યર્મિયાનો વિલાપ 4 - પવિત્ર બાઇબલ C.L.પતન પછીનું યરુશાલેમ א આલેફ: 1 આપણું ચળકતું સોનું કેવું ઝાંખું પડયું છે! કુંદન કેવું બદલાઈ ગયું છે! મંદિરના પથ્થરો રસ્તાઓ પર વેરવિખેર પડેલા છે. ב બેથ: 2 સિયોનના યુવાનો સોના જેવા કીમતી હતા; પણ હવે કુંભારે બનાવેલાં માટીનાં પાત્રો જેવાં સામાન્ય બની ગયા છે. ג ગિમેલ: 3 વરુ પણ પોતાનાં બચ્ચાંને સ્તનપાન કરાવે છે, પણ મારા લોક પોતાનાં બાળકો પ્રત્યે શાહમૃગ જેવા નિર્દયી થયા છે. ד દાલેથ: 4 ધાવણા બાળકની જીભ તરસને લીધે તાળવે ચોંટી જાય છે; બાળકો ખોરાક માટે ભીખ માગે છે, પણ કોઈ તેમનું કશું આપતું નથી. ה હે: 5 એકવાર ઉત્તમ વાનગીઓ ખાનારા લોકો રસ્તાઓ પર ભૂખે મરે છે. રાજવી વૈભવમાં ઉછરેલા લોકોએ ઉકરડાનો સહારો લીધો છે. ו વાવ: 6 ઈશ્વરના હાથે સદોમનો એકાએક નાશ થયો હતો; છતાં મારા લોકને તો તેના કરતાં પણ વધુ સજા થઈ છે. ז ઝાયિન: 7 અમારા રાજકુંવરો હિમ કરતાં સ્વચ્છ અને દૂધ કરતાં ધોળા હતા. તેમનાં શરીર માણેક જેવાં રાતાંમાતાં હતાં; તેમનું રૂપ નીલમ જેવું હતું. ח ખેથ: 8 પણ હવે તેઓ રસ્તાઓ પર ઓળખી ન શકાય તેવી રીતે પડેલા છે. મૃત્યુને લીધે તેમનાં મોં કાળાંમેશ થઈ ગયાં છે. તેમની ચામડી સૂકાં લાકડાં જેવી થઈ ગઈ છે અને તેમનાં હાડકાં પર વળગી રહી છે. ט ટેથ: 9 લડાઈમાં માર્યા ગયેલા કરતાં પાછળથી ભૂખે મરી ગયેલાંની દશા વધારે બૂરી થઈ છે. અનાજ નહિ પાકવાને કારણે તેઓ ભૂખથી ધીમે ધીમે મરણને શરણ થયા છે. י યોદ: 10 મારા લોક પર આવેલી આફત ભયંકર છે. પ્રેમાળ માતાઓએ પોતાનાં જ બાળકોને ખોરાકને માટે બાફયાં છે. כ કાફ: 11 પ્રભુએ પોતાનો ઉગ્ર કોપ પૂરેપૂરો ઉતાર્યો છે. સિયોનમાં તેમણે આગ લગાડી છે, જેનાથી તે બળીને ભસ્મીભૂત થયું છે. ל લામેદ: 12 દુશ્મનો ચઢાઈ કરીને યરુશાલેમના દરવાજાઓમાં પ્રવેશ કરશે એવું પરદેશી પ્રજાઓના રાજાઓ કે બીજા કોઈએ પણ માન્યું નહોતું. ם મેમ: 13 પણ તેના સંદેશવાહકો અને યજ્ઞકારોએ નિર્દોષને મારી નાખવાનું પાપ કર્યું હોવાથી એવું બન્યું છે! ן નૂન: 14 તેના આગેવાનો રસ્તાઓ પર આંધળાની માફક રખડે છે; તેઓ રક્તથી ખરડાયેલા હોવાથી કોઈ તેમને અડકતું નથી. ס સામેખ: 15 લોકો પોકારે છે: “દૂર હટો! દૂર હટો! તમે અશુદ્ધ છો; અમને સ્પર્શ કરશો નહિ.” તેથી તેઓ એક દેશથી બીજા દેશમાં રઝળે છે, પણ તેમને કોઈ રહેવા દેતું નથી. ץ પે: 16 પ્રભુએ તેમની કંઈ દરકાર રાખી નથી. તેમણે જ તેમને વેરવિખેર કર્યા છે. તેમણે યજ્ઞકારો અને આગેવાનો પર કંઈ દયા રાખી નથી. ע આયિન: 17 ચોકીના બુરજ પરથી મદદની વાટ જોઈ જોઈને અમારી આંખો થાકી ગઈ, પણ અમને કંઈ મદદ મળી નહિ. અમે તો અમને મદદ કરી શકે નહિ એવા દેશની પાસે પણ મદદની આશા રાખી હતી. צ ત્સાદે: 18 દુશ્મનો અમારા પર ચાંપતી નજર રાખતા હતા; તેથી અમે અમારા રસ્તાઓ પર પણ ફરી શક્તા નહોતા. અમારા દિવસો પૂરા થયા છે; અમારો અંત નજીક આવી પહોંચ્યો છે. ק કોફ: 19 અમારો પીછો કરનારા આકાશમાંથી તરાપ મારતા ગરુડ કરતાં પણ વધુ વેગીલા હતા. તેઓ પર્વતો પર અમારી પાછળ પડયા; વેરાન પ્રદેશમાં તેમણે અમને અચાનક પકડી પાડયા. ר રેશ: 20 અમારા જીવનના આધાર સમો પ્રભુનો અભિષિક્ત દુશ્મનોના ફાંદામાં ફસાઈ ગયો. અમારા એ રાજા વિષે અમે તો એવું બોલતા હતા કે તેની છત્રછાયા નીચે અમે આસપાસની પ્રજાઓ મધ્યે સલામત રહીશું. ש શીન: 21 હે અદોમ અને ઉસ નગરના લોકો, હર્ષ તથા આનંદ કરો! તમારા પર પણ આફત આવે છે! તમે પણ વસ્ત્રહીન અને લજિજત થઈને લથડિયાં ખાશો. ת તાવ: 22 સિયોનને તેના પાપની સજા પૂરી થઈ છે. પ્રભુ આપણને બંદીવાસમાં વધુ સમય રાખશે નહિ. પણ હે અદોમ, પ્રભુ તને સજા કરશે; તે તારાં પાપ ખુલ્લાં કરશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide