યૂના 3 - પવિત્ર બાઇબલ C.L.યોનાનો સંદેશ 1 યોના પાસે ફરીવાર પ્રભુનો સંદેશો આવ્યો: 2 “ઊઠ, મહાનગરી નિનવેમાં જઈને મેં તને આપેલા સંદેશનો પોકાર કર.” 3 પ્રભુની આજ્ઞા પ્રમાણે યોના ઊઠીને નિનવે ગયો. નિનવે તો એટલું મોટું શહેર હતું કે તેમાં થઈને પસાર થતાં ત્રણ દિવસ લાગે. 4 શહેરમાં એક દિવસ જેટલું ચાલ્યા પછી યોનાએ પોકાર કર્યો: “ચાલીસ દિવસ પછી નિનવેનો નાશ થશે.” 5 નિનવેના લોકોએ પ્રભુનો સંદેશ માન્યો. તેમણે જાહેરાત કરી કે નાનાંમોટાં સૌએ ઉપવાસ કરવો અને કંતાન ઓઢીને પશ્ર્વાતાપ દાખવવો. 6 એ સમાચાર સાંભળીને નિનવેનો રાજા પણ પોતાની ગાદી પરથી ઊતરી પડયો, પોતાનો રાજવી પોષાક ઉતારી નાખ્યો અને કંતાનનાં વસ્ત્ર પહેરી રાખમાં બેઠો. 7 તેણે નિનવેના લોકોમાં આવું જાહેરનામું બહાર પાડયું: “રાજા અને તેમના અમલદારોનો આ આદેશ છે: કોઈએ કંઈ ખાવાનું નથી. લોકો, ઢોરઢાંક કે ઘેટાંને ખાવાપીવાની મનાઈ છે. 8 સઘળા લોકો અને પશુઓએ કંતાનનાં વસ્ત્ર ધારણ કરવાં. સૌએ ઈશ્વર આગળ ખરા દિલથી પ્રાર્થના કરવી, અને પોતાના દુષ્ટ માર્ગો તથા જુલમ તજી દેવાં. 9 કદાચ, ઈશ્વર પોતાનો વિચાર બદલે, તેમનો કોપ અટકાવે અને આપણે નાશમાંથી ઊગરી જઈએ.” 10 લોકોએ પોતાનાં દુષ્કર્મો છોડી દીધાં છે એ જોઈને ઈશ્વરને અનુકંપા ઊપજી અને વિનાશ કરવાનું માંડી વાળ્યું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide