Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 36 - પવિત્ર બાઇબલ C.L.

1 પછી એલીહૂએ તેનો સંવાદ આગળ ચલાવ્યો;

2 “થોડી ધીરજ રાખ, અને હું તને સમજાવીશ; કારણ, ઈશ્વરના પક્ષમાં મારે હજી કંઈક કહેવાનું છે.

3 હું દૂરદૂરથી બહુવિધ જ્ઞાન સંપાદન કરીને મારા સર્જક ઈશ્વરને સાચા પુરવાર કરીશ.

4 સાચે જ મારા શબ્દોમાં જૂઠ નથી; જ્ઞાનમાં પરિપકવ વ્યક્તિ તારી સામે છે.

5 જુઓ, ઈશ્વર કેવા મહાન છે, પણ તે કોઈને તુચ્છકારતા નથી; તેમની સમજશક્તિ પણ ગહન છે!

6 તે દુષ્ટોને જીવતા જવા દેતા નથી, પણ જુલમપીડિતોને તેમના હક્ક અપાવે છે.

7 તે નેકજનો ઉપરથી પોતાની દષ્ટિ ઉઠાવી લેતા નથી, તે તેમને રાજાઓ સાથે રાજ્યાસન પર બેસાડે છે, અને તેમને હમેશા ઉચ્ચપદે રાખે છે.

8 પરંતુ જો લોકો સાંકળોથી બંધાયેલા હોય, અને જુલમના બંધનમાં જકડાયા હોય,

9 તો ઈશ્વર તેમને તેમના અપરાધો બતાવે છે, અને અહંકારથી કરેલાં તેમનાં પાપ જણાવે છે.

10 તે તેમના કાન શિક્ષણ પ્રત્યે ઉઘાડે છે, અને તેમને દુષ્ટતાથી વિમુખ થવાની આજ્ઞા કરે છે.

11 જો તેઓ ઈશ્વરનું માને અને તેમની સેવા કરે, તો તેઓ તેમની જિંદગી સમૃદ્ધિ અને સુખચેનમાં પૂરી કરે છે.

12 પણ જો તેઓ ઈશ્વરનું ન સાંભળે તો તેઓ નાશને આરે આવી પડશે, અને જ્ઞાનના અભાવે મૃત્યુને ભેટશે.

13 અધર્મીઓ મનમાં રોષ ભરી રાખે છે, અને ઈશ્વર તેમને શિક્ષા કરે તો પણ સહાય માટે પોકારતા નથી.

14 તેઓ જુવાનીમાં જ મરણ પામે છે, અને વેશ્યાઓ પાછળ જિંદગી બરબાદ કરે છે.

15 ઈશ્વર દુ:ખીઓનો ઉદ્ધાર તેમના દુ:ખ દ્વારા જ કરે છે, અને વિપત્તિ દ્વારા તેમને ચેતવણી આપે છે.

16 યોબ, ઈશ્વરે તને સંકટમાંથી બહાર કાઢયો હતો, અને સંકડાશ વગરની વિશાળ જગામાં દોરી લાવ્યા હતા, અને તારી ભોજનની મેજને સ્વાદિષ્ટ વાનગીઓથી ભરી દીધું હતું.

17 પણ તું તો દુષ્ટોને સજા થતી નથી એ વાતને વળગી રહ્યો છે, અને ઈન્સાફ તથા સજા નથી તે વિષે હઠ પકડી રાખે છે.

18 જોજે, સમૃદ્ધિ તને ફોસલાવીને ભટકાવી ન દે, અને લાંચ તને લલચાવીને ભ્રષ્ટ બનાવી ન દે.

19 કારણ, જ્યારે સંકટ આવી પડે ત્યારે તારી સમૃદ્ધિ કામમાં આવશે? તેં મેળવેલી ભેટસોગાદો તને ઉગારશે ખરી?

20 જ્યારે પ્રજાઓનો પોતપોતાના સ્થાનમાંથી મૂલોચ્છેદ થઈ જાય, એવી ન્યાયશાસનની ભયાનક રાત્રિની ઝંખના કરશો નહિ.

21 સાવધ થા, દુષ્ટતા તરફ પાછો ફરીશ નહિ. કારણ, તું ક્સોટીના દુ:ખને બદલે દુષ્ટતા તરફ ઢળે છે.

22 ઈશ્વરનું સામર્થ્ય કેવું અપાર છે! તેમના જેવો શિક્ષક બીજો કોણ છે?

23 તેમનું આચરણ કોણ ઠરાવી શકે? અને ‘તમે ખોટું કર્યું’ એમ તેમને કોણ કહી શકે?

24 લોકો પણ જેનાં ગુણગાન ગાય છે તે ઈશ્વરનાં કાર્યોની પ્રશંસા કરવાનું યાદ રાખ.

25 ઈશ્વરના કાર્ય પર સઘળા માણસો મીટ માંડે છે, પણ તેઓ તેને માત્ર દૂરથી નિહાળે છે.

26 સાચે જ ઈશ્વર મહાન છે, પણ આપણે તેમનો પાર પામી શક્તા નથી, અને તેમનાં વર્ષોની સંખ્યા અગમ્ય છે.

27 ઈશ્વર સાગરના જલબિંદુઓને વરાળરૂપે ઉપર ખેંચી લે છે, અને તેમને વાદળાંમાં વરસાદનાં ટીપાં બનાવે છે.

28 તે વાદળાંમાંથી વરસાદ વરસાવે છે, અને ભૂમિ પર ધોધમાર વર્ષા થાય છે.

29 ઈશ્વરના ગગનમંડળમાં વાદળોનું પ્રસારણ અને તેમાંની મેઘગર્જના કેવી રીતે થાય છે તે કોણ સમજી શકે?

30 જુઓ, ઈશ્વર આકાશમાં વીજળી ચમકાવે છે, અને મહાસાગરોનાં તળિયાંને અંધકારથી છાઈ દે છે.

31 વરસાદ અને વીજળીથી ઈશ્વર ન્યાયશાસન લાવે છે, અને તેમના દ્વારા મબલક ધાન્ય પણ પૂરું પાડે છે.

32 તેમના હાથમાંથી વીજળી પ્રક્ટે છે અને તેને ધારેલા નિશાન પર પાડે છે.

33 ઈશ્વર વીજળીના કડાકા દ્વારા તોફાનની આગાહી કરે છે, ઢોરને પણ એની ખબર પડી જાય છે!

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan