યૂના 2 - પવિત્ર બાઇબલ C.L.યોનાની પ્રાર્થના 1 યોનાએ માછલીના પેટમાંથી પોતાના ઈશ્વર પ્રભુને પ્રાર્થના કરી: 2 “હે પ્રભુ, મારા સંકટમાં મેં તમને હાંક મારી એટલે તમે મને જવાબ આપ્યો. મૃત્યુલોક શેઓલના ઊંડાણમાંથી મેં પોકાર કર્યો એટલે તમે મારું સાંભળ્યું. 3 તમે મને પાતાળમાં, દરિયાના છેક તળિયે ફેંકી દીધો. ત્યાં મારી ચારેબાજુ પાણી હતાં અને તમારાં જોરદાર મોજાં મારા પર ફરી વળ્યાં હતાં. 4 મેં કહ્યું: મને તમારી હાજરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે, ત્યારે શું હું તમારું પવિત્ર મંદિર ફરી જોઈ શકીશ? 5 પાણીના ઘેરાવથી હું ગૂંગળાઈ ગયો, અને હું દરિયામાં પૂરેપૂરો ડૂબી ગયો, અને મારા માથા પર દરિયાઈ છોડ વીંટળાઈ ગયા. 6 હું છેક પર્વતોના તળિયે, હા, મને સદાને માટે કેદ કરી દેનાર દુનિયામાં આવી પડયો. પણ હે પ્રભુ, મારા ઈશ્વર, તમે મને ઊંડાણમાંથી ઉગારી લીધો. 7 હું મરવાની અણી પર આવી પહોંચ્યો ત્યારે હે પ્રભુ, મેં તમારું સ્મરણ કર્યું, અને તમારા પવિત્ર મંદિરમાંથી તમે મારી પ્રાર્થના માન્ય કરી. 8 વ્યર્થ મૂર્તિઓની પૂજા કરનારા તમને વફાદાર નથી, 9 પણ હું તો તમારાં સ્તોત્ર ગાઈશ, તમને અર્પણ ચઢાવીશ, અને મારું વચન પૂરું કરીશ. ઉદ્ધાર તો પ્રભુ તરફથી જ મળે છે!” 10 પ્રભુની આજ્ઞાથી માછલીએ યોનાને કિનારા પર ઓકી કાઢયો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide