Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 34 - પવિત્ર બાઇબલ C.L.

1 એલીહૂએ પોતાનું નિવેદન જારી રાખ્યું.

2 “હે શાણા લોકો, મારી વાત સાંભળો; હે અનુભવી જનો, મારા કહેવા તરફ કાન દઈને લક્ષ આપો.

3 જેમ જીભનું ટેરવું ખોરાકનો સ્વાદ ચાખે છે, તેમ કાન શબ્દોને પારખે છે.

4 ચાલો, આપણે સાચું શું છે તે શોધી કાઢીએ; સારું શું છે તે આપણે નક્કી કરીએ.

5 કારણ, યોબ કહે છે, ‘હું નિર્દોષ છું, પણ ઈશ્વરે મારો હક્ક છીનવી લીધો છે;

6 હું સાચો છું, છતાં મને જૂઠો ગણવામાં આવે છે; હું અપરાધી નથી, છતાં તેમના બાણથી મરણતોલ ઘવાયો છું.’

7 આ યોબ જેવો તો કોઈ માણસ હશે? તે પાણીની જેમ ઈશ્વરનિંદા ઘટઘટાવે છે!

8 તે દુરાચારીઓના સંઘમાં જાય છે, અને દુષ્ટોની સાથે ભટકે છે.

9 તે કહે છે, ‘ઈશ્વરમાં મગ્ન થવાથી માણસને કોઈ પ્રકારનો લાભ થતો નથી.’

10 તેથી હે સમજુ માણસો, મારી વાત સાંભળો; ‘ઈશ્વર દુષ્ટતા આચરે કે સર્વસમર્થ ખોટું કરે,’ એવું કથન તો અઘોર ઈશ્વરનિંદા કહેવાય.

11 બલ્કે, ઈશ્વર તો માણસનાં કામ પ્રમાણે તેને ફળ આપે છે, અને તેનાં આચરણ પ્રમાણે તેને બદલો આપે છે.

12 સાચે જ ઈશ્વર કદી દુષ્ટતા આચરે જ નહિ, અને સર્વસમર્થ ન્યાય ઊંધો વાળે જ નહિ.

13 કોણે ઈશ્વરને પૃથ્વી પર અધિકાર સોંપ્યો છે? કોણે સકળ સૃષ્ટિની જવાબદારી તેમને સોંપી છે?

14 જો ઈશ્વર મનમાં ધારે, અને તેમનો આત્મા અને તેમનો શ્વાસ પોતાની પાસે પાછો ખેંચી લે;

15 તો સમગ્ર સજીવો એક સાથે નષ્ટ થઈ જાય, અને માનવજાત ધૂળ ભેગી થઈ જાય!

16 તારામાં જરા ય સમજ હોય, તો મારી વાત સાંભળ; મારા શબ્દો કાને ધર.

17 સચ્ચાઈને ધિક્કારનાર શું અધિકાર ભોગવી શકે? ભલભલાનો ન્યાય કરનાર ઈશ્વરને તું દોષપાત્ર ઠરાવે છે?

18 શું કોઈ રાજાને ‘હરામખોર’ અને ઉમરાવોને ‘ગુનેગાર’ કહે છે?

19 ઈશ્વર તો રાજવંશીઓની શરમ ભરતા નથી, અને ગરીબોને ભોગે ધનવાનોની તરફેણ કરતા નથી. કારણ, એ બધું જ તેમના હાથનું સર્જન છે.

20 ઘણા લોકો મયરાત્રિએ એક ક્ષણમાં મૃત્યુ પામે છે, કેટલાકને આઘાત લાગે છે અને નષ્ટ થાય છે, અરે, બળવાનો પણ કોઈ માણસના માર્યા વિના મરી જાય છે.

21 કારણ, ઈશ્વરની દષ્ટિ માણસની ચાલચલગત પર છે, અને તે તેના પ્રત્યેક પગલાની તપાસ રાખે છે.

22 એવો કોઈ અંધકાર કે ઘેરી છાયા નથી જ્યાં દુરાચારીઓ પોતાને છુપાવી શકે.

23 ઈશ્વરને માણસના ન્યાયચુકાદા માટે કોઈ સમય મુકરર કરવાની જરૂર નથી.

24 તે જુલમગારોને તોડી પાડે, તે માટે તેમને તપાસ કરવી પડતી નથી; તે તેમને સ્થાને બીજાઓને સ્થાપન કરે છે.

25 ઈશ્વર એમનાં કાર્યો જાણે છે, તેથી તે તેમને રાતોરાત ઉથલાવી નાખે છે અને તેઓ કચડાઈ જાય છે.

26 તે તેમને ગુનેગારોની જેમ લોકોના દેખતાં જાહેરમાં ફટકારે છે.

27 કારણ, તેમણે ઈશ્વરને અનુસરવાનું મૂકી દીધું, અને તેમનાથી વિમુખ થઈને તેમના માર્ગોની ઉપેક્ષા કરી.

28 જુલમગારોએ ગરીબો પર એટલો જુલમ કર્યો કે તેમણે ઈશ્વરને પોકાર કર્યો, અને ઈશ્વરે પીડિતોની ફરિયાદ સાંભળી.

29 ઈશ્વર એ વિષે કંઈ ન કરે તો ય એમની ટીકા કોણ કરી શકે? અથવા તે પોતાનું મુખ સંતાડે તો તેમને કોણ જોઈ શકે? કોઈ પ્રજા કે કોઈ વ્યક્તિની એવી મગદૂર નથી.

30 લોકો અધર્મીઓને તેમના પર રાજ કરતા રોકી શક્તા નથી; તેઓ તેમને ફાંદામાં ફસાવનારાથી બચાવી શક્તા નથી.

31 જો કોઈ ઈશ્વરને કહે કે, ‘હું બેફામપણે વર્ત્યો હતો પણ હવેથી ગુના કરીશ નહિ;

32 જે હું પોતે સમજી શક્તો નથી તે મને શીખવો, જો મેં દુષ્ટતા આચરી હોય તો હવેથી એમ કરીશ નહિ.’

33 તો યોબ, માત્ર તારા જ વિરોધને લીધે ઈશ્વર તેને માફ નહિ કરે? હું નહિ, તું પોતે જ નક્કી કર; તું જે જાણતો હો તે પ્રગટ કર.

34 સમજદાર માણસો મને કહેશે અને મારી વાત સાંભળનારા શાણા લોકો સહમત થશે કે,

35 ‘યોબ જ્ઞાન વિના બોલે છે, અને તેના શબ્દો અર્થહીન છે.’

36 અરે, યોબની પૂરેપૂરી ઊલટતપાસ થાય તો કેવું સારું! કારણ, તે દુષ્ટની જેમ બોલ્યો છે.

37 તે પોતાનાં પાપમાં વિદ્રોહ ઉમેરે છે, આપણી વચ્ચે અપરાધનો નકાર કરે છે, અને ઈશ્વર વિરુદ્ધ લાંબી લવરી કરે છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan