યહોશુઆ 10 - પવિત્ર બાઇબલ C.L.અમોરીઓનો પરાજય 1 હવે યરુશાલેમના રાજા અદોનીસેદેકે સાંભળ્યું કે યહોશુઆએ આયને કબજે કરીને તેનો સંપૂર્ણ નાશ કર્યો છે અને આયના તથા તેના રાજાના હાલ યરીખોના તથા તેના રાજાના હાલ જેવા કર્યા છે; વળી, ગિબ્યોનના લોકોએ પણ ઇઝરાયલીઓ સાથે સલાહશાંતિ કરી લીધાં છે અને તેઓ તેમની સાથે રહે છે, તે પણ તેના સાંભળવામાં આવ્યું. 2 એનાથી યરુશાલેમના લોકો ચોંકી ઊઠયા; કારણ, ગિબ્યોન તો બીજાં રાજવી નગરોના જેટલું જ મોટું હતું; બલ્કે, તે આય કરતાં પણ મોટું હતું અને તેના માણસો સારા લડવૈયા હતા. 3 તેથી અદોનીસેદેકે હેબ્રોનના રાજા હોહામને, યાર્મૂથના રાજા પિરઆમને, લાખીશના રાજા યાફિયાને તથા એગ્લોનના રાજા દબીરને આવો સંદેશો મોકલ્યો: 4 “અહીં આવીને ગિબ્યોન પર આક્રમણ કરવા મને મદદ કરો, કારણ, તેના લોકોએ યહોશુઆ તથા ઇઝરાયલીઓ સાથે સલાહસંપ કરી લીધો છે.” 5 આમ, યરુશાલેમ, હેબ્રોન, યાર્મૂથ, લાખીશ અને એગ્લોન એ પાંચ નગરોના અમોરી રાજાઓએ પોતાનાં લશ્કરીદળો એકત્ર કરી ગિબ્યોનને ઘેરી લીધું અને તેના પર હુમલો કર્યો. 6 ગિબ્યોનના લોકોએ ગિલ્ગાલની છાવણીમાં યહોશુઆને સંદેશો મોકલ્યો: “તમારા દાસોનો તમે ત્યાગ કરશો નહિ; પણ અહીં તાત્કાલિક અમારી મદદે આવો. કારણ, પહાડીપ્રદેશના સર્વ અમોરી રાજાઓ અમારી વિરુદ્ધ એક થઈ અમારા પર ચડી આવ્યા છે.” 7 તેથી યહોશુઆ પોતાની સાથે શ્રેષ્ઠ શૂરવીરો સહિત આખા સૈન્યને લઈને ગિલ્ગાલથી ઉપડયો. પ્રભુએ યહોશુઆને કહ્યું, 8 “તેમનાથી ગભરાઈશ નહિ; મેં તો તને તેમના પર વિજય પમાડી દીધો છે. તારી સામે એમાંનો એકેય ટકી શકવાનો નથી.” 9 યહોશુઆ અને તેનું સૈન્ય ગિલ્ગાલથી ગિબ્યોન સુધી આખી રાત કૂચ કરી પહોંચી ગયા અને અમોરીઓ પર ઓચિંતો હુમલો કર્યો. 10 અમોરીઓએ ઇઝરાયલી સૈન્યને જોયું કે પ્રભુએ તરત જ અમોરીઓમાં આતંક ફેલાવી દીધો. ઇઝરાયલીઓએ ગિબ્યોન આગળ તેમનો મોટો સંહાર કર્યો, અને બેથ-હોરોનના ઘાટ તરફ તેમનો પીછો કર્યો અને દક્ષિણે છેક અઝેકા અને માક્કેદા સુધી તેમના પર હુમલો જારી રાખ્યો. 11 અમોરીઓ ઇઝરાયલી સૈન્ય આગળથી ઘાટમાં થઈને નાસી રહ્યા હતા ત્યારે છેક અઝેકા સુધી પ્રભુએ તેમના પર મોટા કરા વરસાવીને તેમને માર્યા. ઇઝરાયલીઓ દ્વારા જેટલા માર્યા ગયા તેના કરતાં કરાથી માર્યા ગયેલાઓની સંખ્યા વધારે હતી. 12 જે દિવસે પ્રભુએ ઇઝરાયલના માણસોને અમોરીઓ પર વિજય પમાડયો તે દિવસે યહોશુઆએ પ્રભુ સાથે વાત કરી. ઇઝરાયલીઓની હાજરીમાં તેણે કહ્યું, “ઓ સૂર્ય, તું ગિબ્યોન પર રોકાઈ જા. ઓ ચંદ્ર, તું આયાલોનની ખીણ પર થંભી જા.” 13 ઇઝરાયલી લોકોએ પોતાના શત્રુઓને પરાજિત કર્યા ત્યાં સુધી સૂર્ય ગિબ્યોન પર સ્થિર રહ્યો; અને ચંદ્ર પોતાના સ્થાનમાંથી ખસ્યો નહિ. યાશારના પુસ્તકમાં આ વિષે લખેલું છે. સૂર્ય આકાશની મધ્યમાં સ્થિર રહ્યો અને એક આખા દિવસ સુધી આથમ્યો નહિ. 14 પ્રભુ માણસની વાણીને આ રીતે આધીન થયા હોય એવો દિવસ આ પહેલાં કે તે પછી થયો નથી. પ્રભુ ઇઝરાયલના પક્ષમાં રહીને લડયા! 15 તે પછી યહોશુઆ અને તેનું સૈન્ય ગિલ્ગાલમાં તેમની છાવણીમાં પાછાં ગયાં. અમોરીઓના પાંચ રાજાઓનો સંહાર 16 પેલા પાંચ અમોરી રાજાઓ નાસી છૂટયા અને માકકેદામાં આવેલી ગુફામાં સંતાયા. 17 કોઈકે યહોશુઆને જણાવ્યું, “પાંચ રાજાઓ માક્કેદાની ગુફામાં સંતાયા છે.” 18 યહોશુઆએ કહ્યું, “ગુફાના પ્રવેશદ્વાર આગળ મોટા પથ્થર ગબડાવીને મૂકો અને તે પર ચોકીપહેરો મૂકો; પણ તમે બધા ત્યાં જ રોકાઈ રહેશો નહિ. 19 શત્રુની પાછળ પડો અને તેમના પર પાછળથી હુમલો કરો. તેમને તેમનાં નગરોમાં ધૂસી જવા દેતા નહિ. તમારા ઈશ્વર પ્રભુએ તમને તેમના પર વિજય પમાડયો છે.” 20 યહોશુઆ અને તેના માણસોએ ભારે ક્તલ ચલાવીને મોટો સંહાર કર્યો; છતાં તેમાંથી કેટલાક નગરકોટની અંદર સલામત સ્થળે નાસી ગયા અને તેથી માર્યા ગયા નહિ. 21 પછી યહોશુઆના સર્વ માણસો તેની પાસે માક્કેદાની ગુફા પાસે સહીસલામત આવી પહોંચ્યા. દેશમાં ઇઝરાયલીઓ વિરુદ્ધ એક હરફ પણ ઉચ્ચારવાની કોઈનામાં હિમ્મત રહી નહિ. 22 પછી યહોશુઆએ કહ્યું, “ગુફાનું પ્રવેશદ્વાર ખુલ્લું કરો અને પેલા પાંચ રાજાઓને મારી પાસે બહાર લઈ આવો. 23 તેથી ગુફા ઉઘાડવામાં આવી અને યરુશાલેમ, હેબ્રોન, યાર્મૂથ, લાખીશ અને એગ્લોનના એ પાંચ રાજાઓને બહાર લાવવામાં આવ્યા. 24 તેમને યહોશુઆ પાસે લઈ ગયા એટલે યહોશુઆએ ઇઝરાયલના સર્વ માણસોને એકત્ર કર્યા અને તેની સાથે લડાઈમાં ગયેલા લશ્કરી અમલદારોને આવો આદેશ આપ્યો, “આગળ આવો, અને આ રાજાઓની ગરદન પર તમારા પગ મૂકો!” તેથી તેઓ આગળ આવ્યા અને પોતાના પગ તેમની ગરદન પર મૂકયા. 25 પછી યહોશુઆએ પોતાના અમલદારોને કહ્યું, “બીશો નહિ કે હતાશ થશો નહિ, પણ દૃઢ તથા હિમ્મતવાન થાઓ; કારણ, પ્રભુ તમારા સર્વ શત્રુઓને આ જ પ્રમાણે કરશે.” 26 પછી યહોશુઆએ એ પાંચેય રાજાઓને મારી નાખ્યા, અને તેમનાં શબ પાંચ વૃક્ષ પર લટકાવ્યાં; સાંજ સુધી તેમનાં શબ ત્યાં રહ્યાં. 27 સૂર્યાસ્તને સમયે યહોશુઆએ એમનાં શબ ઉતારી લઈને તેઓ જ્યાં સંતાયા હતા તે જ ગુફામાં નાખી દેવા હુકમ કર્યો. એ ગુફાના પ્રવેશદ્વાર આગળ મોટા પથ્થરો મૂકવામાં આવ્યા; જે આજે પણ ત્યાં છે. અમોરીઓના વિશેષ પ્રદેશ પર જીત 28 એ જ દિવસે યહોશુઆએ માક્કેદા પર ચડાઈ કરીને તેને જીતી લીધું અને તેને તથા તેના રાજાને તરવારથી માર્યા. તેણે નગરના સૌ કોઈને મારી નાખ્યાં; એકેયને જીવતું રહેવા દીધું નહિ. તેણે જેવા યરીખોના રાજાના હાલહવાલ કર્યા હતા તેવા જ માક્કેદાના રાજાના પણ કર્યા. 29 તે પછી યહોશુઆ અને ઇઝરાયલી સૈનિકો માક્કેદાથી લિબ્ના ગયા અને લિબ્ના પર ચડાઈ કરી. 30 પ્રભુએ એ નગર તથા તેના લોકો પર પણ ઇઝરાયલીઓને વિજય પમાડયો. તેમણે કોઈને જીવતો રહેવા ન દેતાં તેમાંના પ્રત્યેકને મારી નાખ્યો. તેમણે જેવા યરીખોના રાજાના હાલહવાલ કર્યા હતા તેવા જ તે નગરના રાજાના પણ કર્યા. 31 એ પછી યહોશુઆ અને ઇઝરાયલી સૈનિકો લિબ્નાથી લાખીશ ગયા અને લાખીશને ઘેરો ઘાલીને તેના પર હુમલો કર્યો. 32 પ્રભુએ લડાઈને બીજે દિવસે ઇઝરાયલીઓને લાખીશ પર વિજય પમાડયો. તેમણે લિબ્નામાં કર્યું હતું તે જ રીતે નગરમાં કોઈને જીવતું રહેવા નહિ દેતાં એકેએકને મારી નાખ્યું. 33 ગેઝેરનો રાજા હોરામ લાખીશની મદદે આવ્યો પણ યહોશુઆએ તેનો અને તેના સૈન્યનો પરાજય કર્યો અને એમાંના કોઈને જીવતો રહેવા ન દીધો. 34 એ પછી, યહોશુઆ અને તેના ઇઝરાયલી સૈનિકો લાખીશથી એગ્લોન ગયા અને એગ્લોનને ઘેરો ઘાલીને તેના પર હુમલો કર્યો. 35 એ જ દિવસે તેમણે તેને કબજે કર્યું અને લાખીશની જેમ ત્યાંના પણ બધાં માણસોને મારી નાખ્યાં. 36 એ પછી, યહોશુઆ અને ઇઝરાયલી સૈનિકો એગ્લોનથી પહાડીપ્રદેશમાં આવેલા હેબ્રોનમાં ગયા અને તેના પર હુમલો કર્યો, 37 અને તેને કબજે કર્યું. તેમણે તેના રાજાનો તથા નગર અને આસપાસનાં ગામોમાં વસતા સૌનો સંહાર કર્યો. યહોશુઆએ એગ્લોનની જેમ હેબ્રોનનો પણ સંપૂર્ણ વિનાશ કર્યો; એમાં કોઈને જીવતું રહેવા દીધું નહિ. 38 એ પછી, યહોશુઆ અને ઇઝરાયલી સૈનિકો પાછા ફરીને દબીર ગયા અને તેના પર હુમલો કર્યો. 39 તેણે તેને તેના રાજા તથા આસપાસનાં ગામો સહિત જીતી લીધું. તેમણે ત્યાં બધાંને મારી નાખ્યાં. યહોશુઆએ હેબ્રોન તથા લિબ્ના તથા તેમના રાજાઓના જેવા હાલહવાલ કર્યા હતા તેવા દબીર અને તેના રાજાના પણ કર્યા. 40 આમ, યહોશુઆએ આખો દેશ જીતી લીધો. તેણે પહાડીપ્રદેશના, પૂર્વના ઢોળાવના પ્રદેશના, પશ્ર્વિમના તળેટીના પ્રદેશના અને દક્ષિણના સૂકા પ્રદેશના રાજાઓનો પરાજય કર્યો. ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ આપેલી આજ્ઞા અનુસાર તેણે કોઈને જીવતું રહેવા દીધું નહિ; બલ્કે પ્રાણીમાત્રનો સંહાર કર્યો. 41 યહોશુઆએ કાદેશ-બાર્નિયાથી ગાઝા સુધીનો પ્રદેશ તેમજ ગિબ્યોન સુધીનો આખો ગોશેન પ્રદેશ જીતી લીધો. 42 યહોશુઆએ લડાઈની આ એક જ ઝુંબેશમાં આ બધા રાજાઓ અને તેમના પ્રદેશો જીતી લીધા; કારણ, ઇઝરાયલના ઈશ્વર પ્રભુ ઇઝરાયલને પક્ષે રહીને લડતા હતા. 43 એ પછી યહોશુઆ અને તેના ઇઝરાયલી સૈનિકો ગિલ્ગાલની છાવણીમાં પાછા ફર્યા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide