Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યહોશુઆ 9 - પવિત્ર બાઇબલ C.L.


ગિબ્યોનના લોકોએ યહોશુઆ સાથે કરેલી છેતરપિંડી

1 હવે યર્દનની પશ્ર્વિમ તરફના, એટલે પહાડીપ્રદેશના, નીચાણના પ્રદેશના, અને ઉત્તરમાં છેક લબાનોન સુધી ભૂમધ્ય સમુદ્રના કિનારા પાસેના પ્રદેશના સર્વ રાજાઓએ ઇઝરાયલીઓના વિજયો વિષે સાંભળ્યું. એ તો હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના રાજાઓ હતા.

2 તે સૌએ એકત્ર થઈને યહોશુઆ અને ઇઝરાયલીઓ સામે યુદ્ધ કરવા પોતાનાં લશ્કરો સાબદાં કર્યાં:

3 પરંતુ યહોશુઆએ યરીખો અને આયના જે હાલહવાલ કર્યા હતા તે વિષે ગિબ્યોનના લોકોએ સાંભળ્યું હતું.

4 તેમણે તેને છેતરવાનો નિર્ણય કર્યો. તેઓ થોડો ખોરાક લઈ આવ્યા અને ર્જીણ થેલાઓ અને થીંગડાં દીધેલી દ્રાક્ષાસવની મશકોથી પોતાનાં ગધેડાં લાદયાં.

5 તેમણે ફાટેલાંતૂટેલાં વસ્ત્રો અને સંધાવીને પહેરેલાં ઘસાઈ ગયેલાં પગરખાં પહેર્યાં હતાં. તેમણે લીધેલી રોટલી સુકાઈ ગયેલી અને ફૂગાઈ ગયેલી હતી.

6 પછી તેમણે ગિલ્ગાલની છાવણીમાં જઈને યહોશુઆને તથા ઇઝરાયલી માણસોને કહ્યું, “અમે દૂર દેશથી આવ્યા છીએ. તમે અમારી સાથે સંધિકરાર કરો.”

7 પણ ઇઝરાયલી માણસોએ હિવ્વીઓને કહ્યું, “કદાચ તમે અમારી નજીકમાં જ વસતા હો તો અમારે તમારી સાથે સંધિકરાર કરવાની શી જરૂર છે?”

8 તેમણે યહોશુઆને કહ્યું, “અમે તમારા દાસ છીએ.” યહોશુઆએ તેમને પૂછયું, “તમે કોણ છો? કયાંથી આવ્યા છો?”

9 ત્યારે તેમણે તેને કહ્યું, “તમારા ઈશ્વર યાહવેની ખ્યાતિ સાંભળીને આ તમારા દાસ દૂર દેશથી આવ્યા છે. તેમણે ઇજિપ્તમાં કરેલાં મહાન કાર્યો વિષે અમે સાંભળ્યું છે.

10 વળી, યર્દનની પૂર્વગમના અમોરી રાજાઓ એટલે, હેશ્બોનના રાજા સિહોન અને આશ્તારોથમાં રહેનાર બાશાનના રાજા ઓગના તેમણે જે હાલ કર્યા તે પણ અમે સાંભળ્યું છે.

11 તેથી અમારા આગેવાનો અને અમારા દેશના સર્વ રહેવાસીઓએ અમને મુસાફરી માટે થોડો ખોરાક લઈને તમને મળવા જવાનું કહ્યું. અમે તમારા જ દાસ છીએ અને તેથી તમે અમારી સાથે સંધિકરાર કરો, એવું તમને કહેવા તેમણે અમને કહ્યું હતું.

12 આ અમારી રોટલી જુઓ. અમે એ લઈને તમને મળવાને ઘેરથી નીકળ્યા ત્યારે તો તે ગરમાગરમ હતી. પણ જુઓ, હવે તે સુકાઈ ગયેલી અને ફૂગાઈ ગયેલી છે.

13 અમે આ દ્રાક્ષાસવની મશકો ભરી લીધી ત્યારે તે તદ્દન નવી હતી, પણ અત્યારે તે ફાટીતૂટી છે. લાંબી મુસાફરીમાં અમારાં વસ્ત્રો અને પગરખાં પણ ફાટી ગયાં છે.”

14 ઇઝરાયલી માણસોએ તેમની પાસેના ખોરાકમાંથી થોડું લીધું, પણ તેમણે પ્રભુની સલાહ લીધી નહિ.

15 યહોશુઆએ ગિબ્યોનના લોકો સાથે મિત્રતાનો કરાર કર્યો અને તેમને જીવતા રહેવા દીધા. ઇઝરાયલી સમાજના આગેવાનોએ એ કરાર પાળવા સમય ખાધા.

16 કરાર થયા પછી ત્રણ દિવસ બાદ ઇઝરાયલીઓને ખબર પડી કે આ લોકો તો તેમની નજીકમાં રહેનારા છે.

17 તેથી ઇઝરાયલી લોકો ઉપડયા અને ત્રણ દિવસ પછી એ લોકોના વસવાટનાં નગરો એટલે ગિબ્યોન, કફીરા, બએરોથ, અને કિર્યાથ-યઆરીમમાં પહોંચ્યા.

18 પણ ઇઝરાયલીઓએ તેમને મારી નાખ્યા નહિ, કારણ, તેમના આગેવાનોએ ઇઝરાયલના ઈશ્વર પ્રભુને નામે સમ ખાઈને તેમને વચન આપ્યું હતું. સર્વ લોકોએ એ માટે ઇઝરાયલી સમાજના આગેવાનોની ટીકા કરી.

19 પણ તેમણે જવાબ આપ્યો, “અમે ઇઝરાયલના ઈશ્વર પ્રભુને નામે સમ ખાઈને તેમને વચન આપ્યું છે, તેથી અમે તેમને કંઈ કરી શક્તા નથી.

20 અમે ખાધેલા સમને લીધે આપણે તેમને જીવતા રહેવા દેવા પડશે; નહિ તો અમારા પર ઈશ્વરનો કોપ આવી પડશે.

21 તો હવે તેઓ ભલે જીવતા રહે, પણ શરત એ કે તેઓ આપણે માટે લાકડાં કાપનાર અને પાણી ભરનારા બને.” આગેવાનોએ એ સૂચન કર્યું.

22 યહોશુઆએ ગિબ્યોનના લોકોને પોતાની સમક્ષ લાવવા હુકમ કર્યો. તેણે તેમને પૂછયું, “તમે અહીં જ વસો છો તો પછી અમે દૂર દેશથી આવ્યા છીએ એવું કહીને તમે અમને શા માટે છેતર્યા?

23 એને લીધે તમે ઈશ્વરનો શાપ વહોરી લીધો છે. તમે લોકો સદાને માટે મારા ઈશ્વરના પવિત્રસ્થાન માટે લાકડાં કાપવા અને પાણી ભરવા વેઠ કરનારા બની રહેશો.”

24 તેમણે જવાબ આપ્યો, “અમે એટલા માટે એમ કર્યું કે તમારા ઈશ્વર પ્રભુએ પોતાના સેવક મોશેને તમને આ આખો દેશ આપવાની અને તમે આગળ વધો તેમ તેમ તેના રહેવાસીઓનો સંહાર કરવાની આજ્ઞા આપી હતી તેવી અમને ચોક્કસ ખબર મળી હતી.

25 તમારાથી ગભરાઈ જઈને અમે એ કર્યું છે; કારણ, અમને અમારા જીવ જવાનો ભય હતો.

26 પણ હવે અમે તમારા હાથમાં છીએ; તમને યોગ્ય લાગે તે કરો.” તેથી યહોશુઆએ તેમને રક્ષણ આપ્યું અને ઇઝરાયલીઓને તેમનો સંહાર કરવા દીધો નહિ.

27 પણ તેણે તેમને ઇઝરાયલી લોકો માટે અને પ્રભુની વેદી માટે લાકડાં કાપવા તથા પાણી ભરવા દાસ બનાવ્યા. આજ દિન સુધી પ્રભુ ભજનને માટે પસંદ કરે તે સ્થળમાં તેઓ એ કામ કરતા આવ્યા છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan