આ ભાગ પ્રભુની આજ્ઞા પ્રમાણે તારો અને તારાં સંતાનોનો કાયમનો હિસ્સો છે.”

16 મોશેએ પ્રાયશ્ર્વિતબલિ માટેના બકરાની તપાસ કરી તો જાણવા મળ્યું કે તેનું તો ક્યારનુંય દહન કરી દેવામાં આવ્યું હતું. તેથી તે આરોનના બાકી રહેલા પુત્રો એલાઝાર અને ઇથામાર પર ગુસ્સે ભરાયો.

17 તે બોલ્યો, “તમે શા માટે એ પ્રાયશ્ર્વિતબલિ પવિત્રસ્થાનમાં બેસીને ખાધો નહિ? એ તો અતિ પવિત્ર છે. વળી, સમગ્ર ઇઝરાયલી સમાજનું પાપ દૂર કરવા માટે પ્રભુએ તે તમને આપ્યો હતો.

18 તેનું રક્ત પવિત્રસ્થાનની અંદર લઈ જવામાં આવ્યું નહોતું. તેથી મારી આજ્ઞા પ્રમાણે તમે તે પવિત્રસ્થાનમાં જ ખાઈ શકાયા હોત.”

19 પણ આરોને મોશેને કહ્યું, “જો, આજે તો તેમણે પ્રભુને પ્રાયશ્ર્વિતબલિ અને દહનબલિ ચડાવ્યો છે; અને છતાં મારી આવી દશા થઈ છે! તો પછી મેં આજે પ્રાયશ્ર્વિતબલિમાંથી ખાધું હોત તો તે પ્રભુની દૃષ્ટિએ યોગ્ય ગણાયું હોત?”

20 મોશેએ એ સાંભળ્યું ત્યારે તેને ય એ વાત સાચી લાગી.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan