યહોશુઆ 22 - પવિત્ર બાઇબલ C.L.યર્દનના પૂર્વપ્રદેશનાં કુળોને વિદાયગીરી 1 પછી યહોશુઆએ રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાનાં કુળોના લોકોને એકત્ર કર્યા. 2 તેણે તેમને કહ્યું, “પ્રભુના સેવક મોશેએ તમને આપેલી બધી આજ્ઞાઓનું તમે પૂરું પાલન કર્યું છે; તમે મારી આજ્ઞાઓનું પણ અક્ષરસ: પાલન કર્યું છે. 3 આ બધા સમય દરમ્યાન તમે ક્યારેય તમારા સાથી ઇઝરાયલીઓને તજી દીધા નથી. પણ તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞા પ્રમાણે તમે કાળજીપૂર્વક તમારી ફરજ બજાવી છે. 4 હવે તમારા ઈશ્વર પ્રભુએ આપેલા વચન પ્રમાણે તેમણે તમારા સાથી ઇઝરાયલીઓને વિશ્રામદાયક વસવાટ આપ્યો છે. તો હવે તમે પ્રભુના સેવક મોશેએ યર્દનના પૂર્વ ભાગમાં તમને આપેલા તમારા પોતાના વસવાટના પ્રદેશમાં તમારે ઘેર પાછા જાઓ. 5 પણ પ્રભુના સેવક મોશેએ તમને ફરમાવેલ નિયમનું પાલન કરવામાં ચીવટ દાખવજો: તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ કરો, તેમની ઇચ્છા અનુસાર વર્તો, તેમની આજ્ઞાઓ પાળો, તેમને વફાદાર રહો અને તમારા પૂરા દિલથી અને પૂરા જીવથી તેમની સેવા કરો.” 6-8 યહોશુઆએ તેમને આશિષ આપીને તેમને ઘેર વિદાય કર્યા અને તે વખતે તેણે તેમને આ વચનો કહ્યાં, “તમે બહુ સમૃદ્ધ થઈને એટલે પુષ્કળ ઢોરઢાંક, રૂપું, સોનું, તાંબુ, લોખંડ અને વસ્ત્રોનો મોટો ભંડાર લઈને તમારે ઘેર જાઓ છો. તો તમારા શત્રુઓ પાસેથી મેળવેલી લૂંટમાંથી તમારા કુળના સાથીબધુંઓને પણ આપજો.” પછી તેઓ પોતપોતાને ઘેર જવા વિદાય થયા. મનાશ્શાના અર્ધાકુળને યર્દનની પૂર્વ તરફ મોશેએ પ્રદેશ આપ્યો હતો; પણ તેના બાકીના અર્ધાકુળને યહોશુઆએ અન્ય કુળોની સાથે સાથે યર્દનની પશ્ર્વિમ તરફ પ્રદેશ આપ્યો હતો. 9 આમ, રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાના કુળના લોકો પોતાને ઘેર પાછા ગયા. કનાન દેશના શીલોમાં બાકીના ઇઝરાયલી લોકોની તેમણે વિદાય લીધી અને મોશે દ્વારા પ્રભુએ તેમને આપેલી આજ્ઞા પ્રમાણે તેમણે કબજે કરેલા ગિલ્યાદ પ્રદેશમાં એટલે પોતાના વસવાટના પ્રદેશમાં જવા ઉપડયા. યર્દનકાંઠે વેદી 10 રૂબેન, ગાદ અને પૂર્વ-મનાશ્શાનાં કુળો યર્દનની પાસે ગલીલોથ આવ્યા ત્યારે ત્યાં તેમણે નદીકિનારે એક ગંજાવર વેદી બાંધી. 11 ઇઝરાયલના બાકીના લોકોને ખબર પડી કે રૂબેન, ગાદ અને પૂર્વ- મનાશ્શાનાં કુળોના લોકોએ યર્દનની આપણી બાજુના પ્રદેશમાં ગલીલોથ આગળ વેદી બાંધી છે. 12 ઇઝરાયલી લોકોએ જ્યારે એ સાંભળ્યું ત્યારે શીલોમાં આખો સમાજ પૂર્વ તરફનાં કુળો સામે યુદ્ધ કરવા એકઠો થયો. 13 પછી ઇઝરાયલી લોકોએ એલાઝાર યજ્ઞકારના પુત્ર ફિનહાસને રૂબેન, ગાદ અને પૂર્વ-મનાશ્શાનાં કુળોના લોકો પાસે ગિલ્યાદ પ્રાંતમાં મોકલ્યો. 14 પશ્ર્વિમ તરફનાં કુળોમાંથી પ્રત્યેક કુળ દીઠ એક એમ દસ અગ્રગણ્ય માણસોને ફિનહાસ સાથે મોકલવામાં આવ્યા; તેમાંનો પ્રત્યેક માણસ પોતાના ગોત્રમાં કુટુંબનો વડો હતો. 15 તેઓ ગિલ્યાદમાં રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાના લોકો પાસે ગયા, 16 અને પ્રભુના સમસ્ત સમાજ તરફથી તેમને કહ્યું, “તમે ઇઝરાયલના ઈશ્વર વિરુદ્ધ આવો અપરાધ કેમ કર્યો છે? તમારે માટે આ વેદી બાંધીને તમે તેમની સામે વિદ્રોહ કર્યો છે! તમે પ્રભુને અનુસરવાનું મૂકી દીધું છે! 17 પયોર આગળ આપણા પાપને લીધે પ્રભુએ પોતાના લોકોને રોગચાળો મોકલીને શિક્ષા કરી હતી તે યાદ કરો. હજી આજે પણ આપણે એ દોષથી મુક્ત થયા નથી. શું એ પાપ પૂરતું નહોતું? 18 તમે હવે પ્રભુને અનુસરવાનો નકાર કરશો? તમે આજે પ્રભુ વિરુદ્ધ બંડ કરો છો અને આવતીકાલે તે સમસ્ત ઇઝરાયલી સમાજ પર કોપાયમાન થશે. 19 તેથી હવે તમારો પ્રદેશ પ્રભુની આરાધના માટે યથાયોગ્ય ન હોય તો અહીં જ્યાં પ્રભુનો મુલાકાતમંડપ છે ત્યાં આ તરફ પ્રભુના દેશમાં આવતા રહો અને અમારી સાથે વસવાટ કરો. પણ તમે પ્રભુનો વિદ્રોહ ન કરશો અને પ્રભુની વેદી ઉપરાંત અન્ય વેદી બાંધીને અમને તમારા વિદ્રોહમાં ન સંડોવશો. 20 નાશ કરવા માટે અર્પિત થયેલી વસ્તુઓની બાબતમાં ઝેરાનો પુત્ર આખાન આધીન ન થયો અને એને લીધે ઇઝરાયલના આખા સમાજને શિક્ષા થઈ હતી તે યાદ કરો. આખાનના પાપને લીધે એ એકલો જ કંઈ માર્યો ગયો નહોતો.” 21 રૂબેન, ગાદ અને મનાશ્શાનાં કુળના લોકોએ પશ્ર્વિમ તરફનાં કુળોનાં ગોત્રોના આગેવાનોને જવાબ આપ્યો: 22 “પરમેશ્વર, પ્રભુ પરમેશ્વર, અમે એવું શા માટે કર્યું તે બહુ સારી રીતે જાણે છે અને તમે, સમસ્ત ઇઝરાયલ પણ એ જાણો એવું અમે ઈચ્છીએ છીએ. જો અમે પ્રભુ સામે વિદ્રોહ કર્યો હોય અને તેમને વફાદાર રહ્યા ન હોઈએ તો તમે અમને જીવતા રહેવા દેશો નહિ. 23 જો અમે પ્રભુ પ્રત્યેની અમારી વફાદારીનો ત્યાગ કર્યો હોય અને દહનબલિ ચડાવવા અથવા ધાન્યઅર્પણો કે સંગતબલિ ચડાવવા અમે અમારી પોતાની વેદી બાંધી હોય તો પ્રભુ પોતે અમને શિક્ષા કરો. 24 હકીક્તમાં, અમે એટલા માટે એવું કર્યું છે કે ભવિષ્યમાં કદાચ તમારા વંશજો અમારા વંશજોને આવું કહે: ‘ઇઝરાયલના ઈશ્વર પ્રભુ સાથે તમારે શું લાગેવળગે છે? 25 પ્રભુએ અમારી અને તમારી એટલે રૂબેન તથા ગાદના લોકો વચ્ચે યર્દનની સરહદ કરાવી છે. તમારે પ્રભુ સાથે કંઈ સંબંધ નથી.’ આમ, તમારા વંશજો અમારા વંશજોને પ્રભુનું ભજન કરતા અટકાવી દે. 26 તેથી અમે એકબીજાને કહ્યું, ‘આપણે આ વેદી બાંધીએ; દહનબલિ કે અર્પણો ચડાવવા નહિ. 27 પણ અમારા લોકો અને તમારા લોકો વચ્ચે અને હવે પછીના આપણા વંશજો માટે એ સાક્ષીનું પ્રમાણચિહ્ન બની રહે કે મુલાકાતમંડપમાં દહનબલિ, અન્ય બલિદાનો અને સંગતબલિ ચડાવી પ્રભુનું ભજન કરવાનો અમને પણ હક્ક છે.’ અમારે પ્રભુ સાથે કંઈ સંબંધ નથી એવું તમારા વંશજો ન કહી શકે માટે અમે એ કર્યું છે. 28 વળી, અમે વિચાર્યુ કે કદાચ અમને કે અમારા વંશજોને એવું થાય તો અમે આમ કહી શકીએ: ‘દહનબલિ કે અન્ય બલિદાનો ચડાવવાં નહિ, પણ અમારી અને તમારી વચ્ચે સાક્ષીનું પ્રમાણચિહ્ન થવા અમારા પૂર્વજોએ બાંધેલી આ વેદીની રચના જુઓ!’ 29 અમે પ્રભુની વિરુદ્ધ કદી વિદ્રોહ કરવાના નથી અથવા દહનબલિ, ધાન્યઅર્પણો અથવા અન્ય બલિદાનો ચડાવવા વેદી બાંધીને અમે પ્રભુ પ્રત્યેની અમારી વફાદારીનો ત્યાગ કરવાના નથી. મુલાકાતમંડપમાં આવેલી વેદીને બદલે અમે અમારા ઈશ્વર પ્રભુને માટે અન્ય કોઈ વેદી બાંધવાના નથી.” 30 ફિનહાસ યજ્ઞકાર અને તેની સાથે ગયેલા ઇઝરાયલી સમાજના આગેવાનો, એટલે પશ્ર્વિમ તરફનાં કુળોના ગોત્રોના વડાપુરુષો રૂબેન, ગાદ અને પૂર્વ- મનાશ્શાનાં કુળોનાં લોકોનો ખુલાસો સાંભળીને સંતોષ પામ્યા. 31 એલાઝાર યજ્ઞકારના પુત્ર ફિનહાસે રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાનાં કુળોના લોકોને કહ્યું, “હવે અમને ખાતરી થાય છે કે પ્રભુ આપણી સાથે છે. તમે તેમની વિરુદ્ધ વિદ્રોહ કર્યો ન હોઈ, તમે ઇઝરાયલી લોકોને પ્રભુની શિક્ષાથી બચાવી લીધા છે.” 32 પછી ફિનહાસ અને આગેવાનોએ રૂબેન અને ગાદનાં કુળોની ગિલ્યાદમાંથી વિદાય લીધી અને કનાનમાં પાછા આવીને ઇઝરાયલી લોકોને એ જવાબ જણાવ્યો. 33 ઇઝરાયલીઓને એથી સંતોષ થયો અને તેમણે ઈશ્વરની સ્તુતિ કરી. તે પછી તેમણે રૂબેન અને ગાદના વસવાટના પ્રદેશને ખેદાનમેદાન કરી નાખવા ચડાઈ કરવાની વાત કરી નહિ. 34 રૂબેન અને ગાદના વંશજોએ કહ્યું, “આ વેદી આપણ સૌને માટે પ્રભુ જ ઈશ્વર છે તેની સાક્ષીરૂપ છે.” તેથી તેમણે તેનું નામ ‘સાક્ષી’ પાડયું.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide