Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 32 - પવિત્ર બાઇબલ C.L.

1 પોતાની દષ્ટિમાં પોતે નિર્દોષ છે, એ વાત યોબે પકડી રાખી. તેથી આ ત્રણ જણે વાર્તાલાપ બંધ કર્યો.

2 પરંતુ રામ ગોત્રના, બારાકેલ બુઝીના પુત્ર એલીહૂનો ક્રોધ યોબ પર તપી ઊઠયો; કારણ કે યોબ ઈશ્વરને બદલે પોતાને નેક ઠરાવતો હતો.

3 તે યોબના ત્રણ મિત્રો પર પણ ક્રોધિત થયો, કારણ કે, યોબ દોષિત છે એવું પ્રતિપાદિત કરવા છતાં તેઓ યોબની દલીલોનો કોઈ ઉત્તર આપી શક્યા નહોતા.

4 પેલા ત્રણ પુરુષો એલીહૂથી વયમાં મોટા હોવાથી તેઓ બોલતા હતા ત્યાં સુધી તેણે રાહ જોઈ.

5 પણ જ્યારે એલીહૂએ જોયું કે પેલા ત્રણ પુરુષો પાસે કોઈ ઉત્તર નથી. ત્યારે તેને ક્રોધ ચઢયો.

6 તેથી બારાકેલ બૂઝીના પુત્ર એલીહૂએ ઉત્તર આપતાં કહ્યું: “હું વયમાં નાનો છું અને તમે વયોવૃદ્ધ છો તેથી હું શાંત રહ્યો, અને મારું મંતવ્ય જણાવતાં સંકોચ પામતો હતો.”

7 મેં વિચાર્યું, ‘ભલે, વયોવૃદ્ધો બોલે અને વયમાં મોટાઓ જ્ઞાન શીખવે,’

8 પરંતુ ઈશ્વરનો આત્મા માણસમાં જ્ઞાન પ્રેરે છે, અને સર્વસમર્થનો શ્વાસ તેને સમજણ આપે છે.

9 માત્ર વયમાં વૃદ્ધિ થવાથી જ જ્ઞાન આવતું નથી.

10 તેથી હું કહું છું કે મારી વાત સાંભળો, અને મને મારો અભિપ્રાય પ્રગટ કરવા દો.

11 મેં તમારાં ડહાપણભર્યાં કથનો ધ્યનથી સાંભળ્યાં હતાં, અને તમે દલીલો શોધતા હતા, ત્યારે મેં તમારા શબ્દોની રાહ જોઈ હતી.

12 મેં યાનપૂર્વક તમારી વાત સાંભળી છે, પરંતુ તમારામાંથી કોઈએ યોબની દલીલોનું ખંડન કર્યું નથી અને યોબના શબ્દોનો પ્રત્યુત્તર આપી શક્યા નથી.

13 કદાચ તમે કહેશો, ‘હવે અમને સમજ પડી છે; યોબને વિવાદમાં માણસ નહિ, પણ ઈશ્વર હરાવશે.’

14 યોબે મારી સાથે નહિ, પણ તમારી સાથે વિવાદ કર્યો છે, તો પણ મારો પ્રત્યુત્તર હું તમારા વક્તવ્યોને આધારે આપીશ નહિ.

15 યોબ જો, તેઓ અવાકા થઈ ગયા છે, તેઓ પાસે ઉત્તર નથી. તેમની પાસે શબ્દો ખૂટી ગયા છે.

16 તેઓ ત્યાં ઊભા છે પરંતુ તેમની પાસે કંઈ બોલવાનું રહ્યું નથી, તેઓ બોલતા બંધ થયા છે. છતાં ય શું મારે વાટ જોઈ બેસી રહેવું?

17 હું મારો ઉત્તર રજૂ કરીશ, હું પણ મારો અભિપ્રાય પ્રગટ કરીશ.

18 મારામાં શબ્દોનો ઊભરો ચડયો છે; જાણે મારું પેટ ફૂલીને ડમડોલ થઈ ગયું છે.

19 બંધ પાત્રમાં આસવ રાખ્યો હોય એવું મારું મન છે; દ્રાક્ષારસની નવી મશક પણ ફાટી જાય એવું એ છે.

20 મને નિરાંત થાય માટે મારે બોલવું જ રહ્યું; મારે મોં ઉઘાડીને ઉત્તર આપવો જ પડશે.

21 હું કોઈ વ્યક્તિની તરફેણ કરીશ નહિ અને કોઈને ખુશામતના ખિતાબો આપીશ નહિ.

22 કારણ, મને ખુશામત કરતાં આવડતું નથી; જો હું એમ કરું, તો ઈશ્વર મને તત્કાળ ઉઠાવી લે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan