Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 5 - પવિત્ર બાઇબલ C.L.

1 તો યોબ, તું હાંક મારી જો; તને કોઈ પ્રત્યુત્તર આપનાર છે? તું હવે કયા દેવદૂતને શરણે જઈશ?

2 રીસ મૂર્ખની હત્યા કરે છે, અને ઈર્ષ્યા અબુધને હણી નાખે છે.

3 મેં મૂર્ખને ઠરીઠામ થયેલો જોયો છે; તેમ જ તે પછી તેના નિવાસસ્થાન પર અચાનક શાપ ઊતરતો જોયો છે.

4 તેનાં સંતાનો તદ્દન લાચાર હોય છે, તેઓ પરેશાન થાય છે; કારણ, નગરના ન્યાયપંચમાંય તેમની હિમાયત કરનાર કોઈ નથી.

5 તેના વાડવાળા ખેતરમાંથીયે ભૂખ્યાજનો તેનો પાક ખાઈ જાય છે; જ્યારે તરસ્યા માણસો તેમના પશુધનની દૂધ માટે લાલસા રાખે છે.

6 આપત્તિ કંઈ ધરતીમાંથી ઊગતી નથી, અથવા સંકટ ભૂમિમાંથી ફૂટતું નથી.

7 પરંતુ જેમ અગ્નિના તણખા ઊડીને ઊંચે જ જાય છે, તેમ માનવી પણ સંકટને માટે સરજાયો છે.

8 જો હું તારી જગ્યાએ હોઉં તો ઈશ્વરને શરણે જાઉં અને તેમને જ મારો મુકદમો સોંપી દઉં.

9 ઈશ્વરનાં કાર્યો મહાન અને અગમ્ય છે; તેમના અજાયબ ચમત્કારો અગણિત છે.

10 તે ધરતી પર વરસાદ મોકલે છે અને ખેતરોને પાણીથી સિંચે છે.

11 તે નમ્રજનોને ઉન્‍નત કરે છે અને શોક્તિ જનોને સલામતીને શિખરે પહોંચાડે છે.

12 તે પ્રપંચીઓના પેંતરાને ઊંધા વાળે છે અને તેમના હાથનાં કાર્યો સફળ થવા દેતા નથી.

13 તે ચાલબાજોને તેમની ચાલાકીમાં પકડી પાડે છે અને કપટીઓના કાવાદાવાને ઉથલાવી નાખે છે. ધોળે દહાડે તેઓ અંધકારમાં આથડે છે;

14 ભરબપોરે પણ જાણે રાત્રિ હોય તેમ તેઓ ફાંફાં મારે છે.

15 ઈશ્વર લાચારોને તલવારથી ઉગારે છે; અને કંગાળોને બળવાનોના હાથમાંથી છોડાવે છે.

16 તેથી ગરીબોમાં આશા ઉત્પન્‍ન થાય છે અને અન્યાયનું મુખ બંધ કરાય છે.

17 ઈશ્વર જેને શિસ્તમાં રાખે તેને ધન્ય છે. તેથી સર્વસમર્થની શિક્ષાની ઉપેક્ષા ન કર.

18 કારણ, તે ઘાયલ કરે છે, તો પાટો પણ બાંધે છે. તેમના હાથ ઈજા પહોંચાડે તો તે ઘા રૂઝવે પણ છે.

19 છ સંકટોમાંથી તે તને બચાવશે; સાત સંકટમાં તને કંઈ હાનિ થશે નહિ.

20 દુકાળમાં તે તને મૃત્યુથી બચાવશે, અને યુદ્ધ સમયે તલવારના ઝાટકાથી ઉગારશે.

21 જીભના શાપના વીંઝાતા કોરડાથી તે તને સલામત રાખશે, અને વિનાશ આવે ત્યારે પણ તું ડરીશ નહિ.

22 જુલમ અને ભૂખમરાને તું હસી કાઢીશ અને પૃથ્વીનાં હિંસક પશુઓથી તું ડરીશ નહિ.

23 તારા ખેતરોના પથરા તારા મિત્ર બની રહેશે અને જંગલી જનાવરો તારી સાથે સલાહસંપથી વર્તશે.

24 તું તારા તંબૂમાં સલામતી અનુભવશે, અને તારા વાડામાં તપાસ કરશે, તો કોઈ ઘેટું ખોવાયેલું માલૂમ નહિ પડે.

25 તું જાણશે કે તારા વંશજો પુષ્કળ છે, અને ગોચરમાંના ઘાસની જેમ તારો વંશવેલો વૃદ્ધિ પામશે.

26 પાકેલ ધાન્યનો પૂળો મોસમે ખળામાં લવાય છે તેમ પાકટ વયે તું મૃત્યુ પામશે.

27 અમે આ બધું ચક્સી જોયું છે કે તે સાચું છે. તો હવે, તું એ સાંભળ અને તારા હિતાર્થે તેનો સ્વીકાર કર.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan