અયૂબ 40 - પવિત્ર બાઇબલ C.L.બીજો સંવાદ: યોબને ઈશ્વરનો પડકાર 1 પ્રભુએ યોબને પ્રત્યુત્તર આપતાં કહ્યું: 2 “સર્વસમર્થ પર દોષ મૂકનાર હવે વિવાદ કરવા માગે છે? ઈશ્વર સાથે વિવાદમાં ઊતરનાર શું હવે ઉત્તર આપશે?” 3 ત્યારે યોબે પ્રભુને પ્રત્યુત્તર આપતાં કહ્યું કે, 4 “પ્રભુ, મારી શી વિસાત કે હું તમને ઉત્તર આપું? મારા મુખ પર હાથ મૂકીને હું મૌન ધારણ કરું છું. 5 એક વાર બોલ્યો, પણ હવે બોલીશ નહિ; બે વાર બોલ્યો છું, પણ હવે આગળ જરાય બોલીશ નહિ.” 6 તે પછી પ્રભુએ યોબને વંટોળમાંથી પ્રત્યુત્તર આપતાં કહ્યું: 7 “હવે કમર કાસીને મરદની જેમ ઊભો થા, અને મારા પ્રશ્ર્નોનો ઉત્તર આપ. 8 મારા ચુકાદાને શું તું નકામો ઠરાવીશ? પોતાને નેક ઠરાવવા શું તું મને દોષિત ઠરાવીશ? 9 શું તારી પાસે ઈશ્વરના જેવા બળવાન ભુજ છે? શું તેમના સાદ જેવી ગર્જના તું કરી શકે છે? 10 જો એમ હોય તો ભવ્યતા અને મહત્તાથી સજ્જ થા, તથા ગૌરવ અને પ્રતાપ ધારણ કર. 11 ઈશ્વરની જેમ તારા કોપનો ઊભરો ઠાલવ, અને દરેક અહંકારી જન તરફ આંખ કાઢીને તેને નમાવી દે. 12 પ્રત્યેક ગર્વિષ્ઠને તું પાડી નાખ, દુષ્ટો જ્યાં ઊભા હોય ત્યાં જ તેમને કચડી નાખ. 13 બધા દુષ્ટોને તું ધૂળમાં દાટી દે, અને મૃત્યુલોક શેઓલમાં તેમનાં મુખ ઢાંકી દે. 14 ત્યારે હું તારે વિષે કબૂલ કરીશ કે તારા જમણા હાથે તને વિજય અપાવ્યો છે.” બહેમોથ (અથવા હિપોપોટેમસ) 15 “વિશાળ બહેમોથને નિહાળ, તારી જેમ તેને પણ મેં જ સર્જ્યો છે; તે બળદની માફક ઘાસ ખાય છે. 16 જો તેની કમરમાં કેવી પ્રચંડ શક્તિ છે, અને તેના પેટના સ્નાયુઓમાં કેવું બળ છે! 17 તે તેની પૂંછડી ગંધતરુ સમાન ટટાર બનાવે છે, અને તેની જાંઘના સ્નાયુઓ એકબીજા સાથે ગુંથાયેલા હોય છે. 18 તેનાં હાડકાં તાંબાની નળી જેવાં મજબૂત છે, અને તેની પાંસળીઓ લોખંડના પાટા જેવી સખત છે. 19 ઈશ્વરની કૃતિઓમાં તે અગ્રિમ છે, માત્ર તેના સર્જક તેના પર તલવાર ચલાવી શકે. 20 જ્યાં સર્વ રાની પશુઓ રાચે છે તેવા પર્વતો પર તેને માટે ખોરાક ઊપજે છે. 21 તે કાંટાળા ઝેલવૃક્ષની ઝાડીમાં અને ભેજવાળી જગાઓમાં ઊગેલા બરૂઓમાં પડી રહે છે. 22 ઝેલવૃક્ષની ઝાડીનો છાંયો તેને ઢાંકે છે, અને ઝરણા પાસે ઊગેલા વેલા તેને વીંટળાઈ વળે છે. 23 નદીનાં તોફાની વમળોથી તે ગભરાતો નથી, અને યર્દન નદીનાં પૂર તેના મોં સુધી પહોંચે તોપણ તે નિશ્ર્વિંત રહે છે. 24 તેની નજર ચુકાવીને તેને કોણ પકડી શકે? અથવા કોણ તેના નાકમાં ગલ પરોવી શકે? |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide