Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યોએલ 3 - પવિત્ર બાઇબલ C.L.


પ્રભુ પ્રજાઓનો ન્યાય કરશે

1 પ્રભુ કહે છે, “તે સમયે હું યહૂદિયા અને યરુશાલેમની સમૃદ્ધિનું પુન: સંસ્થાપન કરીશ.

2 હું સર્વ પ્રજાઓને યહોશાફાટ [અર્થાત્ ન્યાયૃની ખીણમાં લઈ આવીશ. મારા લોકો પર તેમણે જે વિતાડયું છે તેને લીધે હું ત્યાં તેમનો ન્યાય કરીશ. તેમણે ઇઝરાયલી લોકોને વિદેશોમાં વિખેરી નાખ્યા છે અને મારા દેશ ઇઝરાયલને વહેંચી લીધો છે.

3 તેમણે પાસાં ફેંકીને બંદિવાનો વહેંચી લીધા અને વેશ્યાગમન અને શરાબને માટે તેમણે છોકરાં છોકરીઓને ગુલામ તરીકે વેચ્યાં છે.

4 “હે તૂર, સિદોન અને સમગ્ર પલિસ્તિયા, તમે મને શું કરવા માગો છો? શું તમે મને કશાકનું ચુકવણું કરવા માગો છો. જો એમ હોય તો હું તમને તે તરત ચૂકવી દઈશ!

5 તમે મારું સોનુંરૂપું પચાવી પાડયું છે અને મારો સમૃદ્ધ ખજાનો તમારા દેવમંદિરોમાં ઢસડી ગયા છો.

6 તમે યહૂદિયા અને યરુશાલેમના લોકોને તેમના પોતાના દેશમાંથી લઈ જઈને તેમને ગ્રીકોને વેચી દીધા છે.

7 હવે તમે તેમને જ્યાં વેચી દીધા છે તે સ્થાનોમાં હું તેમને મુક્ત કરીશ. તમે તેમના પ્રત્યે જેવું વર્તન દાખવ્યું છે તેવું જ વર્તન હું તમારા પ્રત્યે દાખવીશ.

8 હું તમારા પુત્રો અને પુત્રીઓને યહૂદિયાના લોકોને વેચાતા અપાવીશ અને તેઓ તેમને દૂર દેશના શેબાના લોકોને વેચી દેશે. હું પ્રભુ એ બોલ્યો છું.

9 પ્રજાઓમાં આ જાહેરાત કરો: ‘યુદ્ધને માટે સજ્જ થાઓ; તમારા યોદ્ધાઓને તેડાવો; તમારા સર્વ સૈનિકોને એકત્ર કરી કૂચ કરો!

10 તમારા હળની પૂણીઓ ટીપીને તેમની તલવારો બનાવો અને તમારાં સોરવાનાં સાધનોના ભાલા બનાવો. તમારામાં સૌથી દુર્બળ હોય તે પણ લડાઈમાં ઊતરે.

11 હે આસપાસની પ્રજાઓ, જલદી કરો, ખીણમાં આવીને એકત્ર થાઓ.” હે પ્રભુ, તેમના પર તૂટી પડવા તમારા સૈન્યને મોકલો!

12 પ્રજાઓએ સજ્જ થઈ યહોશાફાટ [અર્થાત્ ન્યાયૃની ખીણમાં આવવું જ જોઈએ. ત્યાં હું પ્રભુ આસપાસની સર્વ પ્રજાઓનો ન્યાય કરવા બેસીશ.

13 તેઓ તો નર્યા દુષ્ટ છે, તેમને કાપણી સમયના ધાન્યની જેમ લણી લો. ભરેલા દ્રાક્ષાકુંડમાંથી દ્રાક્ષાસવ વહેવા લાગે ત્યાં સુધી જેમ દ્રાક્ષોને ખૂંદવામાં આવે છે તેમ તેમને કચડી નાખો.

14 ન્યાયની ખીણમાં હજારોહજાર ભેગાં થયાં છે. ત્યાં જ પ્રભુનો દિવસ જલદીથી આવશે.

15 સૂર્ય અને ચંદ્ર અંધકારમય થઈ જશે અને તારાઓ પ્રકાશશે નહિ.


પ્રભુ પોતાના લોકને આશિષ આપશે

16 સિયોન પર્વતમાંથી પ્રભુ ગર્જના કરે છે: યરુશાલેમમાંથી તેમની વાણી ગરજે છે; અને પૃથ્વી તથા આકાશ કાંપે છે. પણ તે પોતાના લોકનું તો રક્ષણ કરશે.

17 “હે ઇઝરાયલ, ત્યારે તું જાણશે કે હું પ્રભુ તારો ઈશ્વર છું. હું સિયોન પર, મારા પવિત્ર પર્વત પર વસું છું. યરુશાલેમ પવિત્ર નગર બનશે અને વિદેશીઓ તેને ફરી ક્યારેય જીતી લેશે નહિ.”

18 તે સમયે પર્વતો દ્રાક્ષવાડીઓથી છવાઈ જશે અને પ્રત્યેક ટેકરી પર ઢોરઢાંક હશે, સમગ્ર યહૂદિયા માટે પુષ્કળ પાણી ઉપલબ્ધ હશે. પ્રભુના મંદિરમાંથી એક ઝરણું વહેતું થશે અને અખાયા ખીણને પાણી પાશે.

19 ઇજિપ્ત રણ બની જશે અને અદોમ વેરાન ખંડિયેર બની જશે, કારણ, તેમણે યહૂદિયાના લોકો પર આક્રમણ કરીને તેમાં નિર્દોષ માણસોને મારી નાખ્યા.

20-21 હું માર્યા ગયેલા સૌનો બદલો લઈશ; દોષિતને હું શિક્ષા કર્યા સિવાય રહેવા દઈશ નહિ. પણ યહૂદિયા અને યરુશાલેમમાં તો સદાકાળ માટે વસવાટ થશે, અને હું પ્રભુ સિયોન પર્વત પર રહીશ.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan