યર્મિયાનો વિલાપ 2 - પવિત્ર બાઇબલ C.L.યરુશાલેમ પર પ્રભુનો પ્રકોપ א આલેફ: 1 પ્રભુએ પોતાના ક્રોધમાં સિયોનને અંધકારથી ઢાંકી દીધું છે. ઇઝરાયલની ગૌરવસમી નગરીને તેમણે ખંડિયેરમાં ફેરવી નાખી છે. પોતાના ક્રોધના દિવસે તેમણે પોતાના મંદિરની પણ પરવા કરી નથી. ב બેથ: 2 પ્રભુએ યહૂદિયાનાં બધાં ગામોનો નિર્દયપણે નાશ કર્યો છે, અને દેશના સંરક્ષક કિલ્લાઓ તોડી પાડયા છે. તેમણે રાજા અને તેમના અધિકારીઓને બદનામ કર્યા છે. ג ગિમેલ: 3 તેમણે પોતાના ક્રોધમાં ઇઝરાયલની તમામ તાક્ત ભાંગી નાખી છે. દુશ્મન ચડી આવ્યો ત્યારે તેમણે મદદ કરવાની ના પાડી દીધી. ચારેકોર ફરી વળતા ભડભડતા અગ્નિની જેમ પોતાના કોપાગ્નિમાં તેમણે સઘળાંનો નાશ કર્યો છે. ד દાલેથ: 4 દુશ્મનની માફક તેમણે પોતાના બળવાન હાથે પોતાનું ધનુષ્ય અમારા તરફ ખેંચ્યું છે. અમારા હર્ષાનંદસમા સૌને તેમણે મારી નાખ્યા છે. અહીં યરુશાલેમમાં તેમનો કોપાગ્નિ રેડાયો છે. ה હે: 5 પ્રભુએ એક શત્રુની જેમ ઇઝરાયલનો નાશ કર્યો છે. તેમણે તેના કિલ્લાઓ અને મહેલોને ખંડિયેર કર્યા છે. તેમણે યહૂદિયાના લોક પર ભારે દુ:ખ મોકલ્યું છે. ו વાવ: 6 જ્યાં અમે તેમનું ભજન કરતા હતા તે મંદિરના તેમણે ભુકા બોલાવી દીધા છે. તે પવિત્ર દિવસો અને સાબ્બાથોનો અંત લાવ્યા છે. પોતાના ક્રોધાવેશમાં તેમણે રાજા અને યજ્ઞકારોનો તિરસ્કાર કર્યો છે. ז ઝાયિન: 7 પ્રભુએ પોતાની વેદીનો નકાર કર્યો છે અને પોતાના પવિત્ર મંદિરનો ત્યાગ કર્યો છે. તેમણે દુશ્મનોને તેની દીવાલો તોડી પાડવાનું કામ સોંપ્યું છે. એકવાર જ્યાં અમે આનંદોત્સવ કરતા હતા, ત્યાં દુશ્મનોનો જયઘોષ થઈ રહ્યો છે. ח ખેથ: 8 પ્રભુએ સિયોનના કોટ તોડી પાડવાનું નક્કી કર્યું છે. તેનો સંપૂર્ણ નાશ કરવા તેમણે દોરી લંબાવીને તેનું માપ લીધું છે. મિનારા અને દીવાલો એક સાથે ખંડિયેર બન્યાં છે. ט ટેથ: 9 દરવાજાઓ જમીનદોસ્ત થયા છે અને એમના લાકડાના દાંડાઓના ટુકડેટુકડા થઈ ગયા છે. રાજા અને અધિકારીઓ બંદીવાસમાં લઈ જવાયા છે. હવે ત્યાં નિયમશાસ્ત્રનું શિક્ષણ અપાતું નથી અને સંદેશવાહકોને પ્રભુ તરફથી સંદર્શન થતાં નથી. י યોદ: 10 યરુશાલેમના વૃદ્ધો જમીન પર મૂંગે મોંએ બેઠા છે. તેમણે પોતાના માથા પર ધૂળ નાખી છે અને શરીર પર તાટ વીંટાળ્યું છે. યુવતીઓએ પોતાનાં માથાં જમીન સુધી ઢાળી દીધાં છે. כ કાફ: 11 રુદનને લીધે મારી આંખોનું તેજ ઘટી ગયું છે, અને મારું દિલ દુ:ખી છે. મારા લોકની પાયમાલી થઈ છે અને તેના દુ:ખમાં હું નિર્ગત થઈ ગયો છું. શહેરના માર્ગો પર કિશોરો અને નાનાં બાળકો મૂર્છા પામે છે. ל લામેદ: 12 ભૂખ્યાં અને તરસ્યાં તેઓ તેમની માતાને પોકારે છે. જાણે ઘાયલ થયાં હોય તેમ તેઓ રસ્તા પર પટકાઈ પડે છે, અને ધીમે ધીમે પોતાની માતાના ખોળામાં મરણ પામે છે. ם મેમ: 13 હે યરુશાલેમ, પ્રિય યરુશાલેમ, હું શું કહું? હું કેવી રીતે તને દિલાસો આપું? કોઈને ક્યારેય આવું દુ:ખ પડયું નહિ હોય. સમુદ્ર સમી તારી આપત્તિનો કોઈ આરો કે ઉપાય નથી. ן નૂન: 14 તારા સંદેશવાહકો પાસે જૂઠ સિવાય બીજું કંઈ કહેવાનું હતું જ નહિ. પોતાના ઉપદેશમાં તેમણે તારાં પાપ વખોડયાં નહિ; એમ કરીને તેમણે તને છેતરી છે. તેમણે તને એવું વિચારતી કરી કે તારે પાપથી પાછા ફરવાની જરૂર નથી. ס સામેખ: 15 હે યરુશાલેમ, તારી પાસે થઈને પસાર થતા લોકો તાળીઓ દઈને તારી મશ્કરી ઉડાવે છે. તેઓ માથું ધૂણાવતાં તારા પર ફિટકાર વરસાવે છે: “શું આ એ જ સુંદરતમ શહેર છે? આખી દુનિયાના ગૌરવસમું શહેર શું આ છે?” ץપે: 16 તારા બધા દુશ્મનો તારી મોટેથી મશ્કરી કરે છે અને ધિક્કારે છે. તેઓ હોઠ દબાવીને અને દાંત પીસીને કહે છે, “અમે તેનો નાશ કર્યો છે. આ જ દિવસની અમે રાહ જોતા હતા. અમને એ દિવસ જોવા મળ્યો છે.” ע આયિન: 17 પ્રભુએ તો છેવટે પોતે ઉચ્ચારેલી ધમકી પ્રમાણે તેમણે જે કરવા ધાર્યું હતું તે કર્યું છે. ઘણા લાંબા સમય પહેલાં તેમણે આપેલી ચેતવણી પ્રમાણે તેમણે નિદર્યપણે આપણો નાશ કર્યો છે. આપણા દુશ્મનોને તેમણે વિજય પમાડયો છે અને આપણા પતન પર તેમને હરખાવા દીધા છે. צ ત્સાદે: 18 ઓ યરુશાલેમ, તારા કોટ પ્રભુને પોકારી ઊઠો! તારાં આંસુ નદીની જેમ રાતદિવસ વહ્યા કરો! તું હમેશાં રુદન અને શોક કરતી રહે. ק કોફ: 19 આખી રાત પ્રભુને વારંવાર પોકાર, તારાં બાળકો પર તે દયા દાખવે તે માટે તારું હૃદય ખોલીને પોકાર કર; કારણ, રસ્તાઓ પર તારાં બાળકો ભૂખે મરે છે. ר રેશ: 20 હે પ્રભુ, જરા જુઓ તો ખરા કે તમે કોને આવું દુ:ખ દઈ રહ્યા છો? સ્ત્રીઓ પોતાનાં પ્રિય બાળકોનું માંસ ખાય છે. યજ્ઞકારો અને સંદેશવાહકો મંદિરમાં જ મારી નંખાયા છે. ש શીન: 21 યુવાન કે વૃદ્ધ, સૌ કોઈ શેરીઓમાં રસ્તા પર મરણ પામેલાં પડયાં છે. દુશ્મને તલવારની ધારે યુવાનો અને યુવતીઓનો સંહાર કર્યો છે. તમારા કોપના દિવસે તમે તેમની નિર્દય ક્તલ થવા દીધી છે. ת તાવ: 22 મારી સામે ઉગ્ર જંગ ખેલવાને તમે મારા શત્રુઓને મારી આસપાસ પર્વની ભીડની જેમ એકઠા કર્યા છે અને તમારા કોપને દિવસે કોઈ છટકી શક્તો નથી. જેમને મેં ઉછેર્યાં એવાં મારાં પ્રિય બાળકોનો તેમણે સંહાર કર્યો છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide