Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યહોશુઆ 4 - પવિત્ર બાઇબલ C.L.


બાર સ્મારકો

1 આખી પ્રજા યર્દન પાર ઊતરી ગઈ એટલે પ્રભુએ યહોશુઆને કહ્યું,

2 “પ્રત્યેક કુળમાંથી એક એમ બાર માણસો પસંદ કર,

3 અને યર્દનની વચમાં જ્યાં યજ્ઞકારો ઊભા રહ્યા હતા ત્યાંથી તેમને બાર પથ્થર લેવા આજ્ઞા કર. તમે આજે રાત્રે જ્યાં છાવણી નાખો ત્યાં તેમને એ પથ્થરો ઊભા કરવા જણાવ.”

4 પછી યહોશુઆએ પ્રત્યેક કુળમાંથી એક લેખે ઇઝરાયલીઓમાંથી પસંદ કરેલા બાર માણસોને બોલાવ્યા,

5 અને તેમને કહ્યું, “તમારા ઈશ્વર પ્રભુની કરારપેટી પાસે યર્દનમાં જાઓ. ઇઝરાયલનાં બાર કુળના પ્રત્યેક કુળ માટે એક પથ્થર એમ તમે પ્રત્યેક તમારા ખભા પર એકએક પથ્થર ઊંચકી લાવો.

6 એ પથ્થરો પ્રભુના આ અદ્‍ભુત કાર્યની લોકોને યાદ આપશે. ભવિષ્યમાં તમારાં છોકરાં તમને પૂછે કે આ પથ્થરોનો શો અર્થ છે,

7 ત્યારે તમે તેમને કહેજો કે પ્રભુની કરારપેટીએ યર્દન નદી પાર કરી ત્યારે નદીનું વહેણ કપાઈ ગયું. આમ, એ પથ્થરો અહીં બનેલા આ બનાવની ઇઝરાયલી લોકોને સદા યાદ આપશે.”

8 ઇઝરાયલીઓના એ માણસોએ યહોશુઆના કહ્યા પ્રમાણે કર્યું. પ્રભુએ યહોશુઆને આપેલી આજ્ઞા પ્રમાણે તેમણે પ્રત્યેક કુળ માટે એક એમ બાર પથ્થરો યર્દનની વચમાંથી ઉપાડી લીધા અને તેમને છાવણીમાં લઈ જઈને ઊભા કર્યા.

9 યજ્ઞકારો કરારપેટી ઊંચકીને જ્યાં યર્દનની વચમાં ઊભા રહ્યા હતા ત્યાં પણ યહોશુઆએ બાર પથ્થર ઊભા કર્યા. આજે પણ એ પથ્થરો ત્યાં છે.

10 પ્રભુએ યહોશુઆને આપેલી આજ્ઞા પ્રમાણે લોકોએ જે જે કરવાનું હતું તે બધું પાર પડયું ત્યાં સુધી યજ્ઞકારો યર્દનની વચમાં ઊભા રહ્યા. અગાઉ પણ મોશેએ યહોશુઆને એ જ આજ્ઞા આપી હતી.

11 લોકોએ ઉતાવળે ઉતાવળે નદી પાર કરી. તેઓ બધા સામે કિનારે પહોંચી ગયા એટલે પ્રભુની કરારપેટી ઊંચકનારા યજ્ઞકારો લોકોની સમક્ષ નદી પાર ઊતર્યા.

12 મોશેના ફરમાન પ્રમાણે રૂબેન અને ગાદનાં કુળો અને મનાશ્શાના અર્ધા કુળના લડવૈયા પુરુષો પણ શસ્ત્રસજ્જ થઈને બાકીના સર્વ ઇઝરાયલીઓ આગળ નદી પાર ઉતર્યા.

13 પ્રભુની સમક્ષ લગભગ ચાલીસ હજાર શસ્ત્રસજ્જ લડવૈયા પુરુષો નદી પાર કરીને યરીખો પાસેના મેદાનમાં પહોંચી ગયા.

14 પ્રભુએ કરેલા એ દિવસના અદ્‍ભુત કાર્યથી ઇઝરાયલી લોકો યહોશુઆને મહાપુરુષ તરીકે સન્માનવા લાગ્યા. તેમણે જેમ મોશેનું સન્માન જાળવ્યું હતું તેમ યહોશુઆનું પણ તેની જિંદગીભર સન્માન જાળવ્યું.

15 પ્રભુએ યહોશુઆને કહ્યું,

16 “સાક્ષ્યલેખની કરારપેટી ઊંચકનારા યજ્ઞકારોને યર્દનમાંથી બહાર નીકળી આવવા આજ્ઞા કર.”

17 તેથી યહોશુઆએ યજ્ઞકારોને આજ્ઞા આપી, “યર્દનમાંથી બહાર નીકળી આવો.”

18 એટલે પ્રભુની કરારપેટી ઊંચકનારા યજ્ઞકારો યર્દનની બહાર નીકળી આવ્યા, અને યજ્ઞકારોએ નદીકાંઠે સૂકી ભૂમિ પર પગ મૂક્યા કે યર્દન નદી અગાઉની જેમ પોતાના જળમાર્ગે વહેવા લાગી અને પૂરથી તેના કાંઠા ઊભરાઈ ગયા.


ગિલ્ગાલમાં ઇઝરાયલીઓનું આગમન

19 લોકો પહેલા માસને દશમે દિવસે યર્દનમાંથી બહાર નીકળી આવ્યા અને યરીખોની પૂર્વ તરફની સરહદ પર તેમણે ગિલ્ગાલમાં છાવણી કરી.

20 યર્દનમાંથી લાવવામાં આવેલ બાર પથ્થરો યહોશુઆએ ગિલ્ગાલમાં ઊભા કર્યા.

21 તેણે ઇઝરાયલી લોકોને કહ્યું, “ભવિષ્યમાં તમારા વંશજો પોતાના પિતાને પૂછે કે આ પથ્થરોનો શો અર્થ છે?

22 ત્યારે તમારા વંશજોને આવો ખુલાસો કરવો: ઇઝરાયલીઓ યર્દનમાંથી સૂકી ભૂમિમાં થઈને પાર આવ્યા.

23 અમે સૂફ સમુદ્ર પાર ઊતરી રહ્યા ત્યાં સુધી અમારા ઈશ્વર પ્રભુએ તેને અમારે માટે સૂકવી નાખ્યો હતો; એ જ રીતે તમે પણ યર્દનની પાર ઊતરી રહ્યા ત્યાં સુધી તેમણે તમારી આગળ તેનાં પાણી સૂકવી નાખ્યાં;

24 આને લીધે પૃથ્વીના સર્વ લોકો જાણશે કે પ્રભુના હાથનું સામર્થ્ય કેવું મહાન છે, અને તમે પણ તમારા ઈશ્વર પ્રભુનું આદરમાન કરો.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan