Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 33 - પવિત્ર બાઇબલ C.L.

1 “યોબ, હવે મારું નિવેદન સાંભળ, અને મારા બધા જ શબ્દો ધ્યાનમાં લે.

2 જુઓ, હું મારું મુખ ઉઘાડું છું, અને મારી જીભ મારા મુખમાં બોલવા ઊપડી છે!

3 મારા શબ્દો મારા મનની નિખાલસતા પ્રગટ કરશે, અને મારા હોઠો સચ્ચાઈથી જ્ઞાન પ્રગટ કરશે.

4 ઈશ્વરના આત્માએ મને સર્જ્યો છે, અને સર્વસમર્થના શ્વાસે મને જીવન બક્ષ્યું છે.

5 જો તારાથી બની શકે તો મને પ્રત્યુત્તર આપ; તૈયાર થા; તારી દલીલો ક્રમશ: રજૂ કર.

6 ઈશ્વરની દષ્ટિમાં તું અને હું સમાન છીએ; હું પણ માટીમાંથી જ ઘડાયો છું!

7 સાચે જ, મારો ડર રાખવાની કંઈ જરૂર નથી; હું તારા પર ભારે દબાણ કરવાનો નથી.

8 તારી વાત મેં બરાબર સાંભળી છે; તારા શબ્દો મેં અક્ષરસ: સાંભળ્યા છે.

9 તું કહે છે, ‘હું વિશુદ્ધ અને પાપરહિત છું; હું નિર્દોષ છું અને મારામાં કોઈ અપરાધ નથી.

10 છતાં ઈશ્વર મારી વિરુદ્ધ બહાનું શોધે છે અને મને તેમનો શત્રુ ગણે છે.

11 તે મારા પગને બેડીથી બાંધે છે, અને મારાં પગલાંની તપાસ રાખે છે.’

12 યોબ, મને કહેવા દે કે તારી વાત વાજબી નથી; ઈશ્વર માનવ કરતાં મહાન છે.

13 ઈશ્વર તારા એકેએક પ્રશ્ર્નનો ઉત્તર આપતા નથી, એવું કહીને તું શા માટે તેમની સાથે વિવાદ કરે છે?

14 કારણ, ઈશ્વર એક યા બીજી રીતે પ્રત્યુત્તર તો આપે છે, પરંતુ માણસો તે ગણકારતા નથી.

15 મનુષ્યો ઊંઘમાં ઘેરાયા હોય, અને પથારી પર ઘસઘસાટ ઊંઘતા હોય ત્યારે ઈશ્વર સ્વપ્ન કે સંદર્શન દ્વારા વાત કરે છે;

16 ત્યારે તે માણસના કાન ઉઘાડે છે, અને તેમને ચેતવણી દ્વારા ઘાક બેસાડે છે;

17 જેથી ઈશ્વર માણસને ભૂંડાઈથી દૂર રાખે અને તેને અહંકાર કરતાં અટકાવે.

18 જેથી તે તેનો આત્મા અધોલોકથી બચાવે, અને તેના જીવને તલવારના સંહારથી ઉગારે.

19 વળી, ઈશ્વર આ રીતે ચેતવે છે: તે માણસને માંદગીના બિછાને પટકે છે; તેનાં હાડકાંમાં સતત કળતર થાય છે;

20 તેને ખોરાક પ્રત્યે અરુચિ પેદા થાય છે, અને સ્વાદિષ્ટ વાનગી માટે પણ તેને નફરત થાય છે.

21 તેના શરીર પરનું માંસ ગળી જાય છે અને દેખાતું જ નથી અને અગાઉ નહિ દેખાતાં હાડકાં ઊપસી આવે છે.

22 તેનો પ્રાણ અધોલોકને આરે અને તેનું જીવન મૃત્યુલોકના વહેળા પાસે પહોંચી જાય છે.

23 પરંતુ જો ઈશ્વરના હજારો દૂતોમાંથી એક દૂત તેના મયસ્થ તરીકે એની વહારે આવે અને માણસને માટે યથાયોગ્ય શું છે તે તેને સમજાવે,

24 વળી, એ મયસ્થ દૂત તેના પર દયા દાખવે અને કહે, ‘એનું મુક્તિમૂલ્ય મને મળ્યું છે, માટે તેને વિનાશમાં જતો બચાવો,’

25 તો તેનું શરીર પુન: પુષ્ટ બનીને તાજગી પ્રાપ્ત કરશે, અને યુવાનીનો જુસ્સો પાછો આવશે.

26 પછી માણસ ઈશ્વરને પ્રાર્થના કરે એટલે તે તેને સ્વીકારશે, માણસ ઈશ્વરની સંમુખ હર્ષોલ્લાસ કરશે, અને લોકો સમક્ષ પોતાના ઉદ્ધારની જાહેરાત કરશે.

27 તે લોકો સમક્ષ ગાતાં ગાતાં કહેશે, ‘મેં પાપ કર્યું હતું અને હું આડે માર્ગે ગયો હતો, છતાં ઈશ્વરે મને એની સજા કરી નહિ;

28 તેમણે મારા જીવને મોતમાંથી ઉગાર્યો, અને મારું જીવન અજવાળ્યું છે.’

29 આ બધું ઈશ્વર જ કરે છે; તે બે વાર, ત્રણ વાર, વારંવાર ચેતવણી આપે છે.

30 જેથી તે માણસના જીવને મોતથી ઉગારે, અને તેના જીવનને પ્રકાશમય બનાવે.

31 યોબ, મારી વાત સાંભળ, લક્ષ આપ; ચૂપ રહે અને મને બોલવા દે.

32 છતાં તારે કંઈ કહેવાનું હોય તો કહે, બોલ, હું તને સાચો ઠરાવવા માગું છું.

33 નહિ તો, ધ્યનથી મારી વાત સાંભળ, ચૂપ રહે, અને હું તને જ્ઞાન શીખવીશ.”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan