યહોશુઆ 24 - પવિત્ર બાઇબલ C.L.શખેમમાં યહોશુઆનું ઉદ્બોધન 1 યહોશુઆએ ઇઝરાયલનાં બધાં કુળોને શખેમમાં એકત્ર કર્યાં. તેણે તેમના વડીલોને, આગેવાનોને, ન્યાયાધીશોને અને અધિકારીઓને બોલાવ્યા અને તેઓ સૌ ઈશ્વરની સમક્ષ હાજર થયા. 2 યહોશુઆએ સર્વ લોકોને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આમ કહે છે: ‘ઘણાં વર્ષો પહેલાં તમારા પૂર્વજો યુફ્રેટિસ નદીની પેલી તરફ વસતા હતા અને અન્ય દેવોની પૂજા કરતા હતા. એવા પૂર્વજોમાં અબ્રાહામ અને નાહોરનો પિતા તેરા હતો. 3 પછી હું તમારા પૂર્વજ અબ્રાહામને નદીની પેલી તરફના દેશમાંથી કાઢી લાવ્યો અને મેં તેને આખા કનાન દેશમાં ફેરવ્યો. મેં તેને ઘણા વંશજો આપ્યા. મેં તેને ઇસ્હાક આપ્યો, 4 અને ઇસ્હાકને મેં યાકોબ અને એસાવ આપ્યા. મેં એસાવને તેના વસવાટ માટે અદોમનો પહાડીપ્રદેશ આપ્યો, પણ તમારો પૂર્વજ યાકોબ અને તેના વંશજો તો ઇજિપ્તમાં ગયા. 5 પછી મેં મોશે તથા આરોનને મોકલ્યા અને ઇજિપ્ત પર હું મોટી આફત લાવ્યો, પણ તમને તો હું બહાર કાઢી લાવ્યો. 6 હું તમારા પૂર્વજોને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો અને ઇજિપ્તીઓએ રથો અને અશ્વદળ લઈને તેમનો પીછો કર્યો. પણ તમારા પૂર્વજો સૂફ સમુદ્ર પાસે આવ્યા 7 ત્યારે તેમણે મને મદદને માટે પોકાર કર્યો, અને મેં તેમની અને ઇજિપ્તીઓની વચમાં અંધકાર મૂકી દીધો. ઇજિપ્તીઓ પર સમુદ્રનાં પાણી ફેરવી વાળી મેં તેમને ડૂબાડી દીધા. મેં ઇજિપ્તીઓની શી દશા કરી તે તમે જાણો છો. ‘તમે લાંબો સમય રણપ્રદેશમાં રહ્યા. 8 પછી હું તમને યર્દનની પૂર્વ તરફ વસતા અમોરીઓના દેશમાં લાવ્યો. તેમણે તમારી સામે યુદ્ધ કર્યું, પણ મેં તમને તેમના પર વિજય પમાડયો. તમે તેમનો પ્રદેશ કબજે કરી લીધો અને તમારી આગળ મેં તેમનો સંહાર કર્યો. 9 પછી મોઆબનો રાજા, એટલે સિપ્પોરનો પુત્ર બાલાક તમારી વિરુદ્ધ લડયો. તેણે બયોરના પુત્ર બલઆમને સંદેશો મોકલી બોલાવ્યો અને તમને શાપ દેવા જણાવ્યું. 10 પણ મેં બલઆમનું સાંભળ્યું નહિ. તેથી તેણે તમને આશિષ આપી અને એમ તમને બાલાકના હાથમાંથી છોડાવ્યા. 11 તમે યર્દન ઓળંગીને યરીખો આવ્યા. યરીખોના માણસોએ અને એ જ પ્રમાણે અમોરી, પરિઝ્ઝી, કનાની, હિત્તી, ગિર્ગાશી, હિવ્વી અને યબૂસી એ બધાએ તમારી સામે લડાઈ કરી. 12 અમોરીઓના બે રાજાઓને મેં ભમરીઓ મોકલીને હાંકી કાઢયા હતા. એ કંઈ તમારી તલવારો કે ધનુષ્યથી થયું નહોતું. 13 તમે જેમાં શ્રમ કર્યો નહોતો એ ભૂમિ મેં તમને આપી અને તમે બાંધ્યાં નહોતાં એ નગરો પણ આપ્યાં. હવે તમે ત્યાં વસો છો. વળી, તમે રોપ્યા નહોતા તેવા દ્રાક્ષવેલાની દ્રાક્ષો અને તમે રોપ્યા નહોતાં તેવા ઓલિવવૃક્ષનાં ફળ તમે ખાઓ છો.” 14 પછી યહોશુઆએ પોતાનું વક્તવ્ય ચાલુ રાખતાં કહ્યું. “તો હવે યાહવેને માન આપો અને નિખાલસપણે અને નિષ્ઠાપૂર્વક તેમની સેવા કરો. મેસોપોટેમિયા અને ઇજિપ્તમાં તમારા પૂર્વજો જે અન્ય દેવોની પૂજા કરતા હતા તેમનો ત્યાગ કરો અને માત્ર યાહવેની જ સેવાભક્તિ કરો. 15 પણ જો તમે પ્રભુની સેવાભક્તિ કરવા ન માગતા હો તો આજે નક્કી કરો કે તમે કોની સેવા કરશો: મેસોપોટેમિયામાં તમારા પૂર્વજો જેમની પૂજા કરતા હતા તેમની સેવા કરશો કે જેમના દેશમાં તમે અત્યારે રહો છો તે અમોરીઓના દેવોની સેવા કરશો? જો કે હું અને મારું કુટુંબ તો અમે પ્રભુની સેવા કરીશું.” 16 લોકોએ જવાબ આપ્યો, “અમે પ્રભુનો ત્યાગ કરીને અન્ય દેવોની સેવા કરીએ એવું ન થાઓ. 17 આપણા ઈશ્વર પ્રભુ અમારા પિતૃઓને અને અમને ઈજિપ્તની ગુલામગીરીમાંથી છોડાવી લાવ્યા અને અમે તેમનાં ચમત્કારિક કાર્યો જોયાં છે. અમે જે પ્રજાઓના દેશમાં થઈને મુસાફરી કરી તેમાં તેમણે અમારું રક્ષણ કર્યું. 18 આ દેશમાં અમે આગળ વયા તેમ તેમ અહીં રહેતા સર્વ અમોરી લોકોને પ્રભુએ હાંકી કાઢયા. તેથી અમે પણ પ્રભુની જ સેવા કરીશુ; તે જ અમારા ઈશ્વર છે.” 19 યહોશુઆએ લોકોને કહ્યું, “પણ તમે કદાચ પ્રભુની સેવા નહિ કરી શકો. તે તો પવિત્ર ઈશ્વર છે અને તમારાં પાપની ક્ષમા નહિ આપે; કારણ, તે પોતાના કોઈ પ્રતિસ્પર્ધીને સાંખી લેતા નથી. 20 અને તમે તેમનો ત્યાગ કરીને અન્ય દેવોની સેવા કરશો તો તે તમારી વિરુદ્ધ થઈ જશે અને તમને શિક્ષા કરશે. તે તમારા પ્રત્યે અગાઉ ભલા થયા હોવા છતાં તે તમારો નાશ કરશે.” 21 લોકોએ યહોશુઆને કહ્યું, “ના, એવું નહિ થાય; અમે તો પ્રભુની જ સેવા કરીશું.” 22 યહોશુઆએ તેને કહ્યું, “પ્રભુની સેવા કરવાની પસંદગી તમે જાતે જ કરી છે એના સાક્ષી તમે પોતે જ છો.” તેમણે કહ્યું, “હા, અમે સાક્ષી છીએ.” 23 તેથી તેણે કહ્યું, “તો પછી તમારી પાસેના વિદેશી દેવો દૂર કરો અને ઇઝરાયલના ઈશ્વર પ્રભુ પ્રત્યેની તમારી વફાદારી જાળવી રાખવા પ્રતિજ્ઞા કરો.” 24 ત્યારે લોકોએ યહોશુઆને કહ્યું, “અમે આપણા ઈશ્વર પ્રભુની સેવા કરીશું અને તેમની આજ્ઞાઓ પાળીશું.” 25 તેથી તે દિવસે યહોશુઆએ લોકો સાથે કરાર કર્યો અને ત્યાં શખેમમાં તેણે તેમને કાયદાઓ અને નિયમો આપ્યા. 26 યહોશુઆએ એ બધું ઈશ્વરના નિયમના પુસ્તકમાં લખી લીધું. પછી તેણે એક મોટો પથ્થર લઈને તેને પ્રભુના પવિત્રસ્થાનમાં આવેલા મસ્તગી વૃક્ષ પાસે મૂક્યો. 27 તેણે સર્વ લોકોને કહ્યું, “આ પથ્થર આપણો સાક્ષી છે. પ્રભુ આપણી સાથે જે વચનો બોલ્યા તે બધાં તેણે સાંભળ્યા છે. તેથી તે તમારી વિરુદ્ધ સાક્ષી બનશે, જેથી તે તમને તમારા ઈશ્વર વિરુદ્ધ બંડ કરતાં રોકે.” 28 પછી યહોશુઆએ લોકોને વિદાય કર્યા, અને સૌ કોઈ પોતપોતાના વસવાટના પ્રદેશમાં પાછા ગયા. યહોશુઆ અને એલાઝારનું અવસાન 29 એ બનાવો પછી નૂનનો પુત્ર, પ્રભુનો સેવક યહોશુઆ, એક્સો દસ વર્ષનો થઈને અવસાન પામ્યો. 30 તેમણે તેને એફ્રાઈમના પહાડી પ્રદેશના તિમ્નાથ સેરામાં ગાઆશ પર્વતની ઉત્તરે આવેલા તેના પોતાના પ્રદેશમાં દફનાવ્યો. 31 યહોશુઆ જીવતો હતો ત્યાં સુધી ઇઝરાયલી લોકોએ પ્રભુની સેવા કરી અને તેના અવસાન પછી પણ ઇઝરાયલને માટે પ્રભુએ કરેલાં સર્વ કાર્યો જોનાર આગેવાનો જીવ્યા ત્યાં સુધી તેમણે પ્રભુની સેવા કરવાનું ચાલુ રાખ્યું. 32 ઇઝરાયલીઓ ઇજિપ્તમાંથી યોસેફનાં અસ્થિ લઈ આવ્યા હતા. તેમણે તે અસ્થિ, શખેમમાં યાકોબે શખેમના પિતા હમોર પાસેથી ચાંદીના સો સિક્કા આપીને ખરીદ કરેલા ભૂમિના ટુકડામાં દફનાવ્યા. એ ભૂમિ તો યોસેફના વંશજોને વારસામાં મળી હતી. 33 આરોનનો પુત્ર એલાઝાર મરણ પામ્યો અને તેના પુત્ર ફિનહાસને એફ્રાઈમના પહાડીપ્રદેશમાં આપવામાં આવેલા નગર ગિબ્યામાં તેને દફનાવવામાં આવ્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide