યહોશુઆ 23 - પવિત્ર બાઇબલ C.L.યહોશુઆનો વિદાયસંદેશ 1 પ્રભુએ ઇઝરાયલને તેમની આસપાસના તેમના સર્વ શત્રુઓથી સહીસલામતી આપી. તે પછી ઘણો સમય વીતી ગયો. દરમ્યાનમાં યહોશુઆ ઘણો વયોવૃદ્ધ થયો હતો. 2 તેથી તેણે સર્વ ઇઝરાયલને તથા તેમના વડીલો, આગેવાનો, ન્યાયાધીશો અને અધિકારીઓને બોલાવીને તેમને કહ્યું, “હું હવે ઘણો વયોવૃદ્ધ થયો છું. 3 તમારે લીધે તમારા ઈશ્વર પ્રભુએ આ બધી પ્રજાઓની શી દશા કરી છે તે બધું તમે જાતે જોયું છે. તમારા ઈશ્વર પ્રભુએ તમારે પક્ષે રહીને યુદ્ધ કર્યુ હતું. 4 દેશમાં બાકી રહી ગયેલી પ્રજાઓ તથા જે પ્રજાઓને મેં જીતી લીધી તેમનો, પૂર્વમાં યર્દનથી માંડીને પશ્ર્વિમે ભૂમધ્ય સમુદ્ર સુધીનો સમગ્ર પ્રદેશ મેં તમારાં કુળોને વસવાટ માટે ફાળવી આપ્યો છે. 5 તમારા ઈશ્વર પ્રભુ એ પ્રજાઓને તમારી આગળ પીછેહઠ કરાવશે અને તમે આગળ વધતા રહો તેમ તેમ તેમને હાંકી કાઢશે. તમારા ઈશ્વર પ્રભુએ તમને આપેલા વચન પ્રમાણે તમે તેમનો પ્રદેશ સંપાદન કરી શકશો. 6 તેથી મોશેના નિયમશાસ્ત્રમાં જે જે લખેલું છે તે બધું પાળવાને અને તે પ્રમાણે કરવાને કાળજી રાખો; તેમાંથી લેશમાત્ર ચલિત થશો નહિ. 7 વળી, તમારી વચમાં બાકી રહી ગયેલી આ પ્રજાઓ સાથે સંબંધ બાંધશો નહિ, તેમનાં દેવોનાં નામોનો ઉચ્ચાર સરખો કરશો નહિ. એ નામો લઈને શપથ ખાશો નહિ અને તેમના દેવોને ભજશો નહિ કે તેમની આગળ નમન કરશો નહિ. 8 એને બદલે, તમે આજ સુધી રહ્યા છો તેમ યાહવેને વફાદાર રહો. 9 તમે દેશમાં આગળ વધતા ગયા તેમ તેમ પ્રભુએ મહાન અને શક્તિશાળી પ્રજાઓને હાંકી કાઢી છે અને કોઈ તમારી સામે ટક્કર ઝીલી શકાયું નથી. 10 તમને આપેલા વચન પ્રમાણે પ્રભુ પોતે તમારે માટે લડતા હોવાથી તમારામાંથી એક માણસ હજાર માણસોને નસાડતો. 11 તેથી તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખવામાં ખંત દાખવો. 12 પણ તમે વફાદાર ન રહેતાં તમારી વચમાં બાકી રહી ગયેલી પ્રજાઓ સાથે હળીમળી જશો અને તેમની સાથે લગ્નસંબંધ બાંધશો 13 તો તમારા ઈશ્વર પ્રભુ આ બાકીની પ્રજાઓને હાંકી કાઢશે નહિ. એ પ્રજાઓ તમારે માટે ફાંદા કે ખાડા સમાન જોખમકારક અને તમારી પીઠ પર ચાબૂક અથવા આંખમાં કાંટા સમાન દર્દજનક બની રહેશે; એટલે સુધી કે તમારા ઈશ્વર પ્રભુએ તમને આપેલા આ દેશમાં તમારામાંનો કોઈ બાકી રહેવા પામશે નહિ. 14 “હવે મારા મરણનો સમય નજીક આવતો જાય છે. તમે સૌ તમારા મનમાં અને અંતરમાં સમજો છો કે તમારા ઈશ્વર પ્રભુએ તમને વચન આપ્યું તે પ્રમાણે તમને સર્વ સારી વસ્તુઓ આપી છે. તેમણે આપેલાં સર્વ વચનો પરિપૂર્ણ થયાં છે અને એમાંનું એકેય નિરર્થક નીવડયું નથી. 15 પણ જેમ તેમણે તમને આપેલાં બધાં વચનો પાળ્યાં તેમ તેમણે તમને આપેલી બધી ચેતવણીઓનો પણ તે અમલ કરશે. 16 તમારા ઈશ્વર પ્રભુએ તમને ફરમાવેલ કરારનું તમે પાલન નહિ કરો અને અન્ય દેવોની સેવાભક્તિ કરશો તો તે તમારા પર કોપાયમાન થઈને તમને સજા કરશે અને તેમણે તમને આપેલા આ સારા દેશમાં તમારામાંનો કોઈ બાકી રહેવા પામશે નહિ!” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide