યર્મિયાનો વિલાપ 3 - પવિત્ર બાઇબલ C.L.સજા, પસ્તાવો અને આશા א આલેફ: 1 હું એક એવો માણસ છું કે જે ઈશ્વરની સજા કેવી આકરી હોય છે તે જાણે છે. 2 તેમણે મને અંધકારમાં ઊંડેઊંડે ધકેલી દીધો છે, 3 અને તે મને આખો દિવસ ફટકાર્યા કરે છે. ב બેથ: 4 તેમણે મારી ચામડી ઉખાડી નાખી છે, મારું માંસ બહાર ખેંચી કાઢયું છે અને મારાં હાડકાં ભાંગી નાખ્યાં છે. 5 તેમણે મને શોકમાં ઘેરી લીધો અને દુ:ખની ભીંસમાં લીધો છે. 6 તેમણે મને લાંબા સમયથી મરી ચૂકેલા માણસની જેમ મરણના ઘોર અંધકારમાં ધકેલી દીધો છે. ג ગિમેલ: 7 તેમણે મને સાંકળોથી બાંધ્યો છે; છુટકારાની કોઈ આશા ન હોય એવા કેદી જેવો હું છું. 8 હું મોટેથી મદદને માટે પોકારું છું, પણ ઈશ્વર મારી પ્રાર્થના સાંભળતા નથી. 9 ચાલતાં ચાલતાં હું લથડિયાં ખાઉં છું; કારણ, જ્યાં જ્યાં હું ફરું ત્યાં ત્યાં પથ્થરની દીવાલોએ મને ઘેરી લીધો છે. ד દાલેથ: 10 સંતાયેલા રીંછની માફક તે મારી રાહ જુએ છે અને સિંહની માફક લપાઈને તે મારા પર તરાપ મારે છે. 11 તેમણે મને રસ્તામાં ઝડપી લીધો અને મને ફાડીચીરીને છોડી દીધો. 12 તેમણે પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે અને મને તેમના તીરનું નિશાન બનાવ્યો છે. ה હે: 13 પોતાનાં તીરથી તે મારા અભ્યંતરને છેદી નાખે છે. 14 આખો દિવસ બધા લોકો મારી હાંસી ઉડાવે છે. તેઓ બધા મારા વિષે મશ્કરીનાં ગીત ગાય છે. 15 તેમણે મને માત્ર નાગદમનીના છોડની કડવાશ જેવાં ઝેરી દુ:ખ દીધાં છે; એ જ મારાં આહારપાણી બન્યાં છે. 16 મારા મુખને કાંકરામાં ઢસડીને તેમણે મારા દાંત ભાંગી નાખ્યા છે અને મને રાખમાં રગદોળ્યો છે. 17 મારા મનને નથી અને સુખ સમૃદ્ધિ શું છે તે હું ભૂંલી ગયો છું. 18 હવે હું બહુ લાંબુ જીવવાનો નથી અને પ્રભુ પરની મારી આશા નષ્ટ થઈ છે. ו ઝાયિન: 19 મારી વ્યથા અને મારી રઝળપાટના વિચારો કીરમાણીના છોડના કડવા ઝેર જેવા છે. 20 હું નિરંતર એના વિચાર કરું છું, તેથી મારો આત્મા હતાશ થઈ ગયો છે. 21 છતાં એક વાતનો વિચાર મારામાં આશા જન્માવે છે. ח ખેથ: 22 એટલે કે, પ્રભુનો અવિરત પ્રેમ અને તેમની અખૂટ દયા. 23 એ તો સવારની જેમ હમેશાં તાજાં હોય છે. તેમનું વિશ્વાસુપણું સાચે જ મહાન છે. 24 પ્રભુ મારું સર્વસ્વ છે; તેમના પર મારી આશા છે. ט ટેથ: 25 જેઓ તેમના પર ભરોસો રાખીને તેમને શોધે છે તેઓ પ્રત્યે પ્રભુ ભલા છે. 26 તેથી તે આપણો ઉદ્ધાર કરે તે માટે ધીરજથી તેમની રાહ જોવી એ આપણે માટે ઉત્તમ છે. 27 એવી ધીરજ ધરવામાં યુવાવસ્થા દરમ્યાન શિક્ષણની ઝૂંસરી ઉપાડવી એ માણસને માટે સારું છે. י યોદ: 28 આપણે સહન કરવાનું આવે ત્યારે એકાંતમાં શાંત બેસી રહેવું જોઈએ. 29 આપણે આધીન થઈને નમી જવું જોઈએ, એથી કદાચ આપણે માટે આશા હોય પણ ખરી. 30 આપણે મારનારને ગાલ ધરવો જોઈએ અને અપમાન સહી લેવાં જોઈએ. כ કાફ: 31 પ્રભુ દયાળુ છે. તે આપણને કાયમને માટે નકારી કાઢશે નહિ. 32 જો કે તે આપણા પર દુ:ખ લાવે, તોય તે દયા દાખવશે, કારણ, આપણા પ્રત્યેનો તેમનો પ્રેમ અવિચળ છે. 33 આપણને દુ:ખ કે પીડા દેવામાં તેમને કંઈ આનંદ થતો નથી. ל લામેદ: 34 આપણા આત્માઓને કેદમાં ક્યારે કચડવામાં આવે છે તે પ્રભુ જાણે છે. 35 તેમણે આપણને આપેલા હકો ક્યારે ડૂબાવી દેવામાં આવે છે તે તે જાણે છે. 36 અદાલતમાં આપણને ક્યારે ન્યાયથી વંચિત રાખવામાં આવે છે તે ય પ્રભુ જાણે છે. ם મેમ: 37 પ્રભુએ નિર્મિત કર્યું હોય એ સિવાય કોઈથીય કશું કરી શકાય છે? 38 સર્વોચ્ચ ઈશ્વરની આજ્ઞાથી જ સારું કે માઠું બને છે ને? 39 આપણને આપણા પાપને લીધે શિક્ષા થઈ હોય તો આપણે શા માટે ફરિયાદ કરવી જોઈએ? ן નૂન: 40 આપણે આપણા માર્ગો તપાસીએ તથા પારખીએ અને પ્રભુ તરફ પાછા ફરીએ. 41 આકાશમાંના ઈશ્વર તરફ આપણા હાથો ઊંચા કરીએ એટલું જ નહિ, પણ સાથે આપણાં હૃદયો ખુલ્લાં કરીએ અને આવી પ્રાર્થના કરીએ: 42 “હે પ્રભુ, અમે પાપ કર્યું છે અને તમારી વિરુદ્ધ બળવો કર્યો છે પણ તમે અમને ભૂલી ગયા નથી.” ס સામેખ: 43 તમે તમારા રોષમાં અમારો પીછો કર્યો અને અમારી નિર્દય ક્તલ કરી છે. તમારા ક્રોધમાં તમારી દયા ઢંકાઈ ગઈ હતી. 44 તમે કોપના વાદળ પાછળ છુપાઈ ગયા હતા; તેથી અમારી પ્રાર્થનાઓ પેલે પાર જઈ શકી નહિ. 45 તમે અમને દુનિયા આખીનો ઉકરડો બનાવ્યા છે. ץ પે: 46 અમારા બધા દુશ્મનો અમારી ઠઠ્ઠા મશ્કરી કરે છે. 47 અમારા પર આફત અને વિનાશ આવી પડયાં છે અને અમે ભય તથા બીકમાં જીવીએ છીએ. 48 મારા લોકના વિનાશને લીધે મારી આંખોમાંથી આંસુની નદીઓ વહી જાય છે. ע આયિન: 49-50 પ્રભુ આકાશમાંથી કૃપાદષ્ટિ કરે ત્યાં સુધી મારી આંખોમાંથી ચોધાર આંસુઓ નિરંતર વહ્યા કરશે. 51 શહેરની યુવતીઓની જે દશા થઈ છે તે જોઈને મારું હૃદય દુ:ખી દુ:ખી થઈ ગયું છે. צ ત્સાદે: 52 મને ધિક્કારવાનું કોઈ કારણ ન હોવા છતાં મારા શત્રુઓ પક્ષીની માફક મારી પાછળ પડયા છે. 53 તેમણે મને જીવતો ખાડામાં નાખી દીધો અને ખાડો પથ્થરથી બંધ કરી દીધો. 54 મારી ઉપર પાણી ફરી વળ્યાં એટલે હું બોલી ઊઠયો, “મારું મોત નજીક આવી પહોંચ્યું છે.” ק કોફ: 55 હે પ્રભુ, ખાડાના તળિયેથી મેં તમને પોકાર કર્યો; 56 મારો પોકાર સાંભળવા મેં તમને બૂમ પાડી, ત્યારે તમે તે સાંભળ્યું. 57 તમે મને જવાબ આપતાં કહ્યું, “બીશ નહિ.” ר રેશ: 58 હે પ્રભુ, તમે મારા બચાવને માટે આવ્યા અને મારા જીવનનો ઉદ્ધાર કર્યો છે. 59 હે પ્રભુ, મારા પક્ષમાં ન્યાય આપો. કારણ, મારી વિરુદ્ધ થયેલો અન્યાય તમે જાણો છો. 60 મારા શત્રુઓની વેરભાવના અને મારી વિરુદ્ધનાં તેમનાં કાવતરાં તમે જાણો છો. ש શીન: 61 હે પ્રભુ, તમે તેમને મારી નિંદા કરતા સાંભળ્યા છે. તમે તેમનાં બધાં કાવતરાં જાણો છો. 62 તેઓ આખો દિવસ મારા વિષે વાત કરે છે અને મારી વિરુદ્ધ કાવાદાવા કરે છે. 63 બેસતાં કે ઊઠતાં, તેઓ સતત મારી મશ્કરી કર્યા કરે છે. ת તાવ: 64 હે પ્રભુ, તેમના કાર્ય પ્રમાણે તેમને સજા કરો. 65 તમે તેમને શાપ આપો અને નિરાશામાં ધકેલી દો. 66 તમારા કોપથી તેમનો શિકાર કરો અને પૃથ્વી પરથી તેમને નષ્ટ કરો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide