Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 8 - પવિત્ર બાઇબલ C.L.


બિલ્દાદનું વક્તવ્ય

1 તે પછી બિલ્દાદ શૂહીએ પ્રત્યુત્તર આપતાં કહ્યું,

2 “યોબ, ક્યાં સુધી તું લવારો કર્યા કરીશ? શું તારા મુખના શબ્દો તોફાની ઝંઝાવાતની જેમ ફુંક્યા જ કરશે?

3 શું ઈશ્વર ન્યાયને કદી મચડે છે? શું સર્વસમર્થ ઈનસાફને વિકૃત કરે છે?

4 તારાં સંતાનોએ ઈશ્વર વિરૂદ્ધ પાપ કર્યું હશે, અને તેથી જ ઈશ્વરે તેમને તેમના અપરાધોની સજા કરી.

5 હવે જો તું ખંતથી ઈશ્વરની શોધ કરશે, અને સર્વસમર્થને દયા માટે યાચના કરશે;

6 જો તું વિશુદ્ધ અને પ્રામાણિક હશે તો ઈશ્વર તારી વહારે ધાશે,

7 અને તને તારા હક્કનું નિવાસસ્થાન પાછું આપશે. તારી પાછલી સમૃદ્ધિ એવી વધી જશે કે તારી ભૂતકાળની સમૃદ્ધિ એની આગળ જૂજ લાગશે.

8 કૃપા કરી પાછલી પેઢીઓને પૂછી જો, અને પૂર્વજોનાં સંશોધન લક્ષમાં લે.

9-10 એમાંથી જરૂર તને કંઈક શીખવાનું મળશે; એમનાં કથનો એમની કોઠાસૂઝ બતાવશે. કેમ કે આપણે તો આજકાલના છીએ અને કંઈ જાણતા નથી; અને પૃથ્વી પરનું આપણું આયુષ્ય છાયા જેવું છે.

11 શું ક્દવ વિના બરૂ ઊગી શકે? શું એની સળીઓ પાણી વિના પાંગરી શકે?

12 હજુ તો તે વધી રહ્યું હોય અને કપાયું ન હોય, ત્યાં તો પાણી વિના તે ઘાસનીય પહેલાં સુકાઈ જાય છે.

13 ઈશ્વરને વીસરી જનારના એવા જ હાલ થાય છે, અને ઈશ્વર વિરોધીઓની આશા નષ્ટ થાય છે.

14 કારણ, એવા લોકોની શ્રદ્ધા જાણે પાતળા તંતુ પર, અને એમનો આધાર જાણે કરોળિયાનાં જાળાં પર હોય છે.

15 તેઓ જાળાં પર આધાર રાખે છે પણ તે છૂટી જાય છે, તેઓ તેને વળગી રહે છે પણ તે ટકી શકતું નથી.

16 તેઓ તો સૂર્યપ્રકાશમાં પાંગરેલા લીલાછમ વેલા જેવા છે: જેની ડાળીઓ આખા બગીચામાં ફરી વળે છે;

17 તે પોતાનાં મૂળિયાં ખડકની આજુબાજુ વિંટાળે છે, અને પથ્થરોના ઢગલાને પણ જકડી લે છે.

18 પણ જ્યારે એ વેલો તેની જગામાંથી ઉખેડી નંખાય છે, ત્યારે એ ત્યાં હતો કે નહિ તેની કોઈને ખબર પણ પડશે નહિ.

19 તેની હયાતીના સમય પૂરતો જ તેનો આનંદ હોય છે. પછી તેની જગાએ બીજા છોડ ઊગી નીકળે છે.

20 પણ ઈશ્વર કદી નિર્દોષ વ્યક્તિનો ત્યાગ કરશે નહિ, કે દુષ્ટોનો હાથ પકડશે નહિ.

21 હજીય ઈશ્વર તારું મુખ હાસ્યથી ભરી દેશે, અને તારા હોઠ આનંદના પોકાર કરશે;

22 જ્યારે તારા શત્રુઓ લજ્જાથી ઢંકાશે, અને દુષ્ટોના તંબુઓનો વિનાશ થશે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan