યર્મિયાનો વિલાપ 5 - પવિત્ર બાઇબલ C.L.દયા માટે પ્રાર્થના א આલેફ: 1 હે પ્રભુ, અમારા પર જે આવી પડયું છે તે યાદ કરો. અમારી તરફ જુઓ અને અમારું અપમાન નિહાળો. ב બેથ: 2 અમારો દેશ પારકાઓના હાથમાં ગયો છે અમારાં ઘરોમાં પરદેશીઓ રહે છે. ג ગિમેલ: 3 અમે અનાથ બન્યા છીએ, અમારા પિતાઓને દુશ્મને મારી નાખ્યા છે; અમારી માતાઓ વિધવા થઈ છે. ד દાલેથ: 4 અમારે પીવાનું પાણીય વેચાતું લેવું પડયું છે. બળતણ માટેનું લાકડુંય અમારે ખરીદવું પડયું છે. ה હે: 5 અમારી ગરદનો પર ઝૂંસરી મૂકી અમને હાંકવામાં આવ્યા છે, વૈતરું કરીને અમે થાકી ગયા છીએ, પણ અમને આરામ લેવા દેવામાં આવતો નથી. ו વાવ: 6 જીવતા રહેવા ખોરાકને માટે અમે ઇજિપ્ત ને આશ્શૂરની પાસે ભીખ માગી છે. ז ઝાયિન: 7 અમારા પૂર્વજોએ પાપ કર્યું, પણ તેમના પાપને લીધે અમે દુ:ખ સહન કરીએ છીએ. ח ખેથ: 8 ગુલામ જેવા માણસો અમારા પર રાજ કરે છે અને અમને તેમની સત્તામાંથી છોડાવનાર કોઈ નથી. ט ટેથ: 9 ખૂનીઓ સીમ વિસ્તારમાં ધૂમ્યા કરે છે, તેથી અનાજને માટે અમારે ખેતરોમાં જવા જીવનું જોખમ વહોરવું પડે છે. י યોદ: 10 ભૂખના માર્યા અમે તાવથી એવા તપ્યા છીએ કે અમારી ચામડી ભઠ્ઠીના જેવી કાળી થઈ છે. כ કાફ: 11 સિયોન પર્વત પર અમારી સ્ત્રીઓ પર બળાત્કાર થયા છે; અને યહૂદિયાનાં દરેક ગામમાં અમારી દીકરીઓની આબરૂ લૂંટાઈ છે. ל લામેદ: 12 અમારા આગેવાનોને લટકાવી દેવામાં આવ્યા છે અને વૃદ્ધોનું કોઈએ માન રાખ્યું નથી. ם મેમ: 13 અમારા જુવાનો પાસે ગુલામોની જેમ ઘંટીએ દળવાનું કામ કરાવવામાં આવે છે. તેઓ લાકડાંનો ભાર ઊંચક્તાં લથડિયાં ખાય છે. ן નૂન: 14 વડીલો હવે શહેરના દરવાજે બેસતા નથી અને યુવાનો ગીત ગાતા નથી. ס સામેખ: 15 અમારા જીવનમાંથી આનંદ ખલાસ થઈ ગયો છે; અમારાં નાચગાનને સ્થાને રડારોડ છે. ע આયિન: 16 ગૌરવ લઈ શકીએ એવું કંઈ અમારી પાસે નથી; અમે પાપ કર્યું છે. અરે, અમારી કેવી દુર્દશા થઈ છે! ץ પે: 17 અમારું હૃદય નિર્ગત થયું છે અને અમારાં આંસુઓને લીધે અમે કશું જોઈ શક્તા નથી. צ ત્સાદે: 18 કારણ, સિયોન પર્વત નિર્જન અને વેરાન થયો છે; તેનાં ખંડિયેરોમાં જંગલી શિયાળો ભટકે છે. ק કોફ: 19 પણ હે પ્રભુ, તમે સદાસર્વકાળ રાજા છો; તમારું રાજ સર્વકાળ ટકે છે. ר રેશ: 20 તમે શા માટે અમને લાંબા સમયથી ત્યજી દીધા છે? શું તમે અમને ફરી કદી નહિ સંભારો? ש શીન: 21 હે પ્રભુ, તમારી પાસે અમને પાછા લાવો! અમને પાછા લાવો! અમારા પ્રાચીન ગૌરવનું સંસ્થાપન કરો. ת તાવ: 22 શું તમે અમને સદાકાળ માટે તજી દીધા છે? શું તમારા ક્રોધને કોઈ સીમા નથી? |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide