Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યૂના 1 - પવિત્ર બાઇબલ C.L.


દરિયામાં તોફાન

1 અમિત્તાયના પુત્ર યોનાને પ્રભુનો આવો સંદેશ મળ્યો:

2 “ઊઠ, મોટા શહેર નિનવે જા અને તેની વિરુદ્ધ પોકાર, કારણ, તેના લોકોની દુષ્ટતા હું જાણું છું.”

3 પણ યોના તો પ્રભુથી દૂર નાસી જવા ઊલટી દિશામાં જવા તૈયાર થયો. તે જોપ્પા ગયો. ત્યાં તેને તાર્શીશ જતું વહાણ મળી ગયું. પ્રભુથી દૂર નાસી છૂટવા તે ભાડું આપીને તેમાં ખલાસીઓ સાથે બેસી ગયો.

4 પણ પ્રભુએ દરિયામાં ભારે વાવાઝોડું મોકલ્યું. તોફાનને લીધે વહાણ ભાંગી પડવાના જોખમમાં આવી પડયું.

5 બધા ખલાસીઓ ગભરાઈ ગયા અને પોતપોતાના દેવને પ્રાર્થના કરવા લાગ્યા. વહાણને હલકું કરવા માટે તેમણે તેમાંનો માલસામાન દરિયામાં ફેંકી દીધો. તે દરમ્યાન યોના તો વહાણના સૌથી નીચેના ભાગમાં ઘસઘસાટ ઊંઘતો હતો.

6 વહાણના કપ્તાને ત્યાં જઈને તેને કહ્યું, “અરે, તું ઊંઘે છે? ઊઠ, તારા ઈશ્વરને પ્રાર્થના કર કે તે આપણા પર દયા કરે અને આપણો નાશ ન થાય.”

7 ખલાસીઓએ એકબીજાને કહ્યું, “ચાલો, આપણે ચિઠ્ઠીઓ નાખીને શોધી કાઢીએ કે કોને લીધે આપણા પર આ આફત આવી પડી છે.” તેવું કરતાં યોનાનું નામ નીકળ્યું.

8 તેથી તેમણે તેને પૂછયું, “તો હવે અમને જણાવ કે આને માટે કોણ દોષિત છે? તું અહીં શું કરે છે? ક્યાંથી આવે છે? તું ક્યા દેશનો છે? તું કઈ પ્રજાનો છે?”

9 યોનાએ જવાબ આપ્યો, “હું હિબ્રૂ છું. આકાશના ઈશ્વર, સમુદ્ર તથા કોરી ભૂમિના સર્જક પ્રભુનો ઉપાસક છું.”

10 વિશેષમાં યોનાએ તેમને કહ્યું કે તે પ્રભુથી દૂર નાસી જતો હતો. ખલાસીઓ ગભરાઈ ગયા અને કહેવા લાગ્યા, “તેં આ કેવું ભયાનક ક્મ કર્યું છે.

11 દરિયામાં તોફાન વધતું જતું હોવાથી ખલાસીઓએ યોનાને પૂછયું, “અમારે માટે દરિયો શાંત થાય તે માટે અમે તને શું કરીએ?”

12 તેણે કહ્યું, “મને દરિયામાં ફેંકી દો એટલે તે શાંત થઈ જશે. મને ખબર છે કે મારે લીધે જ તમારા પર આ ભયંકર આફત આવી પડી છે.”

13 એમ કરવાને બદલે, ખલાસીઓએ વહાણને કિનારે લઈ જવા માટે ઘણાં હલેસાં માર્યાં, પણ વધારે ને વધારે તોફાન થવાથી તેઓ તેમ કરવામાં ફાવ્યા નહિ.

14 તેથી તેમણે પ્રભુને પોકાર કર્યો: “હે પ્રભુ, અમે તમને વિનવીએ છીએ કે આ માણસના મોતને લીધે અમારો નાશ કરતા નહિ, નિર્દોષની હત્યા કરવા સંબંધી તમે અમને દોષિત ગણશો નહિ. કારણ, તમે જ તમારી ઇચ્છા પ્રમાણે આ બધું કર્યું છે.”

15 પછી તેમણે યોનાને ઊંચકીને દરિયામાં ફેંકી દીધો એટલે તોફાન તરત જ શમી ગયું.

16 ખલાસીઓને પ્રભુનો એટલો ડર લાગ્યો કે તેમણે તેમને બલિદાન આપ્યું અને તેમની સેવા કરવા માનતાઓ લીધી.

17 પ્રભુએ એક મોટી માછલીને યોનાને ગળી જવા હુકમ કર્યો. તે માછલીના પેટમાં યોના ત્રણ દિવસ અને ત્રણ રાત રહ્યો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan