Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યહોશુઆ 3 - પવિત્ર બાઇબલ C.L.


ઇઝરાયલીઓ યર્દન ઓળંગે છે

1 બીજે દિવસે સવારે યહોશુઆ અને સર્વ ઇઝરાયલી લોકો વહેલા ઊઠયા અને શિટ્ટિમમાંથી છાવણી ઉપાડીને યર્દન આગળ આવ્યા. તેમણે નદી પાર કરી તે પહેલાં તેમણે ત્યાં છાવણી નાખી.

2 ત્રણ દિવસ પછી આગેવાનોએ છાવણીમાં ફરી વળીને

3 લોકોને કહ્યું, “જ્યારે તમે લેવીવંશી યજ્ઞકારોને તમારા ઈશ્વર પ્રભુની કરારપેટી ઊંચકીને જતા જુઓ ત્યારે તમારી છાવણી ઉપાડી લઈને તેમની પાછળ જજો.

4 પ્રભુની કરારપેટી તમને જવાનો રસ્તો બતાવશે, કારણ, આ રસ્તે તમે અગાઉ કદી ગયા નથી. પણ તમે કરારપેટીની નજીક જશો નહિ; તેનાથી લગભગ એક કિલોમીટર દૂર રહેજો.”

5 યહોશુઆએ લોકોને કહ્યું, “પોતાને શુદ્ધ કરો; કારણ, આવતી કાલે પ્રભુ તમારી વચ્ચે અદ્‍ભુત કાર્યો કરશે.”

6 પછી તેણે યજ્ઞકારોને કરારપેટી ઊંચકીને લોકોની આગળ જવા કહ્યું, એટલે તેમણે તેમ કર્યું.

7 પ્રભુએ યહોશુઆને કહ્યું, “આજે હું જે કાર્ય કરવાનો છું તેનાથી સર્વ ઇઝરાયલીઓ મહાન માણસ તરીકે તારું સન્માન રાખતા થશે, અને તેમને ખબર પડશે કે જેમ હું મોશે સાથે હતો તેમ હું તારી સાથે પણ છું.

8 કરારપેટી ઊંચકનારા યજ્ઞકારોને કહે કે તેઓ નદી કિનારે પહોંચ્યા પછી તેમાં ઊતરીને કિનારાની નજીક ઊભા રહે.”

9 પછી યહોશુઆએ લોકોને કહ્યું, “અહીં આવો, અને તમારા ઈશ્વર પ્રભુનો સંદેશો સાંભળો.

10 તમારી વચમાં જીવંત ઈશ્વર છે, અને તમે જેમ જેમ આગળ વધશો તેમ તેમ તે કનાનીઓ, હિત્તીઓ, હિવ્વીઓ, પરિઝ્ઝીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ અને યબૂસીઓને જરૂર હાંકી કાઢશે. એની ખાતરી તમને આ ઉપરથી થશે:

11 સમસ્ત પૃથ્વીના પ્રભુની કરારપેટી તમારી આગળ યર્દન પાર ઊતરે છે.

12 હવે ઇઝરાયલના પ્રત્યેક કુળમાંથી એક એમ બાર માણસો પસંદ કરો.

13 સમસ્ત પૃથ્વીના પ્રભુની કરારપેટી ઊંચકનારા યજ્ઞકારો પાણીમાં પગ મૂકશે કે યર્દન નદીનું વહેણ કપાઈ જશે, અને ઉપરવાસમાંથી આવતું પાણી એક જગ્યાએ ભરાઈ જશે.”

14-15 હવે એ તો કાપણીનો સમય હતો કે જ્યારે યર્દનમાં ભારે પૂર આવ્યું હતું. લોકો પોતાની છાવણી ઉપાડીને યર્દન પાર ઊતરવા નીકળી આવ્યા એટલે યજ્ઞકારો કરારપેટી ઊંચકીને તેમની આગળ ગયા. યજ્ઞકારો નદીએ પહોંચ્યા અને જેવા તેમણે પાણીમાં પોતાના પગ મૂક્યા કે,

16 નદીનું વહેણ કપાઈ ગયું અને સારેથાન નજીક આવેલા આદામ નગર પાસે ઉપરવાસમાંથી પાણી વહેતું અટકી જઈને ભરાઈ ગયું અને મૃત સરોવર તરફ નીચાણ તરફનો પ્રવાહ વહી ગયો. લોકો યર્દન ઓળંગીને યરીખોની નજીક ઊતર્યા.

17 લોકો કોરી ભૂમિ પર થઈને જતા હતા ત્યારે સર્વ લોકો નદી ઓળંગી રહ્યા ત્યાં સુધી પ્રભુની કરારપેટી ઊંચકનારા યજ્ઞકારો યર્દનની વચમાં કોરી જમીન પર ઊભા રહ્યા.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan