યહોશુઆ 5 - પવિત્ર બાઇબલ C.L.1 હવે યર્દનની પશ્ર્વિમ તરફના પ્રદેશના અમોરીઓના રાજાઓ તેમજ ભૂમધ્ય સમુદ્રની પાસેના પ્રદેશના સર્વ કનાની રાજાઓના સાંભળવામાં આવ્યું કે ઇઝરાયલી લોકો યર્દન પાર ઊતરી રહ્યા ત્યાં સુધી પ્રભુએ તેમની આગળ તે નદીનું પાણી સૂકવી નાખ્યું. તેથી ઇઝરાયલી લોકોને લીધે તેમનાં હૃદય ભયભીત થઈ ગયાં અને તેમના હોશકોશ ઊડી ગયા. ગિલ્ગાલમાં સુન્નત 2 પછી પ્રભુએ યહોશુઆને કહ્યું, “ચકમકની છરીઓ બનાવ અને બીજી વાર ઇઝરાયલી પુરુષોની સુન્નત કર.” 3 તેથી યહોશુઆએ ચકમકના પથ્થરોની છરીઓ બનાવીને ‘ગિબ્યાથ હારાલોથ’ એટલે ‘સુન્નત-ટેકરી’ પર ઇઝરાયલી પુરુષોની સુન્નત કરી. 4 હવે યહોશુઆએ તેમની સુન્નત કરી તેનું કારણ આવું હતું: લડાઈમાં જવાની ઉંમરના જે સર્વ પુરુષો ઇજિપ્તમાંથી નીકળ્યા હતા તેઓ સૌ ઇજિપ્તમાંથી નીકળ્યા પછી મુસાફરી દરમ્યાન રણપ્રદેશમાં મરી પરવાર્યા હતા. 5 ઇજિપ્તમાંથી નીકળેલા એ બધા પુરુષોની તો સુન્નત થયેલી હતી, પણ ઇજિપ્તમાંથી નીકળ્યા પછી રણપ્રદેશમાં જન્મેલા છોકરાઓની સુન્નત થઈ નહોતી. 6 કારણ, આખી પ્રજા, એટલે ઇજિપ્તમાંથી નીકળી આવેલા સર્વ લડવૈયા પુરુષો મરી ગયા ત્યાં સુધી ઇઝરાયલી લોકો ચાલીસ વરસ સુધી રણપ્રદેશમાં ફરતા રહ્યા; કારણ, એ લોકોએ પ્રભુનું કહેવું માન્યું નહિ. તેથી પ્રભુએ તેમના પૂર્વજો આગળ દૂધમધની રેલમછેલવાળો જે દેશ આપવાની પ્રતિજ્ઞા કરી હતી તે દેશ તેમને નહિ જોવા દેવા પ્રભુએ સમ ખાધા હતા. 7 એ માણસોના પુત્રોની તો સુન્નત થઈ નહોતી અને એ નવી પેઢીની યહોશુઆએ સુન્નત કરી. મુસાફરી દરમ્યાન તેમની સુન્નત થઈ ન હોવાથી તેઓ સુન્નતરહિત હતા. 8 સર્વ પુરુષોની સુન્નત પૂરી થયા પછી તેમને ઘા રુઝાયો ત્યાં સુધી તેઓ છાવણીમાં પોતપોતાની જગ્યાએ રહ્યા. 9 પ્રભુએ યહોશુઆને કહ્યું, “આજે મેં તમારી ઇજિપ્તની ગુલામીનું કલંક દૂર કર્યું છે.” આથી તે જગ્યાનું નામ ગિલ્ગાલ ચગબડવુૃં પાડવામાં આવ્યું; આજે પણ તે એ જ નામે ઓળખાય છે. 10 યરીખો પાસેના મેદાનમાં ગિલ્ગાલ ખાતે ઇઝરાયલીઓ છાવણી નાખી પડયા હતા ત્યારે તે માસને ચૌદમે દિવસે તેમણે પાસ્ખાપર્વ પાળ્યું. 11 પર્વને બીજે દિવસે તેમણે કનાન દેશની પેદાશમાંથી ખમીરરહિત રોટલી તથા શેકેલું અનાજ ખાધું. 12 દેશની પેદાશમાંથી ખાધા પછી બીજે દિવસે માન્ના પડતું બંધ થયું; ત્યાર પછી ઇઝરાયલીઓને માન્ના મળ્યું નહિ; અને એ વર્ષથી માંડીને ઇઝરાયલીઓએ દેશની પેદાશમાંથી ખાધું. દિવ્ય પુરુષ સાથે યહોશુઆની મુલાકાત 13 યહોશુઆ યરીખો પાસે ઊભો હતો ત્યારે તેણે સામે નજર કરી તો પોતાની સામે એક પુરુષ ઊભો રહેલો હતો, અને તેના હાથમાં ઉઘાડી તલવાર હતી. યહોશુઆએ તેની પાસે જઈને તેને પૂછયું, “તું અમારા પક્ષનો છે કે અમારા શત્રુઓના પક્ષનો?” 14 તેણે જવાબ આપ્યો, “હું કોઈના પક્ષનો નથી. હું તો અહીં પ્રભુના સૈન્યના સેનાપતિ તરીકે આવેલો છું.” યહોશુઆએ ભૂમિ સુધી પોતાનું મુખ નમાવીને ભજન કરતાં કહ્યું, “મારા માલિક, હું તો તમારો દાસ છું. આપની શી આજ્ઞા છે?” 15 પ્રભુના સૈન્યના સેનાપતિએ યહોશુઆને કહ્યું, “તારાં પગરખાં ઉતારી નાખ; કારણ, તું જ્યાં ઊભો છે તે જગ્યા પવિત્ર છે.” અને યહોશુઆએ તેમ કર્યું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide