યહોશુઆ 2 - પવિત્ર બાઇબલ C.L.યહોશુઆ યરીખોમાં જાસૂસો મોકલે છે 1 પછી નૂનના પુત્ર યહોશુઆએ શિટ્ટિમમાંથી છૂપી રીતે બે જાસૂસો મોકલ્યા અને તેમને કહ્યું, “જાઓ, જઈને કનાન દેશની અને વિશેષે કરીને યરીખો નગરની બાતમી મેળવી લાવો.” તેઓ ત્યાં ગયા અને રાહાબ નામે એક વેશ્યાને ઘેર ઊતર્યા. 2 યરીખોના રાજાને ખબર પડી કે તે સાંજે કેટલાક ઇઝરાયલી દેશની બાતમી કાઢવા આવ્યા છે. 3 તેથી તેણે રાહાબને સંદેશો મોકલ્યો કે, “તારા ઘરમાં ઊતરેલા માણસો તો આખા દેશની જાસૂસી કરવા આવ્યા છે! તેમને બહાર કાઢ!” 4 પણ તે સ્ત્રીએ બે માણસોને સંતાડી દીધા હતા. તેથી તેણે જવાબ આપ્યો, “કેટલાક માણસો મારે ત્યાં આવ્યા હતા ખરા, પણ તે ક્યાંથી આવ્યા હતા તેની મને ખબર નથી. 5 નગરનો દરવાજો બંધ થઈ જાય તે પહેલાં સૂર્યાસ્તના સમયે તે જતા રહ્યા. તે ક્યાં ગયા તે હું જાણતી નથી, પણ જો તમે જલદીથી પીછો કરો, તો તમે તેમને પકડી પાડશો.” 6 હવે રાહાબે તો બે જાસૂસોને ધાબા પર લઈ જઈને ત્યાં રાખેલા અળસીના સાંઠાના ભારાઓ પાછળ સંતાડી દીધા હતા. 7 રાજાના માણસો નગર બહાર નીકળ્યા કે નગરનો દરવાજો બંધ કરી દેવાયો. યર્દન તરફ જવાને રસ્તે તેમણે જાસૂસોનો પીછો કર્યો, અને શોધતા શોધતા છેક નદી ઓળંગવાના ઘાટ સુધી ગયા. રાહાબ અને જાસૂસો વચ્ચે કરાર 8 પેલા જાસૂસો રાત્રે સૂઈ જાય તે પહેલાં રાહાબ તેમની પાસે ધાબા પર ગઈ. 9 તેણે તેમને કહ્યું, “હું જાણું છું કે પ્રભુએ તમને આ દેશ આપ્યો છે. અમને તમારો ડર લાગે છે અને તમારા આગમનથી દેશના સર્વ રહેવાસીઓ ભયભીત થઈ ગયા છે. 10 અમે સાંભળ્યું છે કે તમે ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે પ્રભુએ તમારી આગળ સૂફ સમુદ્રને સૂકવી નાખ્યો હતો. વળી, યર્દનની પૂર્વ તરફના પ્રદેશના સિહોન અને ઓગ નામે અમોરીઓના બે રાજાઓના તેમણે કેવા હાલહવાલ કર્યા તે પણ અમે સાંભળ્યું છે. 11 એ સાંભળતાં જ અમારાં હૃદય ભયભીત થઈ ગયાં અને તમારે લીધે અમારામાંથી કોઈનામાં કંઈ હિમંત રહી નથી. તમારા ઈશ્વર પ્રભુ તો ઉપર આકાશમાં અને નીચે પૃથ્વી પર ઈશ્વર છે. 12 તો હવે મારી આગળ પ્રભુના સમ ખાઓ કે મેં તમારા પ્રત્યે જેવો વર્તાવ દાખવ્યો છે તેવો માયાળુ વર્તાવ તમે મારા પિતાના કુટુંબ પર દાખવશો; અને મને ભરોસો પડે એવી કોઈ ચોક્કસ નિશાની આપો. 13 મને વચન આપો કે તમે મારા પિતાને, મારી માને, મારા ભાઈઓને, મારી બહેનોને અને તેમનાં સર્વ કુટુંબકબીલાનો જીવ બચાવશો અને અમને મારી નાખશો નહિ.” 14 પેલા માણસોએ કહ્યું, “અમે તારા કહ્યા પ્રમાણે ન વર્તીએ તો ઈશ્વર અમને મારી નાખો: જો તમે અમારી આ વાત કોઈને કહી નહિ દો તો પ્રભુ અમને જ્યારે આ દેશ આપે, ત્યારે અમે તમારા પ્રત્યે માયાળુપણે અને નિષ્ઠાપૂર્વક વર્તીશું.” 15 હવે રાહાબનું ઘર તો નગરકોટ પર તેને અડીને અંદરની તરફ બાંધેલું હતું. તેથી તેણે તેમને બારીમાંથી દોરડા વડે ઉતાર્યા. 16 તેણે તેમને કહ્યું, “તમે પહાડીપ્રદેશમાં નાસી જાઓ, નહિ તો રાજાના માણસો તમને પકડી પાડશે. તેઓ પીછો કરવામાંથી પાછા ફરે ત્યાં સુધી તમે ત્રણ દિવસ સંતાઈ રહેજો અને પછી તમે તમારે રસ્તે પડજો.” 17 પેલા માણસોએ તેને કહ્યું, “તેં અમને જે સમ ખવડાવ્યા છે તે પૂરા કરવા અમે આ રીતે વર્તીશું. 18 તારે આ પ્રમાણે કરવાનું રહેશે: તમારા દેશ પર અમે આક્રમણ કરીએ ત્યારે તેં અમને જે બારીમાંથી ઉતાર્યા છે તેમાં આ ઘેરા લાલ રંગનું દોરડું બાંધજે; અને તારા પિતાને, તારી માને, તારા ભાઇઓને અને તારા પિતાના સમસ્ત કુટુંબને તારા આ ઘરમાં એકઠાં કરી રાખજે. 19 જો કોઈ તારા ઘરમાંથી બહાર શેરીમાં જાય, તો તેના ખૂનનો દોષ તેને શિર રહેશે; એમાં અમારો દોષ ગણાશે નહિ; પણ તારી સાથેનાં ઘરમાંનાં કોઈને કંઈ ઇજા પહોંચે તો તેના ખૂનનો દોષ અમારે શિર રહે. 20 પણ જો તું અમારી આ વાત કોઈને પણ કહે તો તેં અમને ખવડાવેલા સમથી અમે મુક્ત ગણાઈશું.” 21 તેણે જવાબ આપ્યો, “ભલે, તમારા કહ્યા પ્રમાણે થાઓ.” એમ તેણે તેમને વિદાય કર્યા. તેમના ગયા પછી તેણે પેલું ઘેરા લાલ રંગનું દોરડું બારીએ બાંધી દીધું. 22 જાસૂસો પર્વતમાં જઈને સંતાઈ ગયા. રાજાના માણસો ત્રણ દિવસ સુધી આખો પ્રદેશ ખૂંદી વળ્યા પણ તેઓ તેમને મળ્યા નહિ તેથી તેઓ યરીખો પાછા ફર્યા. 23 પછી પેલા બે જાસૂસો પર્વત પરથી ઊતરી આવ્યા અને નદી પાર કરીને નૂનના પુત્ર યહોશુઆ પાસે પાછા આવ્યા. તેમના પર જે જે વીત્યું તે બધું તેમણે તેને કહી સંભળાવ્યું. 24 તેમણે યહોશુઆને કહ્યું, “પ્રભુએ જરૂર આ દેશ આપણને સોંપ્યો છે; અને આપણા આગમનથી દેશના સર્વ રહેવાસીઓમાં ભય વ્યાપી ગયો છે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide