Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યહોશુઆ 17 - પવિત્ર બાઇબલ C.L.


પશ્ર્વિમ મનાશ્શા

1 યોસેફના મોટા પુત્ર મનાશ્શાના વંશના કેટલાંક ગોત્રોને ફાળે યર્દનની પશ્ર્વિમે આ પ્રદેશ આવ્યો હતો. ગિલ્યાદનો પિતા માખીર મનાશ્શાનો જયેષ્ઠ પુત્ર હતો. તે શૂરવીર લડવૈયો હોવાથી તેને યર્દનની પૂર્વમાં ગિલ્યાદ અને બાશાન આપવામાં આવ્યાં હતાં.

2 મનાશ્શાના બાકીના વંશજોને યર્દનની પશ્ર્વિમમાં તેમના ગોત્ર પ્રમાણે પ્રદેશની ફાળવણી થઈ: અબીએઝેર, હેલેક, આસીએલ, શેખેમ, હેફેર અને શમીદા; યોસેફના પુત્ર મનાશ્શાના એ વંશજો હતા અને તેઓ ગોત્રના વડા હતા.

3 પણ મનાશ્શાના પુત્ર માખીરના પુત્ર ગિલ્યાદના પુત્ર હેફરના પુત્ર સલોફહાદને એકેય પુત્ર નહોતો, પણ માત્ર પુત્રીઓ હતી. તેમનાં નામ આ પ્રમાણે છે: માહલા, નોઆ, હોગ્લા, મિલ્કા અને તિર્સા.

4 તેમણે યજ્ઞકાર એલાઝાર, નૂનના પુત્ર યહોશુઆ તથા આગેવાનો પાસે જઈને કહ્યું હતું, “પ્રભુએ મોશેને આજ્ઞા આપી હતી કે અમારા સંબંધીઓમાં પુરુષોની સાથે સાથે અમને પણ પ્રદેશમાં હિસ્સો આપવો.” તેથી પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે તેમને પણ તેમના સંબંધીઓમાં પુરુષોની સાથે સાથે પ્રદેશ ફાળવી આપવામાં આવ્યો.

5 આમ, યર્દનની પૂર્વ તરફ આવેલા ગિલ્યાદ અને બાશાન ઉપરાંત મનાશ્શાને દસ હિસ્સા મળ્યા;

6 કારણ, તેમના સ્ત્રીવંશજોને પણ પુરુષવંશજોની સાથે સાથે પ્રદેશની ફાળવણી કરવામાં આવી. ગિલ્યાદનો પ્રદેશ મનાશ્શાના બાકીના વંશજોને ફાળવી દેવામાં આવ્યો હતો.

7 મનાશ્શાના પ્રદેશની સરહદ આશેરથી શરૂ થઈ. શખેમની પૂર્વમાં મિખ્મથાથ સુધી પહોંચી. ત્યાંથી તે સીમા દક્ષિણ તરફ જઈને એન-તાપ્પૂઆની વસ્તીને આવરી લેતી હતી.

8 તાપ્પૂઆની આસપાસનો પ્રદેશ તો મનાશ્શાનો હતો, પણ સરહદ પર આવેલું તાપ્પૂઆ નગર એફ્રાઈમના વંશજોનું હતું.

9 પછી એ સરહદ કાનાના ઝરણા સુધી નીચે ગઈ. ઝરણાની દક્ષિણમાં આવેલાં નગરો મનાશ્શાના પ્રદેશમાં હોવા છતાં એફ્રાઈમની હસ્તક હતાં. મનાશ્શાની સરહદ ઝરણાને માર્ગે ઉત્તર તરફ આગળ વધી અને ભૂમધ્ય સમુદ્ર આગળ પૂરી થઈ.

10 એફ્રાઈમનો કુળપ્રદેશ દક્ષિણમાં હતો અને મનાશ્શાનો કુળપ્રદેશ ઉત્તરમાં હતો; ભૂમધ્ય સમુદ્ર તે બન્‍નેની પશ્ર્વિમની સરહદ હતી. આશેરનો કુળપ્રદેશ વાયવ્યમાં અને ઇસ્સાખારનો કુળપ્રદેશ ઇશાનમાં હતો.

11 ઇસ્સાખાર અને આશેરના કુળપ્રદેશોમાં મનાશ્શાની હસ્તક બેથ-શેઆન તથા યિબ્લઆમ અને તેમની આસપાસનાં ગામ તેમ જ દરિયાકિનારે આવેલું દોર, એનદોર, તાઅનાખ, મગિદ્દો અને એમની આસપાસના વસવાટો હતા.

12 પણ મનાશ્શાના વંશજો એ શહેરોમાંથી ત્યાંના રહેવાસીઓને કાઢી મૂકી શક્યા નહિ; તેથી ત્યાં કનાનીઓનો વસવાટ ચાલુ રહ્યો.

13 ઇઝરાયલીઓ પ્રબળ બન્યા ત્યારે પણ તેમણે કનાનીઓને હાંકી કાઢયા નહિ, પણ તેમણે તેમની પાસે વેઠ કરાવી.


એફ્રાઈમ અને પશ્ર્વિમ-મનાશ્શાના લોકો વધારે જમીન માગે છે.

14 યોસેફના વંશજોએ યહોશુઆને કહ્યું, “પ્રભુએ અમને આજ દિન સુધી આશિષ આપી છે અને તેથી અમારી વસ્તી ઘણી થઈ છે; તેમ છતાં તેં અમને એક જ હિસ્સો - એક જ પ્રદેશ આપ્યો છે.”

15 યહોશુઆએ જવાબ આપ્યો, “તમારી વસ્તી વધારે હોય અને એફ્રાઈમનો પહાડીપ્રદેશ તમને નાનો પડતો હોય તો જંગલમાં જાઓ અને ત્યાં પરિઝ્ઝીઓ અને રફાઈઓની જમીનમાં વૃક્ષો કાપી નાખીને તમારે માટે જગા કરો.”

16 તેમણે જવાબ આપ્યો, “પહાડીપ્રદેશ અમારે માટે પૂરતો નથી અને બેથ-શેઆન તથા તેની આસપાસનાં ગામો તેમજ યિભએલના ખીણપ્રદેશનાં મેદાનોમાં વસતા કનાનીઓ પાસે લોખંડના રથો છે.”

17 યહોશુઆએ યોસેફના વંશજો એટલે એફ્રાઈમ તથા પશ્ર્વિમ મનાશ્શાના લોકોને કહ્યું, “તમારી વસ્તી ઘણી છે અને તમે ઘણા શક્તિશાળી પણ છો. તમને એક કરતાં વધારે ભાગ મળશે.

18 પહાડી પ્રદેશ તમારો થશે. જો કે તેમાં જંગલ છે તો પણ તમે તેનાં વૃક્ષો કાપીને એક છેડાથી બીજા છેડા સુધી તેનો કબજો મેળવશો. વળી, કનાનીઓ પાસે લોખંડના રથો છે અને તેઓ બળવાન છે તોપણ તમે તેમને ત્યાંથી હાંકી કાઢી શકશો.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan