Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યહોશુઆ 18 - પવિત્ર બાઇબલ C.L.


દેશના બાકીના પ્રદેશની વહેંચણી

1 ઇઝરાયલીઓનો આખો સમાજ શીલોમાં એકત્ર થયો અને ત્યાં તેમણે મુલાકાતમંડપ ઊભો કર્યો. આમ તો આખો દેશ તેમના તાબામાં આવી ગયો હતો;

2 પણ પ્રદેશની ફાળવણી કર્યા સિવાયનાં ઇઝરાયલી લોકોનાં સાત કુળ બાકી હતાં.

3 તેથી યહોશુઆએ ઇઝરાયલી લોકોને કહ્યું, “તમારા પૂર્વજોના ઈશ્વર પ્રભુએ તમને આપેલ આ દેશનો કબજો લેવામાં હજી તમે ક્યાં સુધી રાહ જોશો?

4 તમારા પ્રત્યેક કુળમાંથી ત્રણ ત્રણ માણસો મારી પાસે લાવો. હું તેમને આખા દેશમાં જઈને મોજણી કરવા અને પ્રત્યેક કુળ કયા પ્રદેશમાં વસવાટ કરશે તેનું વિગતવાર વર્ણન લખી લાવવા મોકલીશ. તે પછી તેઓ મારી પાસે પાછા આવે.

5 તેમની વચ્ચે દેશના સાત ભાગ પાડવામાં આવશે; યહૂદા તો દક્ષિણમાંના પોતાના પ્રદેશમાં જ રહેશે, અને યોસેફ ઉત્તરમાંના પોતાના પ્રદેશમાં રહેશે.

6 એ સાત વિભાગનું મારી પાસે વર્ણન લખી લાવો. પછી હું પાસા નાખીને તમારે માટે આપણા ઈશ્વર પ્રભુની સલાહ મેળવીશ.

7 છતાં લેવીવંશજોને બાકી રહેલાં કુળો સાથે જમીનનો હિસ્સો મળશે નહિ; કારણ, પ્રભુના યજ્ઞકાર તરીકે સેવા કરવી એ જ તેમનો હિસ્સો છે. વળી, ગાદ, રૂબેન અને પૂર્વ મનાશ્શાનાં કુળોને તો યર્દનની પૂર્વ તરફ પ્રદેશ મળી ગયો છે. પ્રભુના સેવક મોશેએ તેમને એ પ્રદેશ આપ્યો હતો.”

8 એ માણસો દેશની મોજણી કરી તેનું વર્ણન લખી લાવવા ગયા તે પહેલાં યહોશુઆએ તેમને આવી સૂચનાઓ આપી: “સમગ્ર દેશમાં જાઓ, અને તેનું વર્ણન લખી લાવીને મારી પાસે પાછા આવો. પછી અહીં શીલોમાં હું તમારે માટે પાસા નાખીને પ્રભુની સલાહ મેળવીશ.”

9 પછી એ માણસો આખા દેશમાં ફરી વળ્યા અને દેશને સાત ભાગમાં વહેંચી દઈ નગરોની યાદી સહિતનું વર્ણન પુસ્તકમાં લખી નાખ્યું. પછી તેઓ શીલોની છાવણીમાં યહોશુઆ પાસે ગયા.

10 યહોશુઆએ તેમને માટે પાસાં નાખીને પ્રભુની સલાહ પૂછી અને ઇઝરાયલનાં બાકી રહેલાં કુળોમાંથી પ્રત્યેક કુળને દેશનો અમુક ભાગ ફાળવી આપ્યો.


બિન્યામીનના કુળને ફાળવેલો પ્રદેશ

11 સૌ પ્રથમ પાસા નાખતાં બિન્યામીનના કુળના ગોત્રનો હિસ્સો નક્કી થયો. તેમનો પ્રદેશ યહૂદા અને યોસેફના કુળપ્રદેશો વચ્ચે આવેલો હતો.

12 ઉત્તર બાજુએ તેમની સરહદ યર્દનથી શરૂ થતી હતી. ત્યાંથી તે યરીખોની ઉત્તર તરફના ઢોળાવ તરફ ગઈ અને પશ્ર્વિમ તરફ પહાડી પ્રદેશમાં થઈને છેક બેથ હાવેનના રણપ્રદેશ સુધી પહોંચી.

13 તે સીમા ત્યાંથી આગળ વધીને લૂઝ(એટલે બેથેલ)ની દક્ષિણ તરફના ઢોળાવ તરફ અને પછી તે નીચલા બેથ-હેરોનની દક્ષિણે આવેલા પર્વત પર છેક અટારોથ-અદ્દાર સુધી નીચે ઊતરી.

14 તે સીમા ત્યાંથી દિશા બદલીને એ પર્વતની પશ્ર્વિમ બાજુમાં દક્ષિણેથી વળીને યહૂદાના કુળપ્રદેશમાં આવેલા કિર્યાથ-બઆલ (એટલે કિર્યાથ યઆરીમ) સુધી ગઈ. એ તો પશ્ર્વિમ તરફની સરહદ હતી.

15 દક્ષિણ તરફની સરહદ કિર્યાથ-યઆરીમના છેડાથી શરૂ થઈ. પશ્ર્વિમ તરફ નેફતોઆનાં ઝરણાં સુધી ગઈ.

16 ત્યાંથી તે હિન્‍નોમની ખીણ સામે આવેલા પર્વતની તળેટી સુધી રફાઈમની ખીણના ઉત્તર છેડા સુધી પહોંચી. પછી તે સરહદ દક્ષિણ તરફ હિન્‍નોમની ખીણમાં થઈને યબૂસી-કરાડની દક્ષિણે એન-રોગેલ સુધી ગઈ.

17 ત્યાંથી તે ઉત્તર તરફ વળીને એન-શેમેશ અને પછી અદુમ્મીના ઘાટની સામે ગલીલોથ સુધી ગઈ. તે સરહદ ત્યાંથી ‘બોહાનની શિલા’ સુધી નીચે ઊતરી. (બોહાન તો રૂબેનનો પુત્ર હતો.)

18 પછી તે યર્દનની ખીણની સામેની પર્વતીય હારમાળામાં થઈને પસાર થઈ. તે ત્યાંથી ખીણપ્રદેશ સુધી નીચે ઊતરી,

19 અને બેથ-હોગ્લાની હારમાળાની ઉત્તરે પસાર થઈ અને મૃત સમુદ્રની ઉત્તરની ખાડી, જ્યાં યર્દનનું મુખ આવેલું છે ત્યાં પૂરી થઈ. એ તો દક્ષિણ તરફની સરહદ હતી.

20 યર્દન તેમની પૂર્વની સરહદ હતી. બિન્યામીનના કુળનાં ગોત્રોને વસવાટ માટે મળેલા પ્રદેશની એ સરહદો હતી.

21 બિન્યામીનના કુળનાં ગોત્રો હસ્તકનાં નગરો આ પ્રમાણે હતાં: યરીખો, બેથ-હોગ્લા, એમેક-ક્સીસ,

22 બેથ- અરાબા, સમારાઈમ, બેથેલ,

23 આવ્વીમ, પારા, ઓફ્રા,

24 કફાર-આમ્મોની, ઓફની, અને ગેબા. એ બધાં આજુબાજુનાં ગામ સહિત બાર નગરો હતાં.

25 વળી, આ નગરો પણ હતાં: ગિબ્યોન, સમા, બએરોથ,

26 મિસ્પા, કફીરા, મોસા,

27 રેકેમ, યિર્પએલ, તારીઅલા,

28 સેલા, હાલેફ, યબૂસ (એટલે યરુશાલેમ), ગિબ્યા, અને કિર્યાથ-યઆરીમ. આજુબાજુનાં તેમનાં ગામ સહિત એ ચૌદ નગરો હતાં. બિન્યામીનના કુળના ગોત્રોને વસવાટ માટે મળેલો એ પ્રદેશ છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan