અયૂબ 41 - પવિત્ર બાઇબલ C.L.લિવયાથાન (અથવા વ્હેલ કે મગરમચ્છ) 1 શું તું લેવિયાથાનને ગલથી ખેંચી કાઢી શકે? અથવા તેની જીભને દોરીથી બાંધી શકે? 2 શું તું તેનું નાક દોરડાથી નાથી શકે? કે તેના જડબાને આંકડાથી વીંધી શકે? 3 શું તે તારાથી છૂટવા તને કરગરશે? અથવા શું તે મીઠી મીઠી વાતોથી તને ખુશ કરશે? 4 શું તે તારો કાયમનો ગુલામ થઈ તારી સાથે રહેવા કરાર કરશે? 5 શું તું તેને પક્ષીની જેમ રમાડી શકે? અથવા તારી કુમારિકાઓ માટે તેને લગામ પહેરાવશે? 6 શું વેપારીઓ તેને માટે સોદાબાજી કરશે? અને માછીમારો વેચાણ કરવા તેના ટુકડા કરશે? 7 શું તું તેનાં ભીંગડાને કાંટાળા ભાલાથી અને તેના મસ્તકને ભાલાથી વીંધી શકે? 8 એક વાર એને અડકી તો જો; પછી જે યુદ્ધ મચે તેને યાદ કરીને તું ક્યારેય ફરી એવું નહિ કરે. 9 એને કબજે કરવાની આશા વ્યર્થ છે. એને જોઈને જ કોઈ ઢળી પડતો નથી? 10 કોઈ તેને છંછેડે ત્યારે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે, કોઈની મગદૂર છે કે તેની સામે ઊભો રહે? 11 તેના પર હુમલો કરીને કોણ સલામત રહી શકે? આખા આભ નીચે એવું કોઈ છે? 12 તેનાં અંગઉપાંગો, તેના અજાયબ બળની વાત, અને તેની સુડોળ ક્યા વિષે કહેતાં હું ખચકાઈશ નહિ. 13 તેનું ઉપલું પડ કોણ ઉતરડી શકે? અને તેના બેવડા બખ્તરને કોણ વીંધી શકે? 14 તેના જડબાનાં દ્વાર કોણ ઉઘાડી શકે? તેના મુખમાં ચારે બાજુ ભયાનક દાંત છે. 15 તેની પીઠ તો ઢાલ જેવાં ભીંગડાંની બનેલી છે, અને તેનાં ભીંગડાં એકબીજા સાથે સજ્જડ ચોંટેલાં છે. 16 તેઓ એકબીજા સાથે એવી ઘનિષ્ઠતાથી જોડાયેલાં છે કે તેમની વચ્ચે હવા જાય તેટલો ય અવકાશ નથી. 17 તેઓ એકબીજા સાથે એવી સખત રીતે ભીડાયેલાં છે, કે તેઓ એકબીજાને જકડી રાખે છે અને છૂટાં પાડી શકાય નહિ. 18 તેનાં નસકોરાંની છીંકથી વીજળી ચમકે છે, અને તેની આંખો પ્રભાતના સૂર્ય જેવી તગતગે છે. 19 તેના મુખમાંથી અગ્નિજ્વાળા ભભૂકે છે, અને અગ્નિના તણખાનો ફૂવારો વછૂટે છે. 20 ઉકળતા પાત્રમાંથી નીકળતી વરાળ અને બળતા લાકડાંમાંથી નીકળતા ધૂમાડાની જેમ તેનો ઉષ્ણ શ્વાસ ફૂંક્ય છે. 21 તેના શ્વાસથી કોયલા સળગી ઊઠે છે, અને તેના મુખમાંથી ભડકા નીકળે છે. 22 તેનું બળ તેની ગરદનમાં છે, અને તેની આગળ આતંક વ્યાપે છે. 23 તેના શરીરની ઘડીઓ એકબીજાને ચોંટેલી છે, અને તેનાં હાડકાં પર ખસેડી ન શકાય તેમ જડેલી છે. 24 તેનું હૃદય કાઢમીંઢ પથ્થર જેવું કઠણ હોય છે; અરે, ઘંટીના નીચલા પડ જેવું દઢ હોય છે. 25 તેના આતંક સામે બળવાનો ભયભીત થાય છે, અને બેબાકળા થઈને ભોંય ભેગા થાય છે. 26 કોઈ તેને તલવારનો ઝટકો મારે તો તેને કંઈ અસર થતી નથી; તેમજ ભાલો, બાણ કે બરછી - કોઈ શસ્ત્ર તેને ઈજા કરી શકશે નહિ. 27 લોખંડ તેને માટે પરાળ જેવું તકલાદી, અને તાંબુ તેને માટે સડેલા લાકડા જેવું નરમ છે. 28 કોઈ બાણ તેને નસાડી શકતું નથી, ગોફણથી ફેંકેલા પથ્થરો તેને માટે ભૂંસા જેવા બની જાય છે. 29 ડાંગોને પણ તે લાકડાના છોલ જેવી નબળી ગણે છે, અને ભાલાઓના ખણખણાટને તે હસી કાઢે છે. 30 તેના પેટ પરનાં ભીંગડાં અણીદાર ઠીકરાં જેવાં છે; ક્દવની ઉપર તે અનાજ મસળવાના યંત્રની જેમ વિચરે છે. 31 તે ઊંડાં પાણીને હાલ્લાંની જેમ ઉકાળે છે, અને દરિયાને ડહોળે છે. 32 તે પોતાની પાછળ પ્રકાશિત શેરડા પાડે છે, અને પાતાળનાં પાણી સફેદ ફીણવાળાં કરી નાખે છે. 33 આ પૃથ્વી પર તેના જેવું કોઈ અન્ય પ્રાણી નથી, તેના સરખું નિર્ભય પ્રાણી બીજું એકેય નથી. 34 ગર્વિષ્ઠમાં ગર્વિષ્ઠ પ્રાણીઓને પણ તે હલકાં ગણે છે, તે સઘળાં જંગલી પ્રાણીઓનો રાજા છે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide