Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 37 - પવિત્ર બાઇબલ C.L.

1 “એને લીધે મારું હૃદય કંપે છે, જાણે કે, તે તેના સ્થાનમાંથી ઊછળી પડશે!

2 તેમનો ગરજતો અવાજ સાંભળો; તેમના મુખમાંથી નીકળતો ગડગડાટ સાંભળો.

3 તે આખા આકાશમાં ચોમેર વીજળી ચમકાવે છે; એ વીજળી ધરતીના એક છેડાથી બીજા છેડા સુધી ફરી વળે છે.

4 વીજળીના ચમકારા પછી તેનો કડાકો સંભળાય છે, તે પછી મોટો ગડગડાટ ચાલુ રહે છે. તેનો કડાકો સાંભળતાં જ માણસો ધ્રૂજી જાય છે.

5 ઈશ્વરનો અવાજ અદ્‍ભુત રીતે ગર્જે છે, અને આપણે સમજી ન શકીએ એવાં મહાન કાર્યો કરે છે.

6 તે હિમને આજ્ઞા કરે છે, ‘ભૂમિ પર પડ’ અને મુશળધાર વરસાદને કહે છે, ‘પૃથ્વી પર ધોધમાર તૂટી પડ.’

7 સર્વ મનુષ્યોને ઈશ્વરની કાર્યશક્તિની પ્રતીતિ થાય તે માટે તે પ્રત્યેક માનવી પ્રવૃત્તિ સ્થગિત કરી દે છે.

8 ત્યારે જંગલી પશુઓ તેમની બોડમાં ભરાઈ જાય છે, અને તેમની ગુફાઓમાં આશરો લે છે.

9 દક્ષિણ દિશામાંથી તોફાની ઝંઝાવાત આવે છે, અને ઉત્તરના પવનો ક્તિલ ઠંડી લાવે છે.

10 ઈશ્વરના શ્વાસથી હિમ વરસે છે, અને મહાસાગરોનાં પાણી ઠરી જાય છે.

11 તે ઘાડાં વાદળોને ભેજથી તર કરી દે છે અને વાદળાંમાંથી વીજળી પ્રસારે છે,

12 એ વીજળી ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે ચોમેર ચમકે છે; અને ઈશ્વરના આદેશ મુજબ તે પૃથ્વીના પટ પરની માનવવસાહત પર ત્રાટકે છે.

13 ઈશ્વર શિક્ષા કરવા અથવા કૃપા દર્શાવવા તેને ધારેલે સ્થાને તાકે છે.

14 હે યોબ, આ વાત સાંભળ; શાંતિથી ઈશ્વરનાં અજાયબ કાર્યોનો વિચાર કર.

15 ઈશ્વર કુદરતી તત્ત્વો પર કઈ રીતે તેમનો આદેશ લાદે છે, અને વાદળોમાં વીજ ચમકાવે છે એ શું તું જાણે છે?

16 ઈશ્વર વાદળોને કઈ રીતે સમતોલનમાં રાખે છે એની તને ખબર છે? જ્ઞાનમાં સંપૂર્ણ ઈશ્વર એવાં અજાયબ કાર્યો કરે છે.

17 દક્ષિણના પવનને લીધે જ્યારે વાતાવરણ સ્તબ્ધ થઈ જાય, ત્યારે તારાં વસ્ત્રો પણ ગરમ થઈ જાય છે.

18 ઈશ્વરની જેમ તું પણ ગાળેલી ધાતુના ચમકદાર અરીસાના જેવું મજબૂત આકાશ પ્રસારી શકે ખરો?

19 ઈશ્વરને શું કહેવું તે તું અમને શીખવ; કારણ, જ્ઞાનના અભાવે કેવી દલીલ કરવી તે અમને સૂઝતું નથી.

20 શું ઈશ્વરને એમ કહી શકાય કે, ‘મારે બોલવું છે?’ એવું ઇચ્છીને કોઈ માણસ પોતાનો નાશ નોતરે?

21 પવનથી વાદળો ઢસડાઈ જતાં આકાશ નિરભ્ર બને છે, ત્યારે તેના ઝળહળતા પ્રકાશ તરફ માણસો જોઈ શક્તા નથી.

22 ઉત્તરમાંથી સોનેરી પ્રકાશ પ્રસરે છે. ઈશ્વર ભયાવહ ગૌરવથી આભૂષિત છે.

23 સર્વસમર્થ તો મહા પરાક્રમી છે; આપણે તેમનો પાર પામી શક્તા નથી. તેમની પાસે અદલ ઈન્સાફ અને નેકી છે અને તે જુલમ કરતા નથી.

24 તેથી મર્ત્ય મનુષ્ય તેમનો આદરયુક્ત ભય રાખે છે, પણ જ્ઞાની હોવાનો દાવો કરનારની ઈશ્વર ઉપેક્ષા કરે છે.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan