અયૂબ 7 - પવિત્ર બાઇબલ C.L.1 “માણસનું પૃથ્વી પરનું જીવન સતત સંઘર્ષનું નથી? શું એના દિવસો મજૂરના દિવસો જેવા નથી? 2 ગુલામ છાંયડાની ઝંખના કરે છે, અને કામદાર આતુરતાથી વેતનની રાહ જુએ છે. 3 એની જેમ મારે પણ મહિનાઓ વ્યર્થતામાં વીતાવવા પડે છે અને મારે ફાળે ગમગીનીની રાતો આવી છે. 4 સૂતી વેળાએ હું વિચારે ચડું છું કે, ‘સવાર ક્યારે થશે?’ પણ રાત લંબાયા કરે છે અને સૂર્યોદય થતાં સુધી હું પડખાં ફેરવ્યા કરું છું. 5 મારું શરીર કીડાઓ અને ક્દવથી ઢંક્યેલું છે. મારાં ભીંગડાં ફાટે છે અને તેમાંથી પરું વહે છે. 6 વણકરના કાંટલા કરતાં ય મારા દિવસો વધુ ઝડપથી પસાર થાય છે, અને કોઈ પણ આશા વિના તેમનો અંત આવે છે. 7 હે ઈશ્વર, સંભારો તો ખરા કે મારી જિંદગી એક ફૂંક જેવી છે. મારી આંખો ફરી કદીય સુખ જોનાર નથી. 8 મારા પર સતત નજર રાખનાર આંખ પછી ક્યારેય મારી ચોકી કરશે નહિ; તમારી આંખો મને શોધશે, પણ હું હયાત હોઈશ નહિ. 9 વાદળ વેરાઈ જઈને લોપ થઈ જાય છે, તેમજ મૃત્યુલોક શેઓલમાં ઊતરનાર પાછા ઉપર આવતા નથી. 10 મૃત્યુ પામેલો માણસ પોતાને ઘેર પાછો આવશે નહિ, તેનું ઘર પણ તેને વીસરી જશે! 11 તેથી હું મૌન રહી શક્તો નથી. મારા અંતરની તીવ્ર વેદના જ મને બોલવા પ્રેરે છે, મારા પ્રાણની કડવાશ જ મારી પાસે ફરિયાદ કરાવે છે. 12 હું તે શું સમુદ્ર કે જલરાક્ષસ લિવયાથાન છું કે તમે મારા પર પહેરો મૂકો છો? 13 જો હું વિચારું કે મારી પથારી તો મને શાંતિ આપશે કે મારો પલંગ મારા સંતાપને હળવો કરશે, 14 ત્યારે તમે મને દુ:સ્વપ્નોથી ગભરાવો છો, અને ભયાનક સંદર્શનોથી થથરાવો છો! 15 એથી તો મને ફાંસીએ લટકાઈ જવાનું, અને આ કંટાળાજનક વેદના કરતાં મોતને ભેટવાનું મન થાય છે. 16 હું ત્રાસી ગયો છું. મારે ઝાંઝુ જીવવું જ નથી. મારો પીછો છોડો, કારણ, મારી જિંદગી વ્યર્થ છે. 17 માનવી તે કોણ કે તમે તેને આટલું મહત્ત્વ આપો છો? અને તેના પર તમારું ચિત્ત લગાડો છો? 18 કે રોજ સવારે તમે તેની તપાસ રાખો છો? અને પળેપળ તેની પારખ કરો છો? 19 શું તમે એક ક્ષણભર પણ તમારી દષ્ટિ મારા પરથી ઉઠાવી લેશો નહિ, અને મને થૂંક ગળવા જેટલો પણ અવકાશ નહિ આપો? 20 હે માનવજાતના ચોકીદાર, મેં પાપ કર્યું હોય તો એમાં મેં જ તમારું શું બગાડયું છે, કે તમે મને તમારા તાકવાનું નિશાન બનાવ્યો છે? શું હું જ તમારે માટે બોજારૂપ છું? 21 શા માટે તમે મારા અપરાધ ક્ષમા કરતા નથી, અને મારો દોષ દૂર કરતા નથી? કારણ, હું ધૂળમાં પોઢી જાઉં તે પછી તો તમે મને શોધશો, પણ હું હયાત નહિ હોઉં.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide