Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યહોશુઆ 8 - પવિત્ર બાઇબલ C.L.


આયનું પતન

1 પ્રભુએ યહોશુઆને કહ્યું, “તારી સાથે સર્વ સૈનિકોને લઈને આય પર ચડાઈ કર. તું ગભરાઈશ નહિ અથવા નાહિમ્મત થઈશ નહિ. હું તને આયના રાજા પર વિજય પમાડીશ, અને તેના લોકો, તેનું શહેર અને તેનો પ્રદેશ તારે સ્વાધીન કરી દઈશ.

2 તમે યરીખોના જેવા હાલહવાલ કર્યા તેવા જ તમે આય અને તેના રાજાના કરજો, પણ આ વખતે તમે તેમનો સરસામાન અને ઢોર લૂંટીને તમારે માટે રાખી લેજો. શહેર પર ઓચિંતો છાપો મારવા માટે શહેરની પાછળ માણસોને સંતાડી રાખજે.”

3 તેથી યહોશુઆ પોતાના સર્વ સૈનિકોને લઈને આય જવા તૈયાર થયો. યહોશુઆએ ત્રીસ હજાર શૂરવીર પુરુષોને ચૂંટી કાઢીને તેમને રાત્રે મોકલ્યા.

4 તેણે તેમને આવો આદેશ આપ્યો, “નગરની પેલી તરફ પાછળ સંતાઈ રહો, પણ નગરથી બહુ દૂર જતા નહિ; વળી છાપો મારવાને તૈયાર રહેજો.

5 હું અને મારી સાથેના સૈનિકો નગર પાસે આવીશું. જ્યારે આયના લોકો અમારા પર બહાર નીકળીને ધસી આવે, ત્યારે અગાઉની જેમ અમે તેમનાથી પાછા ફરીને નાસીશું.

6 પછી તેઓ અમારો પીછો કરશે, અને અમે તેમને શહેરથી ઘણે દૂર ખેંચી જઈશું. તેઓ એમ માની લેશે કે આપણે પહેલાંની જેમ નાસીએ છીએ.

7 પછી તમે તમારી સંતાવાની જગ્યાએથી આવીને શહેરને કબજે કરી લેજો. કારણ, તમારા ઈશ્વર પ્રભુ તમને તે સોંપી દેશે,

8 શહેર જીતી લીધા પછી પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે તમે તેને આગ લગાડજો. તો તમારે માટે મારો આટલો આદેશ છે.”

9 આમ, યહોશુઆએ તેમને રવાના કર્યા, અને તેઓ આયની પશ્ર્વિમે, આય અને બેથેલની વચ્ચે તેમની સંતાવાની જગ્યાએ પહોંચી ગયા અને ત્યાં રોકાયા. યહોશુઆએ છાવણીમાં જ રાત ગાળી.

10 વહેલી સવારે યહોશુઆ ઊઠયો અને તેણે બધા સૈનિકોને એકત્ર કરી તેમની હાજરી પૂરી. પછી તે તથા ઇઝરાયલના આગેવાનો તેમની સરદારી હેઠળ તે સૈનિકોને લઈને આય ગયા.

11 યહોશુઆની સાથેના સૈનિકો શહેરના મુખ્ય પ્રવેશદ્વાર તરફ ગયા અને ઉત્તર બાજુએ પડાવ નાખ્યો; તેમની અને આયની વચમાં ખીણ હતી.

12 તેણે આશરે પાંચ હજાર માણસો લઈને તેમને શહેરની પશ્ર્વિમે, બેથેલ અને આયની વચમાં સંતાડી રાખ્યા.

13 આમ, સૈનિકોને આવી રીતે ગોઠવ્યા: લોકોની મુખ્ય છાવણી ઉત્તરમાં રાખી અને બાકીના લોકોને પશ્ર્વિમ તરફ સંતાડી રાખ્યા. યહોશુઆએ તો ખીણમાં રાત ગાળી.

14 જ્યારે આયના રાજાએ યહોશુઆના માણસોને જોયા ત્યારે તે તથા તેના સર્વ માણસો અરાબાની દિશામાં આવેલ ખીણપ્રદેશના અગાઉના સ્થળે ઇઝરાયલીઓ સામે લડવાને ઉતાવળે બહાર નીકળી આવ્યા; પણ તેને ખબર નહોતી કે નગરની પાછળ તેના પર છાપો મારવાને માણસો સંતાઈ રહેલ છે.

15 યહોશુઆ અને તેના માણસો પીછેહઠ કરવાનો ઢોંગ કરીને વેરાનપ્રદેશ તરફ નાસવા લાગ્યા.

16 તેમની પાછળ પડવા માટે શહેરના સર્વ લોકોને એકત્ર કરવામાં આવ્યા હતા, અને તેઓએ યહોશુઆનો પીછો કર્યો ત્યારે તેઓ તેમને શહેરથી દૂરને દૂર ખેંચી ગયા.

17 આય અને બેથેલના બધા જ માણસો ઇઝરાયલીઓની પાછળ પડયા અને તેઓ નગરને ખુલ્લું મૂકીને ગયા, અને કોઈ તેનું રક્ષણ કરનાર નહોતું.

18 પછી પ્રભુએ યહોશુઆને કહ્યું, “તારો ભાલો આય તરફ લાંબો કર; હું તેને તારા હાથમાં સોંપી દઉં છું.” યહોશુઆએ એ પ્રમાણે કર્યું.

19 તેણે જેવો પોતાનો હાથ ઊંચો કર્યો કે સંતાઈ રહેલા માણસોએ તાત્કાલિક ઊઠીને નગરમાં દોડીને પેસી ગયા અને તેને કબજે કરી લીધું. પછી તરત જ તેમણે શહેરને આગ લગાડી.

20 આયના માણસોએ પાછા વળીને જોયું તો શહેરમાંથી ગગનમાં ધૂમાડો ચડતો જોયો. હવે તેમને માટે નાસી છૂટવાનો કોઈ માર્ગ નહોતો, કારણ, વેરાનપ્રદેશ તરફ નાસી ગયેલા ઇઝરાયલીઓએ હવે પાછા ફરીને તેમના પર હુમલો કર્યો.

21 અન્ય ઇઝરાયલીઓએ શહેરને કબજે કરીને તેને આગ લગાડી છે એ જોતાં યહોશુઆ અને તેના માણસોએ પાછા ફરીને આયના લોકોની ક્તલ ચલાવી.

22 શહેરમાં ગયેલા ઇઝરાયલીઓ પણ ત્યાંથી ધસી આવ્યા. આમ, આયના લોકો ઇઝરાયેલીઓની વચમાં સપડાઈ ગયા. અને તેઓ બધા માર્યા ગયા; એમાંનો એક પણ છટકી જવા પામ્યો નહિ કે એક પણ જીવતો રહ્યો નહિ.

23 માત્ર તેઓ આયના રાજાને જીવતો પકડીને યહોશુઆ પાસે લાવ્યા.

24 ઇઝરાયલીઓએ વેરાનપ્રદેશના રણક્ષેત્રમાં તેમનો પીછો કરવા આવેલા આયના પ્રત્યેક રહેવાસીનો સંહાર કર્યો. પછી તેઓ ત્યાંથી પાછા ફરીને આય ગયા અને

25 ત્યાં બધાંનો તલવારથી નાશ કર્યો. તે દિવસે આયના બધા જ લોકો, એટલે બાર હજાર સ્ત્રીપુરુષો માર્યા ગયા.

26 આયના એકેએક જણનો સંહાર થતાં સુધી યહોશુઆએ પોતાનો ભાલો આય તરફ તાકેલો રાખ્યો અને પાછો ખેંચી લીધો નહિ.

27 પ્રભુએ યહોશુઆને કહ્યું હતું તેમ શહેરમાંથી લૂંટી લીધેલાં ઢોર અને સરસામાન ઇઝરાયલીઓએ પોતાને માટે રાખી લીધાં.

28 યહોશુઆએ આયને બાળીને તેને ખંડિયેર બનાવી દીધું. આજ દિન સુધી તે તેવું જ છે.

29 તેણે આયના રાજાને સાંજ સુધી વૃક્ષ પર લટકાવી રાખ્યો. સૂર્યાસ્ત સમયે યહોશુઆએ તેના મૃતદેહને ઉતારી દેવા હુકમ કર્યો, અને એ મૃતદેહ શહેરના પ્રવેશદ્વાર આગળ નાખી દીધો. તેની ઉપર તેમણે પથ્થરોનો મોટો ઢગલો કર્યો; જે આજ સુધી ત્યાં છે.


એબાલ પર્વત પાસે નિયમનું વાચન

30 પછી યહોશુઆએ ઇઝરાયલના ઈશ્વર પ્રભુના ભજન માટે એબાલ પર્વત પર એક વેદી બાંધી.

31 તેણે તે વેદી પ્રભુના સેવક મોશેએ ઇઝરાયલીઓને આપેલી સૂચનાઓ પ્રમાણે એટલે, “લોઢાનાં હથિયારનો પ્રહાર કરી ઘડેલા ન હોય તેવા પથ્થરોમાંથી વેદી બનાવવી,” એવું જે મોશેના નિયમશાસ્ત્રમાં લખેલું તે પ્રમાણે બનાવી. તેના પર તેમણે પ્રભુને દહનબલિ અને સંગતબલિ ચડાવ્યા.

32 યહોશુઆએ ત્યાં ઇઝરાયલીઓના દેખતાં મોશેના નિયમશાસ્ત્રની નકલ પથ્થરો પર ઉતારી લીધી.

33 સર્વ ઇઝરાયલીઓ, તથા તેમના આગેવાનો, અધિકારીઓ અને ન્યાયાધીશો તેમજ તેમની વચમાં વસતા પરદેશીઓ પ્રભુની કરારપેટીની બન્‍ને બાજુએ, કરારપેટી ઊંચકનારા લેવીવંશી યજ્ઞકારો સામે મોં રાખીને ઊભા રહ્યા; એમાંથી અર્ધા લોકોની પીઠ ગરીઝીમ પર્વત તરફ અને અર્ધા લોકોની પીઠ એબાલ પર્વત તરફ હતી; પ્રભુના સેવક મોશેએ ઇઝરાયલી લોકોને આશિષ મેળવતી વખતે ઠરાવેલ ક્રમ પ્રમાણે તેઓ ઊભા રહ્યા.

34 યહોશુઆએ તેમની સમક્ષ આખું નિયમશાસ્ત્ર મોટેથી વાંચ્યું; નિયમશાસ્ત્રમાં લખેલાં આશિષ અને શાપ પણ તેણે વાંચી સંભળાવ્યાં.

35 સ્ત્રીઓ અને બાળકો સહિત તેમજ ઇઝરાયલીઓની વચમાં રહેતા પરદેશીઓ સહિત એકત્ર થયેલી આખી સભા સમક્ષ યહોશુઆએ મોશેની બધી જ આજ્ઞાઓ વાંચી સંભળાવી.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan