અયૂબ 39 - પવિત્ર બાઇબલ C.L.1 પહાડોની જંગલી બકરીઓના વિયાવાનો સમય શું તું જાણે છે? અને હરણીઓને વિયાતાં જોઈ છે? 2 તેમના ગર્ભધારણના મહિનાની સંખ્યા તને ખબર છે? અને તેમના જણવાના સમયની તને માહિતી છે? 3 તેઓ વાંકી વળીને ગર્ભ પર દબાણ લાવે છે અને બચ્ચાંને જમીન પર ધકેલે છે. 4 તેમનાં બચ્ચાં ખુલ્લામાં વૃદ્ધિ પામીને મજબૂત બને છે. પછી બચ્ચાં સ્વતંત્ર થઈ જાય છે અને પાછાં ફરતાં નથી. 5 કોણે જંગલી ગધેડાંને છૂટાં મૂક્યાં છે? કોણે ઝડપી ગધેડાનાં બંધન છોડી નાખ્યાં છે? 6 મેં તેનું રહેઠાણ રણમાં આપ્યું છે, અને તેમને ખારાપાટો પર વસાવ્યાં છે. 7 તેને શહેરની ધાંધલધમાલ ગમતી નથી, અને તેને હાંકનારની બૂમો સાંભળવી પડતી નથી. 8 ટેકરીઓનાં ગૌચરો પર તે ચરે છે. અને કોઈ ને કોઈ લીલા છોડની શોધમાં ભટકે છે. 9 શું જંગલી સાંઢ તારું કામ કરવા રાજી થશે? શું તે તારી કોઢમાં રહેવા તૈયાર થશે? 10 શું તું તેને અછોડાથી બાંધીને ચાસમાં ચલાવી શકે? અને શું તે તારી પાછળ રાંપ કાઢવા તૈયાર થશે? 11 તેની પ્રચંડ શક્તિ પર શું તું આધાર રાખી શકે? અને તારું ભારે કામ શું તેની પાસે કરાવી શકીશ? 12 તે તારે ઘેર ગાડું ખેંચી લાવે, અને તારા ખળાનું અનાજ ભરી લાવે એવો ભરોસો રાખીશ? 13 શાહમૃગ તેની પાંખો ઝડપથી ફફડાવે છે, પણ તેની પાંખોને વધારે પીંછાં હોતાં નથી. 14 તે પોતાનાં ઈંડાં જમીન પર મૂકે છે, અને તે ધૂળમાં ગરમીથી સેવાય છે. 15 કોઈકના પગ નીચે ઈંડાં છુંદાઈ જશે, અથવા કોઈ જંગલી જનાવર તેમને ખૂંદી વળશે એની તેને દરકાર નથી. 16 તે તેનાં બચ્ચાં પારકાં હોય તેમ નિષ્ઠુરતાથી વર્તે છે. પ્રજનનનો શ્રમ નિષ્ફળ જશે એવી તેને બીક નથી. 17 કારણ, ઈશ્વરે જ તેને અક્કલ આપી નથી, અને તેને સમજણ ફાળવી નથી. 18 પણ જ્યારે તે દોડવાનું શરૂ કરે, ત્યારે તે ઘોડેસ્વારને પાછળ પાડી દે છે. 19 યોબ, શું ઘોડાને તેં બળ આપ્યું છે? કે તેની ડોક પર ભવ્ય કેશવાળી તેં પહેરાવી છે? 20 શું તેં અશ્વને તીડની પેઠે કૂદવાની શક્તિ આપી છે, અને તેનો હણહણાટ કેવો પ્રતાપી અને ભયાનક હોય છે! 21 તે આનંદમાં કૂદે છે અને ખીણપ્રદેશમાં તેની ખરીનાં ઊંડાં પગલાં પડે છે, અને તે શસ્ત્રસજ્જ માણસો તરફ ઘસી જાય છે. 22 તે ભયને હસી કાઢે છે અને નિર્ભયતાથી આગળ વધે છે અને તરવાર જોઈને પીછેહઠ કરતો નથી. 23 તેની પીઠ પર બાણના ભાથાનો ખણખણાટ છે, અને ભાલાઓ તથા બરછીઓ ચમકે છે. 24 તે જુસ્સામાં અને પૂરજોશ છલાંગો ભરી અંતર કાપે છે, રણશિંગડું ફુંક્ય ત્યારે તેને ઝાલી રાખી શક્તો નથી. 25 રણશિંગડું વાગે ત્યારે તે જુસ્સાથી હણહણે છે, સેનાનાયકોના હોંકારા અને પડકારો અને ચાલી રહેલી લડાઈની તેને દૂરથી જ ગંધ આવે છે. 26 શું બાજપક્ષી તારા ડહાપણથી ઊંચે ઊડે છે, અને પોતાની પાંખો દક્ષિણ દિશા તરફ ફેલાવે છે? 27 શું તારી આજ્ઞાથી ગરૂડ ઊંચે ચડે છે, અને ઊંચાણોમાં પોતાનો માળો બાંધે છે? 28 તે ખડકો પર વસે છે અને વિહરે છે, અને ઊંચી ભેખડને પોતાનો ગઢ બનાવે છે. 29 ત્યાંથી તે પોતાના શિકારની તપાસ કરે છે; દૂરથી તેની આંખો તેને જોઈ લે છે. 30 જ્યાં મૃતદેહો હોય ત્યાં ગીધડાં એકઠાં થાય છે, અને તેમનાં બચ્ચાં લોહી ચૂસે છે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide