અયૂબ 42 - પવિત્ર બાઇબલ C.L.યોબનો આખરી એકરાર 1 તે પછી યોબે પ્રભુને પ્રત્યુત્તર આપતાં કહ્યું, 2 “પ્રભુ, હું કબૂલ કરું છું કે તમે સર્વશક્તિમાન છો! તમારા ઈરાદાને કોઈથી અવરોધી શકાય નહિ. 3 ‘અબુધપણામાં મારા દૈવી પ્રબંધને ઢાંકી દેનાર આ કોણ છે?’ એવું તમે જે પૂછયું તે સાચું છે. કારણ, તેથી તો હું સમજતો નહોતો તેવી બાબતો વિષે બોલ્યો; એ બાબતો એવી અદ્ભુત છે કે હું તે સમજી શક્યો નહિ. 4 પ્રભુ, તમે એવું પણ કહ્યું કે, ‘સાંભળ અને મને બોલવા દે, મારા પ્રશ્ર્નોનો ઉત્તર આપ.’ 5 મેં તો મારે કાને તમારા વિષે બીજાઓ પાસેથી સાંભળ્યું હતું, પણ હવે મારી આંખે તમને રૂબરૂ નિહાળું છું. 6 તેથી મારા શબ્દોને લીધે મને મારા પર નફરત થાય છે, અને ધૂળ તથા રાખમાં બેસીને શોક કરું છું.” ઉપસંહાર 7 યોબ સાથે સંવાદ પૂરો કર્યા પછી પ્રભુએ એલિફાઝ તેમાનીને કહ્યું, “તારા પર અને તારા બે મિત્રો પર મને ક્રોધ ચઢયો છે; કારણ, તમે મારા સેવક યોબની જેમ મારે વિષે સાચું બોલ્યા નથી. 8 તેથી હવે સાત આખલા અને સાત ઘેટા લઈને યોબ પાસે જાઓ અને તમારા તરફથી તેમને દહનબલિ તરીકે ચડાવો. પછી મારો ભક્ત યોબ તમારે માટે પ્રાર્થના કરશે અને હું તેની પ્રાર્થના સાંભળીશ અને તમારી સાથે તમારી મૂર્ખતા પ્રમાણે વર્તીશ નહિ. કારણ, મારા ભક્ત યોબની જેમ તમે મારા વિષે સાચું બોલ્યા નથી. 9 તેથી એલિફાઝ તેમાની, બિલ્દાદ શૂહી તથા સોફાર નાઅમાથી પ્રભુની આજ્ઞા પ્રમાણે યોબ પાસે ગયા અને તેમણે અર્પણો ચડાવ્યાં અને પ્રભુએ યોબની પ્રાર્થના સ્વીકારી. 10 યોબે તેના મિત્રોને માટે પ્રાર્થના કરી. તે પછી પ્રભુએ તેને ફરીથી આબાદ કર્યો અને પહેલાં હતી તે કરતાં બમણી સમૃદ્ધિ બક્ષી. 11 યોબના બધા ભાઈઓ, તેની બધી બહેનો અને સઘળા પરિચિતો તેની મુલાકાતે આવ્યા અને તેના ઘરમાં તેની સાથે મિજબાની માણી. તેમણે યોબ પ્રત્યે તેમની સહાનુભૂતિ દર્શાવી અને પ્રભુએ જે વિપત્તિ તેના પર ઊતારી હતી તે અંગે તેને સાંત્વન આપ્યું. દરેક જણે તેને એક ક્સીતા સિક્કો અને સોનાની વીંટી આપ્યાં. 12 પ્રભુએ યોબને તેની આગલી અવસ્થાના કરતાં તેની પાછળની અવસ્થામાં વિશેષ આશીર્વાદ આપ્યો. હવે તેની પાસે ચૌદ હજાર ઘેટાં, છ હજાર ઊંટ, બળદની એક હજાર જોડ અને હજાર ગધેડીઓ થયાં. 13 તેને સાત પુત્રો અને ત્રણ પુત્રીઓ થયાં. 14 તેણે સૌથી મોટી પુત્રીનું નામ યમીમા, બીજીનું નામ કેસીયા અને ત્રીજીનું નામ કેરેન-હાપુખ પાડયું. 15 આખા દેશમાં યોબની પુત્રીઓ જેવી સ્વરૂપવાન અન્ય કોઈ યુવતીઓ નહોતી અને તેમના પિતાએ તેમને પણ તેમના ભાઈઓ સાથે વારસામાં હિસ્સો આપ્યો. 16 આ પછી યોબ બીજાં એક્સો ચાલીસ વર્ષ સુધી જીવ્યો અને પોતાના પુત્રો તથા ત્રીજી અને ચોથી પેઢીનાં સંતાનો જોઈ શક્યો. 17 પછી યોબ વયોવૃદ્ધ થઈ ઘણી પાકટ વયે મૃત્યુ પામ્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide