યોએલ 1 - પવિત્ર બાઇબલ C.L.1 પથુએલના પુત્ર યોએલને પ્રભુ તરફથી મળેલો આ સંદેશ છે. નિષ્ફળ ગયેલા પાક માટે વિલાપ 2 હે વયોવૃદ્ધ લોકો, લક્ષ દો, યહૂદિયામાંનું સૌ કોઈ સાંભળે. તમારા કે તમારા પૂર્વજોના સમયમાં આના જેવું ક્યારેય બન્યું છે? 3 તમે તે તમારાં સંતાનોને જણાવો; તેઓ તેમનાં સંતાનોને અને તેમનાં સંતાનો પછીની પેઢીને એ વિષે કહેશે. 4 તીડોનાં ટોળેટોળાં પાક પર બેઠાં; એક ટોળાએ જે બાકી રાખ્યું, તે બીજા ટોળાએ કાતરી ખાધું. 5 હે નશાબાજો, જાગો અને વિલાપ કરો; હે શરાબીઓ, પોક મૂકો. નવો દ્રાક્ષાસવ બનાવવા માટેની દ્રાક્ષોનો નાશ થયો છે. 6 તીડોનાં સૈન્યે આપણા દેશ પર આક્રમણ કર્યું છે; તેઓ શક્તિશાળી અને સંખ્યાબંધ છે; તેમના દાંત સિંહના દાંત જેવા તીક્ષ્ણ છે. 7 તેમણે આપણા દ્રાક્ષવેલાઓનો નાશ કર્યો છે અને આપણી અંજીરીઓ કરડી ખાધી છે. ડાળીઓ સફેદ દેખાય ત્યાં સુધી તેમણે તેમની છાલ ઉખાડી ખાધી છે. 8 પોતાના ભાવિ પતિના મરણને લીધે શોક્તુર એવી કન્યાની જેમ હે લોકો, તમે પોક મૂકીને રડો. 9 મંદિરમાં અર્પણ કરવા માટે કંઈ ધાન્ય કે દ્રાક્ષાસવ રહ્યાં નથી; પ્રભુને ચઢાવવાનાં અર્પણો ન હોવાથી યજ્ઞકારો ઝૂરે છે. 10 ખેતરો પાકવિહોણાં છે; ધાન્યનો નાશ થયો હોવાથી ધરતી ઝૂરે છે. દ્રાક્ષો સુકાઈ ગઈ છે અને ઓલિવવૃક્ષો કરમાઈ ગયાં છે. 11 હે ખેડૂતો, દુ:ખી થાઓ, હે દ્રાક્ષવાડીના રખેવાળો, તમે પોક મૂકો, કારણ, ઘઉં અને જવ, અરે સઘળા પાકનો નાશ થયો છે. 12 દ્રાક્ષવેલા અને અંજીરીઓ ચિમળાઈ ગયાં છે; બધાં ફળાઉ વૃક્ષો સુકાઈને મરી ગયાં છે. લોકોનો આનંદ અલોપ થયો છે. 13 હે વેદીઓ આગળ સેવા કરનારા યજ્ઞકારો, કંતાન પહેરીને વિલાપ કરો! મંદિરમાં જઈને આખી રાત રુદન કરો! તમારા ઈશ્વરને અર્પણ કરવા માટે કંઈ ધાન્ય કે દ્રાક્ષાસવ રહ્યાં નથી. 14 ઉપવાસનો આદેશ આપો; સભા બોલાવો! તમારા ઈશ્વર પ્રભુના મંદિરમાં આગેવાનો અને યહૂદિયાના સર્વ લોકોને એકઠા કરીને પ્રભુને પોકાર કરો! 15 પ્રભુનો દિવસ, એવો દિવસ કે જ્યારે સર્વસમર્થ વિનાશ લાવશે, તે નજીક છે. એ દિવસ કેવી ભયંકરતા લાવશે! 16 આપણા પાકનો નાશ થયો હોઈ આપણે નિ:સહાય છીએ. આપણા ઈશ્વરના મંદિરમાં કોઈ આનંદ નથી. 17 સૂકી ભૂમિમાં બીજ સુકાઈને મરી જાય છે. સંગ્રહ કરવા માટે કોઈ અનાજ જ નથી, તેથી ખાલી કોઠારો ભંગાર હાલતમાં છે. 18 પશુઓ ત્રાસ પામી ભાંભરે છે, કારણ, તેમને માટે ચારો નથી; ઘેટાંનાં ટોળાં પણ સહન કરી રહ્યાં છે. 19 હે પ્રભુ, હું તમને પોકારું છું. કારણ, ચરિયાણ અને વૃક્ષો સુકાઈ ગયાં છે, જાણે કે અગ્નિમાં બાળી નંખાયાં ન હોય! 20 વન્યપશુઓ પણ તમને હાંક મારે છે. કારણ, ઝરણાં સુકાઈ ગયાં છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide