યોએલ 2 - પવિત્ર બાઇબલ C.L.પ્રભુના દિવસની ચેતવણી 1 સિયોન પર્વત પર, ઈશ્વરના પવિત્ર પર્વત પર, રણશિંગડું વગાડો; ચેતવણીનું બ્યુગલ વગાડો. હે યહૂદિયાના લોકો, કાંપો, કારણ, પ્રભુનો દિવસ જલદી આવી રહ્યો છે. 2 એ તો અંધારાનો અને ઉદાસીનતાનો, કાળો અને વાદળાંવાળો દિવસ હશે. પર્વતો પર પથરાઈ જતા અંધકારની જેમ તીડોનું મોટું સૈન્ય આગળ વધી રહ્યું છે. એના જેવું કદી થયું નથી કે હવે થવાનું નથી. 3 તેઓ અગ્નિની જેમ છોડવાઓ ભરખી જાય છે. તેમની આગળ જુઓ તો દેશ એદનવાડી જેવો લાગે; પણ તેમની પાછળ તે વેરાન રણ બની જાય છે. એમનાથી કશું બાકી રહી જતું નથી. 4 તેઓ ઘોડાઓ જેવા લાગે છે. તેઓ લડાઈના અશ્વોની જેમ દોડે છે. 5 પર્વતોનાં શિખરો પર કૂદકા મારતાં તેઓ રથોના ગડગડાટ જેવો અવાજ કરે છે, સળગતા સૂકા ઘાસની જેમ તેઓ તડ તડ અવાજ કરે છે. યુદ્ધને માટે સજ્જ સૈન્યની જેમ તેઓ હારબંધ રહે છે. 6 તેઓ જેમ આગળ વધે છે તેમ સૌ કોઈ ગભરાઈ જાય છે, પ્રત્યેક ચહેરો ફિક્કો પડી જાય છે. 7 તેઓ લડવૈયાની જેમ હલ્લો કરે છે. સૈનિકોની જેમ તેઓ દીવાલ પર ચડી જાય છે. તેઓ સૌ સીધાં આગેકૂચ કરે છે, કોઈ પોતાની દિશા બદલતું નથી, 8 કે એકબીજાના માર્ગમાં આડે આવતું નથી. તેઓ સંરક્ષણની આડશોમાં થઈને પાર જાય છે અને કશાથી તેમને રોકી શક્તાં નથી. 9 તેઓ શહેર તરફ ધસે છે, તેઓ દીવાલો પર દોડે છે, તેઓ ઘરો પર ચડી જાય છે અને ચોરની માફક બારીઓમાં થઈને અંદર ધૂસી જાય છે. 10 તેમની આગેકૂચ થતાં ધરતી ધ્રૂજે છે અને આકાશ થરથરે છે. સૂર્ય અને ચંદ્ર ઝાંખા પડી જાય છે અને તારાઓ ઝબૂક્તા મટી જાય છે. 11 પ્રભુ ગર્જનાસહિત પોતાના સૈન્યને હુકમ કરે છે. તેમને આધીન થતી લશ્કરી ટુકડીઓ શક્તિશાળી અને સંખ્યાબંધ છે. પ્રભુનો દિવસ કેવો ભયંકર છે! તેનાથી કોણ બચી શકશે? પાપથી પાછા ફરવાનો પડકાર 12 પ્રભુ કહે છે, “હજી પણ તમે ખરા દિલથી તમારા પાપથી પાછા ફરો અને ઉપવાસ, વિલાપ અને રુદન સાથે મારી તરફ ફરો. 13 તમારાં ભગ્ન હૃદયોમાં શોક છે એવું દેખાવા દો, કારણ, તમે માત્ર તમારાં વસ્ત્રો ફાડો એટલું પૂરતું નથી. પ્રભુ, તમારા ઈશ્વર પાસે પાછા આવો. તે દયાળુ અને કરુણાથી ભરપૂર છે. તે ધીરજવાન છે અને પોતાનું વચન પાળે છે; તે શિક્ષા નહિ, પણ ક્ષમા કરવાને હમેશાં તત્પર છે. 14 પ્રભુ તમારા ઈશ્વર પોતાનું મન કદાચ બદલે અને તમને વિપુલ પાકથી આશીર્વાદિત કરે. ત્યારે તો તમે તેમને ધાન્ય અને દ્રાક્ષાસવનાં અર્પણો ચઢાવી શકશો. 15 સિયોન પર્વત પર રણશિંગડું વગાડો; ઉપવાસનો આદેશ આપો અને સભા બોલાવો. 16 લોકોને એકત્ર કરો; તેમને પવિત્રસભા માટે તૈયાર કરો: વૃદ્ધોને લાવો; બાળકોને એકત્ર કરો. અરે, ધાવણાં બાળકોને પણ લાવો. નવપરિણીત દંપતી પણ પોતાનાં ઘર છોડીને આવે. 17 વેદી અને મંદિરના પ્રવેશદ્વાર વચ્ચે રહીને પ્રભુની સેવા કરનારા યજ્ઞકારો વિલાપ સાથે પ્રાર્થના કરે: “પ્રભુ, તમારા લોક પર દયા દર્શાવો, જેથી ‘તેમનો ઈશ્વર ક્યાં છે?’ એમ કહીને અન્ય પ્રજાઓ અમારો તિરસ્કાર કે મશ્કરી ન કરે.” પ્રભુ દેશને ફરી ફળદ્રુપ કરે છે 18 પછી પ્રભુએ પોતાના દેશ પ્રત્યે દરકાર દાખવી; પોતાના લોકો પર દયા દર્શાવી. 19 તેમણે તેમને જવાબ આપ્યો: “હવે હું તમને ધાન્ય, દ્રાક્ષાસવ અને ઓલિવ તેલ આપીશ, અને તમે તૃપ્ત થશો. બીજી પ્રજાઓ હવે તમારો તુચ્છકાર નહિ કરે. 20 ઉત્તરમાંથી આવેલ તીડના સૈન્યને હું દૂર કરીશ; એમાંના કેટલાકને હું રણમાં નસાડી મૂકીશ. તેમની આગલી હારોનાં તીડ મૃત સમુદ્રમાં અને પાછલી હારોનાં તીડ ભૂમધ્ય સમુદ્રમાં ડૂબી જશે. તેમના મૃતદેહો ગંધાઈ ઊઠશે. તેમણે તમને કરેલા નુક્સાનને લીધે હું તેમનો નાશ કરીશ. 21 હે ખેતરો, ભય ન પામો, પણ પ્રભુએ તમારે માટે કરેલાં કાર્યોને લીધે આનંદિત અને ઉલ્લાસી થાઓ.” 22 પ્રાણીઓ, તમે પણ ગભરાશો નહિ, ઘાસનાં મેદાન લીલાંછમ છે; વૃક્ષોને ફળ લાગે છે, અને ઢગલાબંધ દ્રાક્ષો અને અંજીર થયાં છે. 23 હે સિયોનવાસીઓ, આનંદ કરો, તમારા ઈશ્વર પ્રભુને લીધે હર્ષ પામો; કારણ, તેમણે શરદઋતુનો પૂરતો વરસાદ સમયસર આપ્યો છે. તે તમને નિયત સમયે શરદઋતુનો તેમ જ વસંતઋતુનો વરસાદ આપતા રહેશે. 24 અનાજનાં ખળાં અનાજથી ભરાઈ જશે, પીલવાના કુંડ પાસેના ખાડાઓ દ્રાક્ષાસવ અને ઓલિવ તેલથી ઊભરાઈ જશે. 25 તીડોનાં ટોળાં તમારો પાક ખાઈ ગયાં તે વર્ષોમાં તમે જે ગુમાવ્યું હતું તે હું તમને પાછું આપીશ. તમારી વિરુદ્ધ મેં જ એ સૈન્યને મોકલ્યું હતું. 26 હવે તમારી પાસે ધરાઇને ખાવા માટે પુષ્કળ ખોરાક છે. તમારે માટે અદ્ભુત કાર્યો કરનાર તમારા ઈશ્વર પ્રભુની તમે સ્તુતિ કરશો. મારા લોક ફરી કદી તિરસ્કાર પામશે નહિ. 27 ત્યારે હે ઇઝરાયલ, તું જાણશે કે હું તમારી મધ્યે છું, અને હું યાહવે તમારો ઈશ્વર છું, અને મારા સિવાય બીજો કોઈ નથી. મારા લોક ફરી કદી તિરસ્કાર પામશે નહિ. પ્રભુનો દિવસ 28 આખરી દિવસોમાં એમ થશે કે હું સર્વ માનવજાત પર મારો આત્મા રેડી દઇશ; તમારા પુત્રો અને પુત્રીઓ મારો સંદેશ પ્રગટ કરશે; તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે, અને તમારા જુવાનોને સંદર્શનો થશે. 29 તે સમયે હું મારો આત્મા સેવકો ઉપર, પુરુષો અને સ્ત્રીઓ બન્ને ઉપર રેડી દઈશ. 30 આકાશમાં અને પૃથ્વી ઉપર હું ચેતવણીનાં ચિહ્નો દેખાડીશ; રક્તપાત, અગ્નિ અને ધૂમાડાનાં વાદળો થશે. 31 પ્રભુનો એ મહાન અને ભયંકર દિવસ આવ્યા પહેલાં સૂર્ય અંધરાઈ જશે અને ચંદ્ર રક્ત સમાન લાલ બની જશે. 32 પણ યાહવેને નામે સહાયને માટે વિનંતી કરનાર સૌ કોઈ બચી જશે. પ્રભુએ કહ્યું છે તેમ, “યરુશાલેમમાંથી કેટલાક બચી જશે; જેમને હું પસંદ કરું તેઓ બચી જશે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide