યહોશુઆ 16 - પવિત્ર બાઇબલ C.L.એફ્રાઈમ અને પૂર્વ મનાશ્શાના કુળપ્રદેશો 1 યોસેફના વંશજોને ફાળવવામાં આવેલ પ્રદેશની દક્ષિણ સીમા યરીખોની નજીક યરીખોનાં ઝરણાંની પૂર્વ તરફ યર્દનથી શરૂ થતી હતી; ત્યાંથી તે રણપ્રદેશ તરફ ગઈ. તે સીમા આગળ વધીને છેક બેથેલ સુધી પહાડીપ્રદેશ તરફ ગઈ. 2 ત્યાં બેથેલથી તે લુઝ સુધી ગઈ અને જ્યાં આર્કીઓ વસે છે ત્યાં અટારોથ-અદ્દાર સુધી પહોંચી. 3 ત્યાંથી પછી તે પશ્ર્વિમ તરફ યાફલેટીઓના વિસ્તાર તરફ છેક બેથ-હોરોનના નીચાણના વિસ્તાર સુધી ગઈ. તે સીમા ત્યાંથી ગેઝેર સુધી પહોંચી અને ભૂમધ્ય સમુદ્ર આગળ પૂરી થઈ. 4 યોસેફના વંશજો એટલે એફ્રાઈમ અને પશ્ર્વિમ મનાશ્શાનાં કુળોને ભાગે એ પ્રદેશ આવ્યો. એફ્રાઈમનો કુળપ્રદેશ 5 એફ્રાઈમ કુળનાં ગોત્રોને મળેલો પ્રદેશ આ પ્રમાણે હતો: તેમની સરહદ અટારોથ-અદ્દાર પૂર્વ તરફ ઉપલા બેથ-હેરોન સુધી જતી હતી, 6 અને ત્યાંથી તે ભૂમધ્ય સમુદ્ર સુધી પહોંચતી. મિખ્મથાથ તેમની ઉત્તરે હતું. તેની પૂર્વ તરફ સરહદ વળીને તાઅનાથ-શીલો તરફ વળી અને તેને વટાવીને પૂર્વમાં યાનોઆ સુધી ગઈ. 7 તે સીમા યાનોઆથી અટારોથ અને નાઆરા તરફ ઊતરી અને યરીખો સુધી પહોંચીને યર્દન આગળ પૂરી થઈ. 8 પશ્ર્વિમ તરફની સરહદ તાપ્પૂઆથી કાનાના ઝરણા સુધી ગઈ અને ભૂમધ્ય સમુદ્રમાં પૂરી થઈ. એફ્રાઈમના કુળનાં ગોત્રોને તેમના હિસ્સા તરીકે મળેલો એ પ્રદેશ છે. 9 વળી, મનાશ્શાનાં કુળપ્રદેશમાં આવેલાં કેટલાંક નગરો અને ગામો પણ એફ્રાઈમના વંશજોને મળ્યાં. 10 છતાં તેઓ ગેઝેરમાં વસતા કનાનીઓને હાંકી કાઢી શક્યા નહિ; તેથી આજ દિન સુધી કનાનીઓ એફ્રાઈમના વંશજોની મધ્યે રહે છે; પણ તેમની પાસે વેઠિયા તરીકે કામ કરાવવામાં આવે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide