Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યહોશુઆ 1 - પવિત્ર બાઇબલ C.L.


યહોશુઆને કનાન જીતવાનો આદેશ

1 પ્રભુના સેવક મોશેના મરણ બાદ પ્રભુએ મોશેના મદદનીશ નૂનના દીકરા યહોશુઆ સાથે વાત કરી.

2 તેમણે કહ્યું, “મારો સેવક મોશે મૃત્યુ પામ્યો છે. માટે હવે તું તથા સર્વ ઇઝરાયલી લોકો સજ્જ થાઓ અને હું તમને જે દેશ આપવાનો છું તેમાં યર્દન નદી ઊતરીને જાઓ.

3 મેં મોશેને કહ્યું હતું તેમ તું અને મારા સર્વ લોકો જ્યાં જ્યાં તમે ફરશો તે બધો પ્રદેશ હું તમને આપીશ.

4 દક્ષિણમાં રણપ્રદેશથી શરૂ કરી ઉત્તરમાં લબાનોનના પર્વતો સુધી અને પૂર્વમાં મહાનદી યુફ્રેટિસથી શરૂ કરી હિત્તીઓના સમસ્ત દેશમાં થઈને પશ્ર્વિમમાં ભૂમધ્ય સમુદ્ર સુધી તમારી સરહદ થશે.

5 યહોશુઆ, તને તારા જીવનભર કોઈ હરાવી શકશે નહિ. જેમ હું મોશે સાથે હતો તેમ હું તારી સાથે રહીશ. હું સદા તારી સાથે રહીશ અને તને કદી તજી દઈશ નહિ.

6 બળવાન તથા હિમ્મતવાન થા; કારણ, આ લોકોના પૂર્વજોની આગળ મેં ખાધેલા સોગંદ પ્રમાણે આ દેશનો કબજો સંપાદન કરવામાં તારે તેમના આગેવાન બનવાનું છે.

7 માત્ર એટલું જ કે તું બળવાન તથા હિમ્મતવાન થા; અને મારા સેવક મોશેએ તમને આપેલો નિયમ પૂરેપૂરો પાળવાની તું કાળજી રાખ. તારે એમાંથી લેશમાત્ર ચલિત થવાનું નથી; એમ કરીશ તો તું જ્યાં કહીં જશે ત્યાં સફળ થશે.

8 એ નિયમશાસ્ત્ર તારા મુખમાંથી જવું જોઈએ નહિ. તું દિવસરાત તેનું અયયન કર અને તેમાં લખેલું બધું કાળજીપૂર્વક પાળ એટલે તું સમૃદ્ધ અને સફળ થશે.

9 યાદ રાખ, મેં તને બળવાન તથા હિમ્મતવાન થવાની આજ્ઞા આપી છે; ગભરાઈશ નહિ કે હતાશ થઈશ નહિ. કારણ, જ્યાં કહીં તું જાય ત્યાં હું પ્રભુ તારો ઈશ્વર તારી સાથે છું.”


યહોશુઆએ લોકોને આપેલો આદેશ

10 પછી યહોશુઆએ લોકોના આગેવાનોને આવી સૂચના આપી:

11 છાવણીમાં બધે ફરીને લોકોને કહો કે થોડો ખોરાક તૈયાર કરી લો, કારણ, પ્રભુ તમારા ઈશ્વર તમને જે દેશ વતન તરીકે આપે છે તેને પ્રાપ્ત કરવા માટે તમારે ત્રણ દિવસમાં યર્દન નદી ઓળંગવાની છે.

12 યહોશુઆએ રૂબેન અને ગાદનાં કુળોને અને મનાશ્શાના અર્ધકુળને કહ્યું,

13 પ્રભુના સેવક મોશેએ તમને આપેલી આ આજ્ઞા યાદ કરો કે, ‘તમારા ઈશ્વર પ્રભુએ તમને વસવાટ માટે આ પ્રદેશ આપ્યો છે.’

14 તેથી તમારી પત્નીઓ, તમારાં બાળકો અને તમારાં ઢોરઢાંક મોશેએ તમને યર્દન નદીની પૂર્વ બાજુએ આપેલા પ્રદેશમાં રહે, પણ તમારામાંના સર્વ લડવૈયા પુરુષોએ તો શસ્ત્રસજ્જ થઈને તમારા ઇઝરાયલી બધુંઓને યુદ્ધમાં મદદ કરવા નદી ઓળંગી આગળ જવાનું છે.

15 તમારા ઇઝરાયલી બધુંઓ પણ તમારા ઈશ્વર પ્રભુએ તેમને યર્દનની પશ્ર્વિમમાં આપેલો પ્રદેશ કબજે કરી લે, અને તમારી જેમ તેમને પણ સહીસલામત વસવાટ પ્રાપ્ત થઈ જાય, ત્યાર પછી તમે પાછા આવીને પ્રભુના સેવક મોશેએ તમને યર્દનની પૂર્વમાં આપેલા આ પ્રદેશમાં વસવાટ કરજો.”

16 તેમણે યહોશુઆને કહ્યું, “તેં અમને કહ્યું તે પ્રમાણે અમે બધું કરીશું અને તું જ્યાં કહીં અમને મોકલે ત્યાં અમે જઈશું.

17 અમે જેમ મોશેને આધીન હતા તેમ તને પણ હમેશાં આધીન રહીશું. તારા ઈશ્વર પ્રભુ જેમ મોશે સાથે હતા તેમ તે તારી સાથે પણ રહો!

18 જો કોઈ તારા આદેશ વિરુધ બંડ કરે અને તારા હુકમોની અવગણના કરે, પછી તે ગમે તે હોય, તો પણ તે માર્યો જાય. માત્ર એટલું જ કે તું બળવાન તથા હિમ્મતવાન થા.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan