અયૂબ 38 - પવિત્ર બાઇબલ C.L.યોબને પ્રભુનો પ્રત્યુત્તર 1 ત્યારે પ્રભુએ વંટોળમાંથી યોબને પ્રત્યુત્તર આપતાં કહ્યું, 2 “જ્ઞાનવિહોણી વાતો વડે મારા દૈવી પ્રબંધને ઢાંકી દેનાર આ કોણ છે? 3 હવે કમર કાસીને મરદની જેમ ઊભો થા, અને મારા પ્રશ્ર્નોના ઉત્તર આપ. 4 જો તને સમજણ હોય તો મને કહે કે, મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? 5 તને ખ્યાલ હોય તો કહે કે તેના પાયાનાં માપ કોણે નક્કી કર્યાં હતાં? કોણે માપવાની દોરીથી માપ લીધું હતું? 6 પૃથ્વીના પાયાની કૂંભીઓ શાના પર જડવામાં આવી હતી? અને તેની કમાનની આધારશિલા કોણે ગોઠવી હતી? 7 સર્જનની સવારે તારાઓએ સમૂહગાન ગાયું અને સ્વર્ગદૂતોએ હર્ષનાદ કર્યો ત્યારે તું ક્યાં હતો? 8 સમુદ્રનો જન્મ થતાં તે બહાર ધસી આવ્યો ત્યારે દરવાજા બંધ કરીને તેને કોણે પૂરી દીધો હતો? 9 મેં જ સમુદ્રને વાદળાંનું વસ્ત્ર ઓઢાડયું હતું, અને તેને ગાઢ ધૂમ્મસનાં લૂગડાંમાં લપેટયો હતો. 10 મેં જ સમુદ્રની હદ મુકરર કરી હતી, અને તેને માટે દરવાજા અને આડશો ઊભાં કર્યાં હતાં. 11 મેં તેને આજ્ઞા આપી, ‘તું અહીં સુધી જ આવી શકે, એથી આગળ નહિ; તારાં પ્રચંડ મોજાં અહીં જ અટકી જવાં જોઈએ.’ 12 યોબ, તારા જીવનમાં તેં ક્યારે ય ઉષાને ઊગવાની આજ્ઞા આપી છે, અથવા પ્રભાતે ક્યાં ઊગવું તે તેં ઠરાવ્યું છે? 13 કે જેથી પ્રભાત પૃથ્વી પરથી અંધકારનો અંચળો ખેંચી લે, અને દુષ્ટ નિશાચરોને ભગાડીને વિખેરી નાખે? 14 માટી પર મુદ્રાની છાપ ઊપસે તેમ પ્રભાતનો પ્રકાશ પૃથ્વીને તાદશ્ય કરે છે; તે બદલેલાં વસ્ત્રની જેમ દીપી ઊઠે છે. 15 દુષ્ટોને અનુકૂળ અંધકારથી વંચિત રખાય છે, અને ગર્વિષ્ટોના હિંસાત્મક હાથ હેઠા પડે છે. 16 શું તું સમુદ્રના ઊંડાણમાં આવેલા ઝરાઓના ઉદ્ગમસ્થાનમાં પ્રવેશ્યો છે? અને તું અધોલોકના તળિયા પર ફરી વળ્યો છે? 17 શું મૃત્યુલોકનાં દ્વાર કોઈએ તને બતાવ્યાં છે? કે અંધકારપ્રદેશનું પ્રાંગણ તેં જોયું છે? 18 તેં કદી પૃથ્વીનો વ્યાપ એક નજરે નિહાળ્યો છે? જો તું આ બધું જાણતો હોય તો મને જણાવ. 19 પ્રકાશના ઉદ્ગમસ્થાનનો માર્ગ ક્યાં છે? અંધકારનું રહેઠાણ ક્યાં છે? 20 એમણે ક્યાં સુધી પ્રસરવું એની તને ખબર છે? એમણે પોતાના નિવાસસ્થાને કયા માર્ગે પાછા વળવું તે તું જાણે છે? 21 તને તો જાણ હોવી જોઈએ. કારણ કે તું તો સૃષ્ટિના સર્જન સમયે જન્મ્યો હતો! અને તું તો એટલો વયધર છે ને! 22 “શું તેં હિમના ભંડારોની મુલાકાત લીધી છે? અથવા કરાના ભંડારો જોયા છે? 23 હું તેમને વિપત્તિના સમયો માટે તેમજ આક્રમણ અને યુદ્ધના દિવસ માટે સંઘરી રાખું છું! 24 પ્રકાશ કેવી રીતે પ્રસરે છે? પૂર્વના વાયુનું ઉદ્ગમસ્થાન ક્યાં છે? 25 મુશળધાર વરસાદના માર્ગ માટે નહેરો કોણે ખોદી છે? ગરજતી વીજળીનો માર્ગ કોણે બનાવ્યો છે? 26 કે જેથી નિર્જન ભૂમિ પર, અને વસતીહીન રણપ્રદેશ પર વરસાદ વરસે; 27 તથા સૂકી અને તરસી ભૂમિ તૃપ્ત થાય, અને ભૂમિ લીલું ઘાસ ઉગાડે? 28 શું વરસાદને પિતા છે? અથવા ઝાકળનાં ટીંપાં કોણે જનમાવ્યાં છે? 29 કોના ગર્ભસ્થાનમાંથી હિમ જન્મે છે? અને કરાને જન્મ આપનાર કોણ છે? 30 ક્યારે પાણી થીજીને પથ્થર સમ બની જાય છે અને સમુદ્રની સપાટી થીજી જાય છે? 31 શું તું કૃતિકા નક્ષત્રને સાંકળે બાંધી શકે? શું તું મૃગશીર્ષના બંધ છોડી શકે? 32 શું તું રાશિચક્રને ઋતુ પ્રમાણે દોરી શકે? અને સપ્તર્ષિને તેના તારામંડળ સહિત માર્ગદર્શન આપી શકે? 33 અવકાશી પદાર્થોનું નિયમન કરતા સિદ્ધાંત શું તું જાણે છે? શું ઈશ્વરના નિયમને તું પૃથ્વી પર લાગુ પાડી શકે? 34 શું તું વાદળાં સુધી તારો અવાજ પહોંચાડી શકે? અને તેમને ધોધમાર વરસાદ વરસાવવાની આજ્ઞા કરી શકે? 35 શું તું વીજળીને ચમકવાની આજ્ઞા કરી શકે, અને તે પણ તને કહે કે, ‘હું અહીં છું?’ 36 ‘ટૂહોથ’*ને જ્ઞાન કોણે આપ્યું છે? ‘સેકવી’ને સૂઝ કોણે આપી છે? 37 પોતાના ડહાપણથી કોઈ વાદળાંની ગણતરી કરી શકે? અથવા વરસાદ માટે આકાશી મશકો નમાવી શકે? 38 કે જેથી ધૂળનો ક્દવ થઈ જાય, અને ઢેફાં એકમેકની સાથે સજ્જડ ચોંટી જાય? 39-40 જ્યારે સિંહણનાં બચ્ચાં બોડમાં પડયાં હોય, અને શિકારની વાટ જોતાં ગુફામાં છૂપાયાં હોય, ત્યારે શું તું સિંહણ માટે શિકાર શોધી શકે,અને તેનાં બચ્ચાંની ભૂખ સંતોષી શકે? 41 જ્યારે કાગડાનાં બચ્ચાં ઈશ્વર સમક્ષ ખોરાક માટે પોકાર કરે અને કાગડા ખોરાક શોધવા આમતેમ ઊડતા હોય, ત્યારે કોણ તેમને શિકાર પૂરો પાડે છે? |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide