અયૂબ 35 - પવિત્ર બાઇબલ C.L.1 એલીહૂએ સંવાદ જારી રાખતાં કહ્યું, 2-3 “યોબ, તું કહે છે, ‘પાપ ન કરવાથી મને શો લાભ થયો? જો મેં પાપ કર્યું હોત તો મારી જે દશા થાત તેનાં કરતાં મારી અત્યારની દશા કઈ રીતે વિશેષ સારી છે?’ પણ તારી એ વિચારસરણી વાજબી છે? શું તું એમ ધારે છે કે તું ઈશ્વર કરતાં વધારે ન્યાયી છે? 4 હું તને અને તારા મિત્રોને એનો જવાબ આપીશ. 5 નજર ઊંચી કરીને આકાશ તરફ જો; તારી ઉપરનાં વાદળો કેટલાં બધાં ઊંચાં છે! 6 જો તેં પાપ કર્યું હોય તો તું ઈશ્વરને શું નુક્સાન કરી શક્યો છે? વારંવાર અપરાધ કરીને તું એમનું શું બગાડવાનો છે? 7 જો તું નેક હો તો તેથી ઈશ્વરને શો લાભ? અથવા તારા હાથથી તેમને શું પ્રાપ્ત થાય છે? 8 તારી દુષ્ટતાથી તારા સાથી માનવને નુક્સાન થાય છે, અને તારા સદાચારથી તેને લાભ મળે છે. 9 જુલમ વધી જવાને લીધે લોકો બૂમો પાડે છે, અને બળવાનોના જુલમને લીધે મદદ માટે પોકાર કરે છે. 10 પરંતુ તેમાંથી કોઈ એમ કહેતું નથી કે, ‘મારા સર્જક ઈશ્વર ક્યાં છે?’ તે તો રાત્રે આનંદનાં ગીત ગવડાવે છે. 11 તે પૃથ્વીનાં પ્રાણીઓ કરતાં આપણને વધારે શીખવે છે, અને આકાશનાં પંખીઓ કરતાં આપણને વધારે શાણા બનાવે છે.’ 12 કેટલાક લોકો બૂમો પાડે છે પણ ઈશ્વર સાંભળતા નથી, કારણ, તેઓ અહંકારી અને દુષ્ટ છે. 13 સાચે જ ઈશ્વર દંભીઓની બૂમ સાંભળતા નથી અને સર્વસમર્થ તે પર લક્ષ આપતા નથી. 14 યોબ, તું તો એમ કહે છે કે ‘હું ઈશ્વરને જોઈ શક્તો નથી;’ તો પછી તારો દાવો તેમની સમક્ષ છે અને તું તેમની વાટ જુએ છે, એવું કેવી રીતે બની શકે? 15 પણ ઈશ્વર પોતાના ક્રોધમાં શિક્ષા કરતા નથી, અને અપરાધને લેખવતા નથી, 16 તેથી યોબ પોતાને મોઢે નિરર્થક વાતો કરે છે, અને જ્ઞાન વિના બકવાસ કરે છે!” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide