Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યહોશુઆ 7 - પવિત્ર બાઇબલ C.L.


આખાનનું પાપ

1 પણ મના કરેલી અર્પિત વસ્તુઓ નહિ લેવાની બાબતમાં ઇઝરાયલીઓ વિશ્વાસુ નીવડયા નહિ. યહૂદાના કુળમાંથી ઝેરાના પુત્ર ઝાબ્દીના પુત્ર કાર્મીના પુત્ર આખાને મના કરેલી અર્પિત વસ્તુઓમાંથી કંઈક લઈ લીધું, અને ઇઝરાયલીઓ પર પ્રભુનો કોપ સળગી ઊઠયો.

2 હવે યહોશુઆએ કેટલાક માણસોને યરીખોથી બેથેલની પૂર્વ તરફ બેથ-આવેન નજીક આવેલ આય નગરમાં આમ કહીને મોકલ્યા, “જાઓ, જઈને એ પ્રદેશની બાતમી કાઢી લાવો.” તે માણસો આય જઈને બાતમી કાઢી લાવ્યા.

3 તેમણે પાછા આવીને યહોશુઆને જણાવ્યું, “આય પર આક્રમણ કરવા બધા લોકોએ જવાની જરૂર નથી. માત્ર બે-ત્રણ હજાર પુરુષો જાય અને આયને જીતી લે. ત્યાં આખા સૈન્યને જવાની તકલીફ આપશો નહિ; ત્યાં ખાસ ઝાઝી વસતી નથી.”

4 તેથી આય પર હુમલો કરવા આશરે ત્રણેક હજાર પુરુષો ગયા; પરંતુ આયના માણસો આગળ તેમણે પીછેહઠ કરવી પડી.

5 આયના માણસોએ નગરના દરવાજાથી છેક પથ્થરની ખાણો સુધી તેમનો પીછો કર્યો અને પર્વતના ઢોળાવના રસ્તે છત્રીસ માણસોનો સંહાર કર્યો. તેથી ઇઝરાયલીઓ હતાશ અને ભયભીત થઈ ગયા.

6 પછી યહોશુઆએ પોતાનાં વસ્ત્ર ફાડયાં અને સંયાના સમય સુધી પ્રભુની કરારપેટી આગળ ભૂમિ પર ઊંધો પડયો રહ્યો; ઇઝરાયલના આગેવાનોએ પણ તેમ જ કર્યું, અને પોતાના શોક પ્રદર્શિત કરવા પોતાના માથા પર ધૂળ નાખી.

7 યહોશુઆએ કહ્યું, “અરેરે પ્રભુ પરમેશ્વર, તમે અમને યર્દનની આ તરફ લાવ્યા જ કેમ? અમને અમોરીઓના હાથમાં સોંપી દેવા? અમારો નાશ કરવા? એના કરતાં અમે યર્દનની પેલી પાર સંતુષ્ઠ થઈ રહ્યા હોત તો કેવું સારું થાત!

8 હે પ્રભુ, ઇઝરાયલીઓએ પોતાના શત્રુઓની આગળ પીછેહઠ કરી છે; અને તેથી હું શું બોલું?

9 કનાનીઓ અને દેશના સર્વ રહેવાસીઓ આ વિષે સાંભળશે એટલે તેઓ અમને ઘેરી લઈને અમારું નામનિશાન ભૂંસી નાખશે, ત્યારે તમારા મહાન નામનું ગૌરવ જાળવવા તમે શું કરશો?”

10 પ્રભુએ યહોશુઆને કહ્યું, “ઊભો થા! આમ જમીન પર ઊંધો કેમ પડયો છે?

11 ઇઝરાયલે પાપ કર્યું છે! મારી સાથે કરેલો જે કરાર મેં તેમને પાળવા ફરમાવ્યો હતો તેનો તેમણે ભંગ કર્યો છે. મના કરેલ અર્પિત વસ્તુમાંથી તેમણે કંઈક લઈ લીધું છે. તેમણે તે ચોરી લીધું છે અને જુઠ્ઠું બોલ્યા છે અને તેને પોતાના સરસામાનમાં સંતાડયું છે.

12 એને લીધે તો ઇઝરાયલીઓ પોતાના શત્રુઓ સામે ટકી શક્તા નથી. તેઓ તેમનાથી પીછેહઠ કરે છે; કારણ, તેઓ પોતે નાશપાત્ર બની ગયા છે. મના કરેલ અર્પિત વસ્તુનો તમે તમારામાંથી નાશ નહિ કરો, ત્યાં સુધી હવે હું તમારી વચ્ચે રહેવાનો નથી.

13 તેથી ઊઠ, જઈને લોકોને શુદ્ધ કર. તેમને કહે કે તેઓ શુદ્ધ થઈને આવતી કાલે મારી સમક્ષ હાજર થવા તૈયાર થાય. કારણ, હું પ્રભુ, ઇઝરાયલનો ઈશ્વર, આમ કહું છું: ‘હે ઇઝરાયલ, તમારી મધ્યે મના કરેલી અર્પિત વસ્તુ છે; તમે તમારામાંથી એ વસ્તુ દૂર નહિ કરો ત્યાં સુધી તમે તમારા શત્રુઓ આગળ ટકવાના નથી!

14 તેથી તેમને કહે કે, સવારમાં તમને કુળ પ્રમાણે પ્રભુ આગળ રજુ કરવામાં આવશે. પછી પ્રભુ જે કુળને પકડે તે કુળ ગોત્રવાર આગળ આવે; અને જે ગોત્રને પ્રભુ પકડે તે ગોત્ર કુટુંબવાર આગળ આવે; અને જે કુટુંબને પ્રભુ પકડે તે કુટુંબ પુરુષવાર આગળ આવે.

15 પછી જેની પાસેથી મના કરેલી અર્પિત વસ્તુ મળી આવે તેને અને તેના સર્વસ્વને અગ્નિમાં બાળી નાખવામાં આવે; કારણ, એવા માણસે પ્રભુનો કરાર તોડીને ઇઝરાયલને ભારે કલંક લગાડયું છે.”

16 બીજે દિવસે સવારે યહોશુઆએ ઇઝરાયલને કુળવાર રજૂ કર્યાં, તો યહૂદાનું કુળ પકડાયું.

17 તેણે યહૂદાના કુળને ગોત્રવાર રજૂ કર્યું, તો ઝેરાનું ગોત્ર પકડાયું. પછી તેણે ઝેરાના ગોત્રને કુટુંબવાર રજૂ કર્યું તો ઝાબ્દીનું કુટુંબ પકડાયું.

18 પછી ઝાબ્દીના કુટુંબને પુરુષવાર રજૂ કર્યું તો ઝાબ્દીના પુત્ર કાર્મીનો પુત્ર આખાન પકડાયો.

19 યહોશુઆએ તેને કહ્યું, “મારા પુત્ર, ઇઝરાયલના ઈશ્વર પ્રભુને મહિમા આપ અને તેમની આગળ કબૂલાત કર; અને તેં શું કર્યું છે તે હવે મને કહે; મારાથી કંઈ છુપાવીશ નહિ.”

20 આખાને યહોશુઆને ઉત્તર આપ્યો, “ખરેખર, મેં ઇઝરાયલના ઈશ્વર પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે. મેં આવું કામ કર્યું છે:

21 આપણે લૂંટેલી વસ્તુઓમાં મેં એક બેબિલોની જામો, લગભગ અઢી કિલોગ્રામ રૂપું અને આશરે અર્ધા કિલોગ્રામથી વધારે વજનની સોનાની લગડી જોયાં. એ જોઈને મને તેમનો લોભ લાગ્યો એટલે મેં તે લઈ લીધાં. મેં તેમને મારા તંબુમાં દાટી દીધાં છે, અને તેમાં રૂપું સૌથી નીચે મૂકેલું છે.”

22 તેથી યહોશુઆએ કેટલાક માણસો મોકલ્યા. તેમણે તંબુએ દોડી જઈને જોયું તો મના કરેલી અર્પિત વસ્તુઓ ત્યાં સંતાડેલી હતી; અને રૂપું સૌથી નીચે મૂકેલું હતું.

23 તેઓ તે વસ્તુઓ તંબુમાંથી કાઢીને યહોશુઆ તથા ઇઝરાયલીઓ પાસે લઈ આવ્યા, અને ત્યાં પ્રભુની સમક્ષ મૂકી.

24 પછી યહોશુઆ અને તેની સાથેના સર્વ ઇઝરાયલીઓ ઝેરાના વંશજ આખાનને, રૂપું, જામો, સોનાની લગડી, તેના દીકરા-દીકરીઓ, તેના આખલા, તેનાં ગધેડાં, તેનાં ઘેટાં, તેનો તંબુ અને તેના સર્વસ્વને લઈને આખોરની ખીણમાં ગયા.

25 યહોશુઆએ તેને પૂછયું, “તું શા માટે અમારા પર આવી આફત લાવ્યો? હવે પ્રભુ તારા પર આફત લાવશે!” સર્વ લોકોએ આખાનને પથ્થરે માર્યો; તેમણે તેના કુટુંબીજનોને પણ પથ્થરે માર્યાં અને તેમને તથા તેમની માલમિલક્તને આગમાં બાળી નાખ્યાં.

26 તેમણે તેના પર પથ્થરોનો મોટો ઢગલો કર્યો, જે આજે પણ ત્યાં છે. એ પછી પ્રભુનો કોપ શમ્યો. એટલા જ માટે આજે પણ તે આખોર (આફત)ની ખીણ તરીકે ઓળખાય છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan