Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યહોશુઆ 14 - પવિત્ર બાઇબલ C.L.


યર્દનની પશ્ર્વિમ તરફના પ્રદેશની ફાળવણી

1 ઇઝરાયલી લોકોને યર્દનની પશ્ર્વિમ તરફ કનાન દેશમાં ફાળવી આપવામાં આવેલ વિસ્તારની હકીક્તો આ પ્રમાણે છે. યજ્ઞકાર એલાઝાર, નૂનનો પુત્ર યહોશુઆ અને ઇઝરાયલી કુળોનાં ગોત્રના આગેવાનોએ લોકો વચ્ચે દેશ વહેંચી આપ્યો.

2 પ્રભુએ મોશેને આજ્ઞા આપી હતી તે પ્રમાણે નવ કુળો અને અર્ધાકુળને યર્દનની પશ્ર્વિમ તરફનો વિસ્તાર પાસા નાખીને વહેંચવામાં આવ્યો.

3 બાકીનાં બે કુળ અને એક અર્ધાકુળને તો મોશેએ યર્દનની પૂર્વ તરફનો વિસ્તાર અગાઉ ફાળવી દીધો હતો.

4 હવે યોસેફના વંશજોનું બે કુળમાં, એટલે મનાશ્શા અને એફ્રાઈમમાં વિભાજન કરવામાં આવ્યું હતું. વળી, મોશેએ લેવીવંશજોને તો કોઈ પ્રદેશ ફાળવ્યો નહિ. એને બદલે, વસવાટ માટે તેમને નગરો આપવામાં આવ્યાં, અને તેમનાં ઢોરઢાંક અને ઘેટાંબકરાં માટે એ નગરોનાં ગોચરની જમીન આપવામાં આવી હતી.

5 પ્રભુએ મોશેને આજ્ઞા આપી હતી તેમ ઇઝરાયલી લોકોએ દેશ વહેંચી લીધો.


કાલેબને હેબ્રોન અપાયું

6 એક દિવસે યહૂદાકુળના કેટલાક લોકો ગિલ્ગાલમાં યહોશુઆ પાસે આવ્યા. તેમનામાંથી કનિઝ્ઝી યફૂન્‍નેહના પુત્ર કાલેબે તેને કહ્યું, “ઈશ્વરભક્ત મોશેને પ્રભુએ કાદેશ-બાર્નિયામાં તારે અને મારે વિષે જે કહ્યું હતું તે તું જાણે છે.

7 પ્રભુના સેવક મોશેએ મને આ દેશની બાતમી મેળવવા કાદેશ - બાર્નિયાથી મોકલ્યો ત્યારે હું ચાળીસ વર્ષનો હતો. હું તેની પાસે સાચી બાતમી લાવ્યો હતો.

8 પણ મારી સાથે આવેલા માણસોએ લોકોને ગભરાવી મૂક્યા હતા. છતાં હું તો મારા ઈશ્વર પ્રભુને પૂરેપૂરી નિષ્ઠાથી આધીન થયો.

9 મેં એવું કર્યું તેથી હું જ્યાં જ્યાં ફર્યો તે બધો પ્રદેશ હંમેશને માટે મને અને મારાં સંતાનોને હિસ્સામાં ચોક્કસ આપવામાં આવશે તેવું વચન મને મોશેએ આપ્યું હતું.

10 પ્રભુએ મોશેને એ કહ્યું એને આજે પિસ્તાળીસ વર્ષ થઈ ગયાં. તે વખતે તો ઇઝરાયલ રણપ્રદેશમાં થઈને મુસાફરી કરતા હતા, અને પ્રભુએ આપેલા વચન પ્રમાણે તેમણે મને અત્યાર સુધી જીવતો રાખ્યો છે.

11 હું પંચ્યાસી વર્ષનો થયો છું અને મોશેએ મને મોકલ્યો હતો ત્યારે હું જેટલો શક્તિશાળી હતો એટલો આજે પણ છું. આજે પણ મારામાં યુદ્ધમાં જવાની કે બીજાં કોઈપણ કામ કરવાની પૂરી તાક્ત છે.

12 તો હવે મને આ ઉચ્ચપ્રદેશ કે જેના વિષે પ્રભુએ મને વચન આપ્યું હતું તે મને આપ. તે વખતે તને બાતમી આપવામાં આવી હતી કે ત્યાં મોટાં અને કોટવાળાં નગરોમાં કદાવર જાતિના અનાકી લોકો છે. પ્રભુ મારી સાથે રહેશે અને પ્રભુએ આપેલા વચન મુજબ હું તેમને ત્યાંથી હાંકી કાઢીશ.”

13 યહોશુઆએ યફૂન્‍નેહના પુત્ર કાલેબને તેના હિસ્સામાં હેબ્રોન નગર આપી દીધું.

14 આજે પણ તે નગર કનિઝ્ઝી યફૂન્‍નેહના પુત્ર કાલેબના વંશજોના હસ્તક જ છે; કારણ, કાલેબ ઇઝરાયલના ઈશ્વર પ્રભુને પૂરી નિષ્ઠાથી આધીન થયો હતો.

15 પહેલાં હેબ્રોન તો આર્બાનું નગર કહેવાતું હતું. (આર્બા તો અનાકીઓમાં સૌથી મહાન પુરુષ હતો.) હવે દેશમાં શાંતિ પ્રવર્તતી હતી.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan