અયૂબ 6 - પવિત્ર બાઇબલ C.L.યોબનું વક્તવ્ય 1 તે પછી યોબે તેનો પ્રત્યુત્તર આપતાં કહ્યું, 2 “જો મારી વેદનાને તોલવામાં આવે, અને મારા સમગ્ર દુ:ખને ત્રાજવામાં મૂકવામાં આવે; 3 તો તે સમુદ્રકાંઠાની રેતી કરતાં વધારે વજનદાર થાય. તેથી મારા આવેશી શબ્દોથી આશ્ર્વર્ય પામશો નહિ. 4 સર્વસમર્થનાં બાણ મારા અભ્યંતરમાં વાગ્યાં છે, એ બાણોને પાયેલું વિષ મારામાં વ્યાપી ગયું છે. ઈશ્વરના આતંકો મારી સામે લડવાને ક્તારબદ્ધ ઊભા છે. 5 લીલું ઘાસ મળતું હોય ત્યારે જંગલી ગધેડો ભૂંકે ખરો? ચારો મળતો હોય ત્યારે બળદ બરાડે ખરો? 6 ફિક્કો ખોરાક મીઠું નાખ્યા વગર ખવાય ખરો? અથવા ઈંડાની સફેદીમાં કંઈ સ્વાદ હોય ખરો? 7 પણ ભૂખમાં યે જેને અડવાનું ય મન ન થાય એવા ખોરાક જેવી તમારી વાતો છે; અને પાછા મારી બીમારીમાં યે એ જ વાતો મારા આહાર તરીકે પીરસો છો? 8 અરે, મારી વિનંતી સાંભળવામાં આવે, અને જે માટે હું તડપું છે તે ઈશ્વર મને બક્ષે તો કેવું સારું! 9 એટલે, ઈશ્વર મને કચડી નાખવા રાજી થાય અને મને છૂટે હાથે રહેંસી નાખે તો કેવું સારું? 10 તો તો મને ઘણી રાહત થાય; એ કારમી ક્તલમાં યે હું મસ્ત થઈશ. કારણ, મેં ઈશ્વરના શબ્દો ઉથાપ્યા નથી. 11 કારણ, મારામાં એવી શક્તિ ક્યાં છે કે હું આશા રાખું? અને મારું ભાવિ એવું તો કેવું છે કે હું ધીરજ રાખું? 12 શું મારી સહનશક્તિ પથ્થરોની સહનશક્તિ જેવી છે? શું મારું શરીર તાંબાનું બનેલું છે? 13 શું હું જાતે તદ્દન લાચાર નથી? મેં તો મારી કાર્યદક્ષતા ગુમાવી છે. 14 હતાશ થયેલા માણસ પ્રત્યે તેના મિત્રે હમદર્દી દાખવવી જોઈએ, નહિ તો તે સર્વસમર્થના ભયનો ત્યાગ કરશે. 15 પરંતુ મારા મિત્રો તો સુકાઈ જતા ઝરણા જેવા ઠગારા નીવડયા છે. વરસાદ હોય ત્યારે તો તે છલકાઈ જાય છે. 16 અથવા બરફ પીગળે ત્યારે અને હિમ ઓગળે ત્યારે પૂરથી ઊભરાય છે. 17 પરંતુ સૂકી ઋતુમાં તેનું વહેણ અટકી જાય છે, અને ઉનાળાની ગરમીમાં તો તે સાવ અદશ્ય થઈ જાય છે. 18 એવાં ઝરણાંઓને લીધે વણઝાર પોતાનો માર્ગ બદલે છે, અને રણપ્રદેશમાં ભટકી જઈને તેઓ નાશ પામે છે. 19 તેમાં નગરના કાફલા પાણીનાં ઝરણાંની શોધ કરે છે, અને શેબાના સોદાગરો તેમને માટે ઝંખે છે. 20 તેમણે તેમના પર આધાર રાખ્યો, તેથી લજ્જિત થયા અને તેઓ તેમની પાસે પહોંચીને ભોંઠા પડે છે. 21 હવે તમે પણ મારે માટે એવા બન્યા છો. મારો ભયંકર ચિતાર જોઈને તમે ગભરાઈ જાઓ છો. 22 શું મેં કદી કહ્યું છે કે, ‘મને કંઈ આપો’ કે ‘તમારા ધનમાંથી મારે માટે મુક્તિમૂલ્ય ચૂકવો?’ 23 કે ‘શત્રુના હાથમાંથી મને ઉગારો’ કે ‘ઘાતકી માણસોના પાશમાંથી મને છોડાવો.’ 24 મારી ભૂલ શી છે તે મને સમજાવો, એટલે, હું ચૂપ થઈ જઈશ. 25 સત્ય કથનો કેવાં સચોટ હોય છે! પણ તમારી દલીલો તો વાહિયાત છે. 26 તમે તમારા શબ્દોથી મને ઠપકો આપવા માંગો છો, પણ મારા નિરાશાના શબ્દો તમને બકવાસ લાગે છે! 27 તમે તો અનાથને માટે ચિઠ્ઠીઓ નાખો એવા છો; અરે, મિત્રોને પણ વેચી મારો તેવા છો! 28 હવે મહેરબાની કરીને મારી તરફ જુઓ; કારણ, તમારી આગળ હું જૂઠું બોલવાનો નથી. 29 બસ, હવે અન્યાય કરશો નહિ. હવે બહુ થયું. કારણ, મારો દાવો વાજબી છે. 30 મારી જીભે હું કંઈ ખોટું બોલું છું? સાચુંખોટું પારખવાની શક્તિ મારામાં નથી? |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide