અયૂબ 4 - પવિત્ર બાઇબલ C.L.પ્રથમ સંવાદ ( 4:1—14:22 ) એલિફાઝનું વક્તવ્ય 1 ત્યારે એલિફાઝ તેમાનીએ ઉત્તર આપતાં કહ્યું: 2 “જો કોઈ તને એક બે શબ્દ કહેવાની હિંમત કરે, તો તારાથી સહન થશે? પણ બોલ્યા વગર તો કોણ રહી શકે? 3 તેં તો ઘણાને શિખામણ આપી છે; તેં નિર્બળ હાથવાળાને સબળ કર્યા છે. 4 તારા શબ્દોએ ઠોકર ખાનારાઓને ટેકો આપ્યો છે; લથડતા ધૂંટણોવાળાને તેં સહારો આપ્યો છે. 5 પરંતુ હવે તારા પર વિપત્તિ આવી પડી છે ત્યારે તું શિથિલ બની જાય છે. તે તને સ્પર્શે છે એટલે તું ગભરાઈ જાય છે. 6 શું તને તારી નિષ્ઠા પર ભરોસો નથી? તારા સદાચાર પર તને કોઈ આશા નથી? 7 યાદ કરી જો કે કોઈ નિર્દોષનો કદી વિનાશ થયો છે? અથવા કોઈ સદાચારીનો કદી નાશ થયો છે? 8 મેં તો જોયું છે કે જેઓ ભૂંડાઈનાં ખેતર ખેડે છે અને અનિષ્ટનાં બી વાવે છે તેઓ તેવું જ લણે છે. 9 ઈશ્વરના કોપરૂપી શ્વાસથી તેમનો વિનાશ થાય છે અને તેમના ક્રોધના ભડકાથી તેઓ ભસ્મીભૂત થાય છે. 10 સિંહ ગર્જે છે અને વિકરાળ સિંહ ધૂરકે છે; પરંતુ જુવાન સિંહના દાંત તોડી નંખાય છે. 11 શિકારના અભાવે સિંહ પણ નાશ પામે છે; અને સિંહણનાં બચ્ચાં વિખેરાઈ જાય છે. 12 મારી પાસે એક સંદેશ ગુપ્ત રીતે આવ્યો છે; મારે કાને માત્ર તેના ભણકારા જ પડયા છે. 13 માણસો જ્યારે ગાઢ નિદ્રામાં પોઢી જાય છે એવી એક રાતે મને વિમળ બનાવી દેતું એક દુ:સ્વપ્ન આવ્યું. 14 હું તો ભયથી ધ્રૂજી ઊઠયો, મારાં સર્વ હાડકાંયે ધ્રૂજવા લાગ્યાં. 15 એક આત્મા મારા મુખ પાસેથી સરક્યો અને ભયથી મારાં રૂંવાડાં ખડાં થઈ ગયાં. 16 એક આકૃતિ ત્યાં ઊભી હોય એવું મને લાગ્યું. મેં તાકીને જોયું પણ કશું કરી શક્યો નહિ. નીરવ શાંતિમાં મેં એક મૃદુવાણી સાંભળી: 17 મર્ત્ય માનવ ઈશ્વરની સમક્ષ નેક ઠરી શકે? અથવા કોઈ માણસ તેના સર્જક આગળ વિશુદ્ધ હોઈ શકે? 18 ઈશ્વર તો પોતાના આકાશી સેવકોમાંય ભરોસો મૂક્તા નથી, અને પોતાના સ્વર્ગદૂતોમાંય તેમને ક્ષતિઓ દેખાય છે; 19 તો જેનો પાયો ધૂળમાં છે એવી માટીની મઢૂલી જેવા શરીરમાં વસતો માનવી, જે પતંગિયાની પેઠે કચડાઈ જાય છે, તેની શી વિસાત? 20 સવારથી સાંજ સુધીમાં તો તેમનો નાશ થઈ જાય છે; અને તેમનું નામનિશાન રહેતું નથી. 21 તેમના તંબૂની મેખો ઉખાડી લેવામાં આવે છે, અને તેઓ જ્ઞાન વિના મૃત્યુ પામે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide