યર્મિયાનો વિલાપ 1 - પવિત્ર બાઇબલ C.L.યરુશાલેમનું દારુણ દુ:ખ א આલેફ : 1 એક સમયે યરુશાલેમમાં ભરચક વસ્તી હતી, પણ અત્યારે તે સાવ નિર્જન બની ગયું છે. એક સમયની અગ્રગણ્ય મહાનગરી આજે વિધવા થઈ બેઠી છે. પ્રાંતોમાં જે રાણી જેવી હતી, તે હવે ગુલામડી બની ગઈ છે. ב બેથ: 2 આખી રાત તે કલ્પાંત કરે છે, તેના ગાલ પરથી આંસુ દદડયા કરે છે. તેના જૂના આશકોમાંનો કોઈ તેને આશ્વાસન આપવા આવ્યો નથી. તેના સાથીઓએ તેને દગો દીધો છે, અને હવે બધા તેના દુશ્મન બન્યા છે. ג ગિમેલ: 3 ભારે પીડા ભોગવીને અને સખત વેઠ કરીને યહૂદિયાના લોકો બંદીવાસમાં ગયા છે. તેઓ પરાયા પ્રદેશમાં વસે છે અને એમનું કોઈ ઠામઠેકાણું નથી. પીછો કરનાર દુશ્મનો તેમની આસપાસ ફરી વળ્યા છે અને નાસી છૂટવાનો કોઈ માર્ગ નથી. ד દાલેથ: 4 પવિત્ર પર્વોના દિવસોમાં ભજનને માટે મંદિરમાં કોઈ આવતું નથી. તેથી સિયોનના સૂના માર્ગો શોક કરે છે. સિયોનની ગાનારી યુવતીઓ દુ:ખથી કણસે છે અને તેના યજ્ઞકારો નિસાસા નાખે છે. શહેરના દરવાજા સૂના પડયા છે. ה હે: 5 તેના દુશ્મનો તેના શાસકો બન્યા છે; તેના શત્રુઓ નિરાંત ભોગવી રહ્યા છે. તેના અપરાધોને લીધે પ્રભુએ તેને દુ:ખ દીધું છે. તેનાં સંતાનોને બંદી તરીકે લઈ જવાયાં છે. ו વાવ: 6 યરુશાલેમનો વૈભવ હવે ભૂતકાળની બાબત બની ગઈ છે. તેના આગેવાનો ભૂખથી નિર્બળ થઈ ગયેલા હરણના જેવા થયા છે. શિકારીના હાથમાંથી છટકી જવા જેટલી તાક્ત તેમનામાં રહી નથી. ז ઝાયિન: 7 નિર્જન ખંડિયેર બની ગયેલું યરુશાલેમ પોતાના પ્રાચીન વૈભવને સંભારે છે. શત્રુઓએ સિયોનનો વિનાશ કર્યો ત્યારે તેની મદદ કરનાર કોઈ નહોતું. તેના પતનને લીધે તેના વિજેતાઓ તેની હાંસી ઉડાવે છે. ח ખેથ: 8 યરુશાલેમે અઘોર પાપ કર્યું. એનાથી એ નગરી મલિન બની છે. તેનું સન્માન કરનારા હવે તેને વખોડે છે, કારણ, તેમણે તેની નગ્નતા જોઈ છે. તે નિસાસા નાખે છે અને શરમથી પોતાનું મોં છુપાવે છે. ט ટેથ: 9 તેની મલિનતા તેનાં વસ્ત્ર પર ચોંટેલી છે. છતાં તેણે પોતાની આખરી અવસ્થાનો વિચાર કર્યો નહિ. તેનું પતન ભયાનક હતું, તેને દિલાસો દેનાર કોઈ નહોતું. તેના દુશ્મનોનો વિજય થયો છે અને તે દયા માટે પ્રભુને પોકારે છે. י યોદ: 10 તેના દુશ્મનોએ તેના બધા ખજાના લૂંટી લીધા છે. મંદિરમાં જ્યાં પ્રભુએ બિનયહૂદીઓને પ્રવેશની મના ફરમાવી હતી, ત્યાં તે તેમને જતા જુએ છે. כ કાફ: 11 તેના લોક ખોરાકની શોધમાં નિસાસા નાખે છે. જીવવાને માટે ખોરાકને સારુ તેમણે પોતાની કિંમતી વસ્તુઓ આપી દીધી છે. નગર પોકારે છે, “હે પ્રભુ, મારા તરફ જુઓ, મારા દુ:ખમાં મને નિહાળો.” ל લામેદ: 12 માર્ગે જતા આવતા દરેકને તે પોકારે છે: “મારા તરફ જુઓ. મારા જેવું દુ:ખ કોઈને કદી પડયું નથી. પ્રભુએ પોતાના કોપમાં મને એ દુ:ખ દીધું છે. ם મેમ: 13 “તેમણે ઉપરથી અગ્નિ મોકલ્યો, અને એ અગ્નિ મારામાં સળગ્યા કરે છે. તેમણે મારે માટે ફાંદો ગોઠવ્યો અને મને જમીન પર પાડી નાખી. તે પછી તેમણે મને તજીને સતત દુ:ખમાં ધકેલી દીધી. ן નૂન: 14 “તેમણે મારાં બધાં પાપ લક્ષમાં લીધાં અને તેમને એક સાથે બાંધ્યાં. પછી તેમણે તે મારી ગરદન પર લટકાવ્યાં અને તેના ભારથી હું નિર્બળ થઈ ગઈ. પ્રભુએ મને મારા શત્રુઓના હાથમાં સોંપી દીધી અને હું નિ:સહાય બની ગઈ. ס સામેખ: 15 “પ્રભુએ મારા સૌ શૂરવીરોને તુચ્છકાર્યા છે, મારા યુવાનોનો સંહાર કરવા તેમણે સૈન્ય મોકલ્યું. દ્રાક્ષાકુંડમાં દ્રાક્ષો ખૂંદાય તેમ તેમણે મારા લોકને કચડી નાખ્યા છે. ע આયિન: 16 “તેથી મારી આંખોમાંથી આંસુ વહે છે. કોઈ મને દિલાસો દેતું નથી; કોઈ મને હિંમત આપતું નથી. દુશ્મનોએ મને હરાવી છે; મારા લોક નિરાધાર થયા છે. ץ પે: 17 “હું મારા હાથ લાંબા કરું છું, પણ કોઈ મને મદદ કરતું નથી. પ્રભુએ ચારે બાજુથી મારી વિરુદ્ધ દુશ્મનો બોલાવ્યા છે. હું જાણે મેલાં ચીંથરાં જેવી હોઉં તેમ તેઓ મારી સાથે વર્તે છે. צ ત્સાદે: 18 “પ્રભુ ન્યાયી છે. કારણ, હું તેમને આધીન થઈ નથી. હે સર્વ લોકો, મારું સાંભળો. મારા દુ:ખમાં મને નિહાળો. મારાં યુવાન - યુવતીઓ બંદીવાસમાં લઈ જવાયાં છે. ק કોફ: 19 “મેં મારા આશકોને બોલાવ્યા, પણ તેમણે મને મદદ કરવાની ના પાડી દીધી. યજ્ઞકારો અને આગેવાનો જીવવા માટે ખોરાકની શોધમાં હતા ત્યારે શહેરના રસ્તા પર માર્યા ગયા. ר રેશ: 20 “હે પ્રભુ, મારા મનની પીડા અને આત્માનું દુ:ખ જુઓ; મારા પાપને લીધે શોકમાં મારું હૃદય ભાંગી પડયું છે. રસ્તાઓ પર ખૂન થાય છે અને ઘરમાં મરણ થાય છે. ש શીન: 21 “મારા નિસાસા સાંભળો; કોઈ મને દિલાસો દેતું નથી. તમે મારા પર આપત્તિ લાવ્યા છો સાંભળીને મારા દુશ્મન હર્ષ પામે છે. તમારા આપેલા વચન પ્રમાણે એ દિવસ લાવો કે જ્યારે મારી માફક તેમને પણ દુ:ખ પડે. ת તાવ: 22 “તેઓ તેમની સઘળી દુષ્ટતાને લીધે દોષિત ઠરો. મારા પાપને લીધે તમે મને શિક્ષા કરી, તેમ તેમને પણ કરો. હું દુ:ખમાં નિસાસા નાખું છું. મારું હૃદય નિર્ગત થયું છે |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide