Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યહોશુઆ 11 - પવિત્ર બાઇબલ C.L.


યાબીન અને તેના મિત્રરાજાઓનો પરાજય

1 હાસોરના રાજા યાબીને ઇઝરાયલના વિજયો વિષે સાંભળીને તેણે માદોનના રાજા યોબાબને, શિમ્રોનના રાજાને, આખશાફ રાજાને,

2 તેમજ ઉત્તરના પહાડીપ્રદેશના, ગાલીલ સરોવરની દક્ષિણે યર્દનની ખીણપ્રદેશના, તળેટીના પ્રદેશના અને દોર નજીકના દરિયાકિનારાના રાજાઓને સંદેશો મોકલ્યો.

3 વળી, તેણે યર્દનની પૂર્વ અને પશ્ર્વિમ તરફ વસતા કનાનીઓને, અમોરીઓને, હિત્તીઓને, પરિઝ્ઝીઓને અને પહાડીપ્રદેશના યબૂસીઓને તેમ જ મિસ્પાના પ્રદેશમાં હેર્મોન પર્વતની તળેટીમાં વસતા હિવ્વીઓને પણ સંદેશો મોકલ્યો.

4 તેઓ તેમના સર્વ સૈનિકો લઈને આવી પહોંચ્યા; તેથી એ સૈન્ય સમુદ્રકિનારાની રેતીના કણ જેવું અગણિત હતું. તેમની પાસે ઘણા ઘોડા અને રથો હતા.

5 આ બધા રાજાઓએ ઇઝરાયલની સામે લડવા માટે પોતાનાં લશ્કરી દળો સંગઠિત કરીને આવ્યા અને મેરોમના વહેળા પાસે એકત્ર છાવણી નાખી.

6 પ્રભુએ યહોશુઆને કહ્યું, “તેમનાથી ગભરાઈ જઈશ નહિ. આવતી કાલે આ સમય સુધીમાં તો હું તેમનો સંહાર કરીને તેમને ઇઝરાયલને સ્વાધીન કરી દઈશ.

7 તારે તેમના ઘોડાઓને જાંઘ નસો કાપી નાખી અપંગ બનાવી દેવાના છે અને તેમના રથોને બાળી નાખવાના છે.” તેથી યહોશુઆ અને તેના સર્વ માણસો મેરોમના વહેળા આગળ તેમના પર ઓચિંતા ત્રાટક્યા.

8 પ્રભુએ ઇઝરાયલીઓને તેમના પર વિજય પમાડયો. ઇઝરાયલીઓએ તેમના પર હુમલો કરી ઉત્તરમાં છેક મિસ્રેફોથ-માઈમ અને મોટા સિદોન સુધી અને પૂર્વમાં છેક મિસ્પાની ખીણ સુધી પીછો કર્યો. દુશ્મનોમાંથી એકેય જીવતો ન રહ્યો ત્યાં સુધી લડાઈ ચાલી.

9 પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે યહોશુઆએ કર્યું: તેણે તેમના ઘોડાઓની નસો કાપી નાખીને તેમને અપંગ બનાવી દીધા અને તેમના રથ બાળી નાખ્યા.

10 પછી યહોશુઆએ પાછા ફરીને હાસોર કબજે કર્યું અને તેના રાજાને મારી નાખ્યો. (તે સમયમાં બધાં રાજ્યોમાં હાસોર સૌથી શક્તિશાળી રાજ્ય હતું.)

11 તેમણે સર્વ જીવતાઓની કત્લેઆમ કરી નાખી; એકેયને જીવતું રહેવા દીધું નહિ, અને નગરને બાળીને ભસ્મ કરી નાખ્યું.

12 યહોશુઆએ પ્રભુના સેવક મોશેએ આપેલી આજ્ઞા પ્રમાણે આ બધાં રાજવી નગરો અને તેમનાં ગામ કબજે કર્યાં અને ત્યાંના સૌ કોઈને તલવાર ચલાવી મારી નાખ્યાં.

13 છતાં યહોશુઆએ હાસોર નગરને બાળી નાખ્યું તે સિવાય ઇઝરાયલીઓએ ટેકરા પર આવેલાં અન્ય કોઈ નગરોને બાળી નાખ્યાં નહિ.

14 ઇઝરાયલના લોકોએ એ શહેરોની સર્વ સંપત્તિ અને ઢોરઢાંક પોતાને માટે લૂંટી લીધાં. પણ પ્રત્યેક માણસનો તેમણે સંહાર કર્યો અને એકેયને જીવતું રહેવા દીધું નહિ.

15 પ્રભુએ પોતાના સેવક મોશેને આજ્ઞાઓ આપી હતી અને મોશેએ એ આજ્ઞાઓ યહોશુઆને આપી અને યહોશુઆએ તેમનું પાલન કર્યું. પ્રભુએ મોશેને આપેલી આજ્ઞાઓમાંથી યહોશુઆએ અમલ કર્યા વિના એકપણ આજ્ઞા રહેવા દીધી નહિ.


યહોશુઆએ કબજે કરેલો પ્રદેશ

16 યહોશુઆએ આખો દેશ જીતી લીધો: પહાડી પ્રદેશ, દક્ષિણનો આખો નેગેવનો પ્રદેશ, ગોશેનનો આખો પ્રાંત, પશ્ર્વિમનો તળેટીનો પ્રદેશ, અરાબાનો પ્રદેશ, તળેટીના પ્રદેશસહિત ઇઝરાયલના પર્વતો,

17 સેઈર તરફના હાલાક પર્વતથી શરૂ કરીને હેર્મોન પર્વતની તળેટીમાં આવેલા યર્દનના ખીણપ્રદેશમાં આવેલ બાલ-ગાદ સુધીનો પ્રદેશ. તેણે એ પ્રદેશના બધા રાજાઓને પકડીને તેમને ખતમ કરી નાખ્યા.

18 એ બધા રાજાઓ સાથે યહોશુઆને લાંબો સમય યુદ્ધ કરવું પડયું હતું.

19 માત્ર ગિબ્યોન નગરમાં રહેતા હિવ્વી લોકો સાથે જ ઇઝરાયલના લોકોએ સંધિ કરી; એ સિવાય બાકીના સૌને તેમણે લડાઈમાં જીતી લીધા.

20 એ બધા લોકો ઇઝરાયલની વિરુદ્ધ લડાઈ કરે તે માટે પ્રભુએ તેમનાં મન હઠાગ્રહી બનાવ્યા; જેથી તેમનો સંપૂર્ણ વિનાશ થાય અને તેઓ નિર્દય રીતે માર્યા જાય. પ્રભુએ મોશેને અગાઉ એવું જ કરવા માટે આજ્ઞા આપી હતી.

21 યહોશુઆએ એ જ સમય દરમ્યાન હેબ્રોન, દબીર અને અનાબના પહાડી- પ્રદેશમાં તેમ જ યહૂદિયાના પહાડીપ્રદેશમાં વસતા અનાકીમ વંશના કદાવર લોકોનો અને તેમનાં નગરોનો નાશ કર્યો.

22 ગાઝા, ગાથ અને આશ્દોદ સિવાય ઇઝરાયલ દેશમાં અન્ય કોઈ જગ્યાએ અનાકી જાતિનો કોઈ માણસ બાકી રહ્યો નહિ.

23 પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા અનુસાર યહોશુઆએ આખો દેશ જીતી લીધો. યહોશુઆએ ઇઝરાયલીઓને એ દેશ તેમને પોતાના વતન તરીકે કુળવાર વહેંચી આપ્યો. પછી દેશમાં લડાઈ બંધ થઈ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan