Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 9 - પવિત્ર બાઇબલ C.L.


યોબનું વક્તવ્ય

1 તે પછી યોબે પ્રત્યુત્તર આપતાં કહ્યું;

2 અલબત્ત, એ બધું તો હું જાણું છું, પરંતુ માણસ ઈશ્વર સમક્ષ કઈ રીતે નિર્દોષ ઠરી શકે?

3 જો કોઈ તેમની સાથે વિવાદ કરવા ચાહે તો તેમના હજારમાંથી એકપણ પ્રશ્ર્નનો ઉત્તર કોણ આપી શકે?

4 એ તો સર્વજ્ઞ અને સર્વસમર્થ છે; તેમની સામે પડીને કોણ સફળ થઈ શકે?

5 તે પહાડોને અચાનક ખસેડી નાખે છે, અને પોતાના કોપમાં તેમને ઉથલાવી નાખે છે.

6 તે ધરતીને તેના સ્થાનમાંથી હચમચાવે છે અને પૃથ્વીના આધારસ્તંભો કંપે છે.

7 તે સૂર્યને આજ્ઞા કરે તો તે ઊગતો નથી અને તે તારાગણનો પ્રકાશ રોકી દે છે.

8 તે એકલે હાથે આકાશોને વિસ્તારે છે, અને સમુદ્રનાં મોજાં ખૂંદી નાખે છે.

9 સપ્તર્ષિ, મૃગશીર્ષ, કૃત્તિકાનાં નક્ષત્રો અને દક્ષિણના તારાગણોના તે સર્જનહાર છે.

10 ઈશ્વરનાં કાર્યો મહાન અને અગમ્ય છે; તેમના અજાયબ ચમત્કારો અગણિત છે.

11 ઈશ્વર મારી નજીકથી પસાર થાય તો પણ હું તેમને જોતો નથી. તે મારી આગળ જાય તો પણ મને દેખાતા નથી.

12 જો તે કંઈ ઝૂંટવી લેવા માગે તો પણ તેમને કોણ અટકાવી શકે? અથવા ‘આ શું કરી રહ્યા છો?’ એમ કહેવાની હિંમત કોણ કરી શકે?

13 કોઈ આવા ઈશ્વરનો કોપ પાછો વાળી શકે નહિ. અરે, જળરાક્ષસ રાહાબના સાથીદારો પણ તેમનાં ચરણો નીચે કચડાયેલા છે.

14 તો પછી હું કોણ કે તેમને યોગ્ય જવાબ આપી શકું, અને મારી દલીલો રજૂ કરી શકું?

15 જો હું નિર્દોષ હોઉં તો પણ તેમની આગળ હું દલીલ નહિ કરું; મારા ન્યાયાધીશ ઈશ્વર પાસે તો માત્ર ક્ષમાની યાચના જ કરું!

16 જો તે મારી વિનંતીથી હાજર થયા હોત, તો પણ તેમણે મારી ફરિયાદ સાંભળી હોત કે કેમ તે માન્યામાં આવતું નથી.

17 તે તો મને ઝંઝાવાતથી કચડી નાખે છે અને વિનાકારણ મારા ઘા વધારે છે.

18 તે મને શ્વાસ પણ લેવા દેતા નથી અને તે મારા જીવને કડવાશથી ભરી દે છે.

19 જો હું તેમની સામે બળનો પ્રયોગ કરું, તો જુઓ, તે તો કેવા બળવાન છે! જો હું તેમના પર દાવો માંડુ, તો કોણ તેમને હાજર થવા ફરમાવે?

20 કદાપિ હું નિર્દોષ હોઉં તો પણ મારા જ મુખે તે મને દોષિત ઠરાવે! કદાપિ હું ભોળો હોઉ તો પણ તે મને કુટિલ ઠરાવે!

21 હું નિર્દોષ છું. હવે મને મારી જાતની દરકાર નથી. કારણ, આ જિંદગીથી હું ત્રાસી ગયો છું.

22 એ બધું એકનું એક છે, તેથી હું બોલી ઊઠું છું: ‘ઈશ્વર નિર્દોષ કે અપરાધી સૌનો નાશ કરે છે!’

23 જ્યારે કોઈ કુદરતી આફત મૃત્યુ લાવે છે ત્યારે નિર્દોષ જનોની અવદશાની તે મજાક ઉડાવે છે.

24 જ્યારે કોઈ દેશ દુષ્ટોના હાથમાં પડે છે ત્યારે ઈશ્વર તેના ન્યાયાધીશોને અંધ બનાવે છે. એવું કરનાર ઈશ્વર વિના બીજું કોણ હોય?

25 મારા દિવસો ઝડપી ખેપિયા કરતાંય વિશેષ વેગે પસાર થાય છે; તેઓ ઊડી જાય છે અને એમાં સુખની ઝાંખી સરખી ય નથી.

26 પાણીમાં સરક્તી બરુની હલકી હોડીઓની જેમ, અને શિકાર પર તરાપ મારતા ગરૂડની જેમ તેઓ વેગે ચાલ્યા જાય છે.

27 જો હું મારી વિપત્તિને વીસરી જવાનો પ્રયત્ન કરું, જો મારી ઉદાસીનતા દબાવી દઈ હસમુખો દેખાવાનો યત્ન કરું,

28 તો મારાં દુ:ખો મને ડરાવે છે! કારણ, મને ખાતરી છે કે તમે મને નિર્દોષ ગણવાના નથી.

29 જો હું દોષિત ઠરવાનો જ હોઉં તો મારે શા માટે નકામી મહેનત કરવી?

30 જો હું ગાળેલા શુદ્ધ પાણીથી સ્નાન કરું, અને ઘસી ઘસીને મારા હાથ સાફ કરું,

31 તો પણ તમે મને કીચડમાં જ રગદોળશો, અને મારાં મલીન વસ્ત્રો પણ મને ધૂત્કારશે.

32 ઈશ્વર કંઈ માણસ નથી કે હું તેમને પડકારું કે, “તો ચાલો, અદાલતે જઈને ન્યાય મેળવીએ!”

33 અમારા બન્‍ને વચ્ચે કોઈ મયસ્થ પણ નથી કે, જે અમારા બન્‍ને પર હાથ મૂકીને સમાધાન કરાવે.

34 હે ઈશ્વર, તમારી સોટી મારાથી દૂર રાખો, અને મને ડરાવો નહિ.

35 ત્યારે તો હું નિર્ભયતાથી બોલીશ; કારણ, હું જાતે કંઈ ગુનેગાર નથી.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan