Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યહોશુઆ 6 - પવિત્ર બાઇબલ C.L.


યરીખોનું પતન

1 ઇઝરાયલીઓને શહેરમાં ધૂસી જતા અટકાવવા માટે યરીખોના દરવાજા બરાબર બંધ કરીને તેમને સુરક્ષિત કરી દેવામાં આવ્યા. તેથી ન તો કોઈ શહેરની બહાર જઈ શકતું કે ન તો કોઈ અંદર પ્રવેશી શકતું.

2 પ્રભુએ યહોશુઆને કહ્યું, “હું યરીખોને, તેના રાજાને અને તેના સર્વ શૂરવીર સૈનિકોને તારા હાથમાં સોંપી દઉં છું.

3 તારે અને તારા સર્વ સૈનિકોએ છ દિવસ સુધી દરરોજ કૂચ કરતાં કરતાં શહેરની એકવાર પ્રદક્ષિણા કરવી.

4 સાત યજ્ઞકારો પોતાની સાથે રણશિંગડાં લઈને કરારપેટીની આગળ ચાલે. સાતમે દિવસે યજ્ઞકારો રણશિંગડાં વગાડતા હોય ત્યારે તારે અને તારા સૈનિકોએ કૂચ કરતાં કરતાં શહેરની સાતવાર પ્રદક્ષિણા કરવી.

5 પછી યજ્ઞકારો લાંબે સાદે રણશિંગડાં વગાડે એટલે તે સાંભળતાંની સાથે જ સર્વ લોકોએ યુદ્ધનો મોટો પોકાર પાડવો, એટલે શહેરનો કોટ તૂટી પડશે. પછી સૈન્યના બધા માણસોએ પોતે જ્યાં હોય ત્યાંથી સીધેસીધા શહેરમાં ધૂસી જવું.”

6 નૂનના પુત્ર યહોશુઆએ યજ્ઞકારોને બોલાવીને કહ્યું, “પ્રભુની કરારપેટી ઉપાડો, અને તમારામાંથી સાત જણ હાથમાં રણશિંગડાં લઈ તેની આગળ જાઓ.”

7 તેણે લોકોને કહ્યું, “હવે કૂચ શરૂ કરો અને શહેરની પ્રદક્ષિણા કરો. શસ્ત્રસજ્જિત રક્ષકદળ પ્રભુની કરારપેટીની આગળ ચાલે.”

8-9 આમ, યહોશુઆએ આપેલા હુકમ પ્રમાણે શસ્ત્રસજ્જિત અગ્ર રક્ષકદળ ઘેટાંનાં શિંગનાં રણશિંગડાં વગાડનાર યજ્ઞકારોની આગળ ચાલ્યું. એમની પાછળ કરારપેટી ઊંચકનારા યજ્ઞકારો ગયા. એમની પાછળ અનુગામી રક્ષકદળ હતું. એ બધો સમય રણશિંગડાં વાગતાં હતાં.

10 પણ યહોશુઆએ લોકોને આજ્ઞા આપી હતી: “હું હુકમ ન આપું ત્યાં સુધી તમારે યુદ્ધનો પોકાર પાડવાનો નથી કે કંઈ અવાજ કરવાનો નથી; અરે, એક શબ્દ પણ ઉચ્ચારવાનો નથી. હું કહું ત્યારે જ તમારે યુદ્ધનો પોકાર પાડવાનો છે.”

11 આમ, તેણે પ્રભુની કરારપેટીને શહેરની ચારે બાજુ એકવાર ફેરવી. પછી તેમણે છાવણીમાં પાછા આવીને ત્યાં રાત ગાળી.

12 યહોશુઆ બીજે દિવસે વહેલો ઊઠયો, અને યજ્ઞકારોએ પ્રભુની કરારપેટી ઊંચકી લીધી.

13 તેમણે આગલા દિવસની જેમજ કૂચ કરી: સૌ પ્રથમ અગ્ર રક્ષકદળ, પછી સાત રણશિંગડાં વગાડનાર સાત યજ્ઞકારો, તે પછી પ્રભુની કરારપેટી ઊંચકનારા યજ્ઞકારો અને છેલ્લે, અનુગામી રક્ષકદળ. એ બધો સમય રણશિંગડાં વાગ્યા કરતાં હતાં.

14 આ બીજે દિવસે પણ તેમણે શહેરની ચારેબાજુ ફરીવાર કૂચ કરી અને પછી છાવણીમાં પાછા ફર્યા. તેમણે છ દિવસ એમ કર્યું.

15 સાતમે દિવસે તેમણે સવારે ઊઠીને એ જ પ્રમાણે શહેરની ચારેબાજુ સાતવાર કૂચ કરી. માત્ર આ જ દિવસે તેમણે કૂચ કરતાં કરતાં શહેરની સાતવાર પ્રદક્ષિણા કરી.

16 સાતમીવાર કૂચ કરતી વખતે યજ્ઞકારો રણશિંગડાં વગાડવાના હતા ત્યારે યહોશુઆએ લોકોને હુકમ આપતાં કહ્યું, “યુદ્ધનો પોકાર પાડો, કારણ, પ્રભુએ આ શહેર તમારા હાથમાં સોંપ્યું છે!

17 પ્રભુને સમર્પણ તરીકે શહેરનો અને તેની અંદરના સર્વસ્વનો નાશ કરવાનો છે. માત્ર રાહાબ વેશ્યાએ આપણા જાસૂસોને સંતાડયા હતા તેથી તેને તથા તેના કુટુંબને બચાવી લેવાનાં છે.

18 પણ નાશનિર્મિત વસ્તુઓમાંથી તમારે કંઈ લેવાનું નથી; નહિ તો ઇઝરાયલની છાવણી પર સંકટ અને વિનાશ લાવશો.

19 રૂપું, સોનું, તાંબુ કે લોખંડની બનેલી સર્વ વસ્તુઓ પ્રભુને માટે અલગ કરેલી છે અને તે પ્રભુના ભંડારમાં મૂકવાની છે.”

20 તેથી યજ્ઞકારોએ રણશિંગડાં વગાડયાં અને એ સાંભળતાંની સાથે જ લોકોએ યુદ્ધનો મોટો પોકાર પાડયો એટલે શહેરનો કોટ તૂટી પડયો. પછી ભારે ધસારા સાથે આખું સૈન્ય શહેરમાં સીધેસીધું ધૂસી ગયું અને તેને જીતી લીધું.

21 તેમણે શહેરનાં સ્ત્રીપુરુષો, આબાલવૃદ્ધ સૌનો તલવારની ધારે નાશ કર્યો અને ઢોર, ઘેટાં અને ગધેડાં પણ કાપી નાખ્યાં.

22 જે બે માણસોએ દેશની જાસૂસી કરી હતી તેમને યહોશુઆએ કહ્યું, “તમે પેલી વેશ્યાને આપેલા વચન પ્રમાણે તેના ઘેર જઈને તેને અને તેના આખા કુટુંબને ત્યાંથી બહાર કાઢી લાવો.”

23 તેથી તે જુવાન જાસૂસો ત્યાં જઈને રાહાબને, તેના પિતાને, તેની માને, તેના ભાઈઓને અને કુટુંબના બાકીનાં બધાંને બહાર લઈ આવ્યા. પછી તેમણે તેમને ઇઝરાયલી છાવણીમાં લઈ જઈને રાખ્યાં.

24 પછી તેમણે શહેરને આગ લગાડીને તેના સર્વસ્વને બાળીને ભસ્મ કરી દીધું. માત્ર રૂપું અને સોનું તથા તાંબાનાં અને લોખંડનાં પાત્રો લાવીને પ્રભુના ઘરના ભંડારમાં મૂક્યાં.

25 પણ યહોશુઆએ રાહાબ વેશ્યા અને તેનાં સર્વ કુટુંબીજનોને મારી નાખ્યાં નહિ; કારણ, યહોશુઆએ મોકલેલા બે જાસૂસોને તેણે સંતાડયા હતા. (રાહાબના વંશજો આજ સુધી ઇઝરાયલમાં વસતા આવ્યા છે.)

26 આ સમયે યહોશુઆએ પ્રભુની સમક્ષ લોકો પાસે આવી શાપવાણી ઉચ્ચારાવી: “જે કોઈ યરીખો નગર ફરીથી બાંધવાનો પ્રયાસ કરે, તેના પર પ્રભુ સમક્ષ શાપ ઊતરો. જે કોઈ તેનો પાયો નાખે, તે તેનો સૌથી મોટો પુત્ર ગુમાવે; જે કોઈ તેના દરવાજા બાંધે, તે તેનો સૌથી નાનો પુત્ર ગુમાવે.”

27 આમ, પ્રભુ યહોશુઆની સાથે હતા, અને આખા દેશમાં તેની કીર્તિ ફેલાઈ ગઈ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan