અયૂબ 31 - પવિત્ર બાઇબલ C.L.1 મેં મારાં ચક્ષુ સાથે એક ગંભીર પ્રતિજ્ઞા કરી છે કે હું કોઈ કુમારિક્ તરફ વાસનાભરી નજરે જોઈશ નહિ. 2 ઈશ્વર ઉપરથી માણસને શો હિસ્સો આપે? અને સર્વસમર્થ ઉચ્ચસ્થાનેથી શો વારસો આપે? 3 શું દુરાચારીઓ માટે વિપત્તિ, અને અધર્મીઓ માટે આફત નથી? 4 શું ઈશ્વર મારાં આચરણ જોતા નથી? અને મારાં સઘળાં પગલાં ગણતાં નથી? 5 જો મેં ભ્રષ્ટ આચરણ કર્યું હોય, અને મારા પગ ઠગાઈ કરવા તરફ દોડયા હોય, 6 તો અદલ ત્રાજવામાં હું ભલે તોળાઉં, અને ઈશ્વર મારી નિષ્ઠા ચક્સી જુએ. 7 જો હું સન્માર્ગથી ભટકી ગયો હોઉં, અને મારું મન મારી આંખો પછવાડે રખડી ગયું હોય, જો મારા હાથ કલંક્તિ થયા હોય, 8 તો હું વાવું, અને બીજા લણી ખાય, અને મારા છોડવા સમૂળગા ઉખેડી નંખાય. 9 જો પરસ્ત્રી પ્રત્યે મારું દિલ લલચાયું હોય, અને પડોશીને બારણે સંતાઈને લાગ શોયો હોય, 10 તો મારી પત્ની બીજાનાં દળણાં દળે, અને બીજાઓ તેને ભોગવે. 11 કારણ, પરસ્ત્રીગમન એ તો અઘોર લંપટતા ગણાય અને ન્યાયચુકાદા દ્વારા સજા કરવા યોગ્ય દુષ્ટતા છે. 12 કારણ, વ્યભિચાર તો વિનાશક નરકાગ્નિ છે; મારી સમસ્ત સમૃદ્ધિને બાળીને ભસ્મીભૂત કરી દે તેવો છે. 13 જો મારાં દાસદાસીએ તેમના હક્ક વિષે ફરિયાદ કરી, ત્યારે મેં તેમની રજૂઆત ધૂત્કારી કાઢી હોય; 14 તો જ્યારે ઈશ્વર મારી સામા ઊઠે ત્યારે હું શું કરું? અને મારી ઝડતી લે ત્યારે હું શો જવાબ આપું? 15 મને ઉદરમાં ઘડનારે શું એ દાસદાસીઓને પણ ઘડયાં નથી? અને એક જ ઈશ્વરે અમને ગર્ભસ્થાનમાં ઉછેર્યાં નથી. 16 જો મેં ગરીબોની જરૂરિયાત નકારી કાઢી હોય, અને વિધવાઓની આંખોને નિરાશ થવા દીધી હોય; 17 અથવા હું એકલપેટો બન્યો હોઉં અને અનાથને મારા ભોજનમાંથી કંઈ હિસ્સો મળ્યો ન હોય; 18 અરે, એથી ઊલટું, તો હું જુવાન હતો ત્યારથી અનાથને મારાં છોકરાંની જેમ ઉછેર્યાં છે, અને મેં મારા બાળપણથી જ વિધવાઓને માર્ગદર્શન આપ્યું છે! 19 જો મેં કોઈ કંગાલને પહેરવાના વસ્ત્રના અભાવે, અને ગરીબને ઓઢવાનાં વસ્ત્ર વગર મરતો જોયો હોય; 20 અને જો મારાં ઘેટાંના ઊનથી ગરમાવો મળવાને લીધે તેણે પૂરા દિલથી મને આશિષ ન દીધી હોય, 21 નગરપંચમાં મારી વગને લીધે જો મેં અનાથ વિરુદ્ધ હાથ ઉગામ્યો હોય; 22 તો મારો હાથ ખભામાંથી નીકળી પડો, અને મારું કાંડુ કપાઈ જાય. 23 કારણ, ઈશ્વર તરફથી શિક્ષારૂપે આવતી આફતથી હું ડરતો હતો, અને તેમની પ્રતિભાના પ્રતાપને લીધે હું એવું કરી શક્તો નહોતો. 24 જો મેં સોના પર ભરોસો રાખ્યો હોય, અને વિશુદ્ધ સુવર્ણમાં સલામતી માની હોય; 25 મારી પાસે અઢળક ધનદોલત હોવાને લીધે, તથા મારા હાથની કમાણીને લીધે હું તેમાં રાચ્યો હોઉં; 26 જો મેં ઊગતા સૂર્યનાં, અથવા ચાંદનીમાં સરક્તા ચંદ્રનાં પૂજ્યભાવે દર્શન કર્યાં હોય, 27 અને મારું મન તેમના તરફ છાનુંમાનું લોભાયું હોય, અને મારા હાથ જોડીને ભક્તિભાવે મસ્તક નમાવ્યું હોય, 28 તો તે પણ સજાપાત્ર અપરાધ ગણાત. કારણ, એ તો સર્વોચ્ચ ઈશ્વર પ્રત્યેની નિષ્ઠાનો નકાર ગણાય. 29 મેં મારા શત્રુઓની પડતીમાં આનંદ માણ્યો નથી, અને તેના પર વિપત્તિ આવી પડી ત્યારે હરખાયો નથી; 30 કે તેમના મૃત્યુ માટે શાપ ઉચ્ચારવાનું પાપ મારે મુખે કર્યું નથી. 31 ‘અરે, તેના ખોરાકથી આપણને તૃપ્તિ મળે તો કેવું સારું’ એવું મારા તંબૂમાંના માણસોમાંથી ક્યારેય કોઈ બોલ્યું નથી. 32 કોઈ પ્રવાસીએ શેરીમાં રાતવાસો કર્યો નથી, કારણ, મુસાફરો માટે મારાં બારણાં ખુલ્લાં હતાં. 33 મેં આદમની જેમ મારો અપરાધ છુપાવ્યો નથી, અને મારો દોષ મારા અંતરમાં સંતાડયો નથી. 34 જો કે હુલ્લડખોરોના બૂમબરાડાનો મને ભય હતો, અને ધાંધલિયા સમુદાયની નફરતનો ડર હતો તો પણ હું કોઈ પ્રવાસી માણસને તેમની પાસે બહાર લાવ્યો નથી. 35 કોઈ મારી દાદ સાંભળે તો કેવું સારું! આ મારી આખરી અરજ છે; સર્વસમર્થ મને ઉત્તર આપો! મારો પ્રતિવાદી મારા પરનું આરોપનામું લખીને આપે તો કેવું સારું! 36 તો તો હું એ આરોપનામું મારી છાતી પર લટકાવું અને મારા મસ્તક પર મુગટની જેમ પહેરું! 37 હું મારા પ્રત્યેક પગલાંનો હિસાબ તેમને આપત, અને એક ઉમરાવ તરીકે હું તેમની હજૂરમાં જાત. 38 જો મારી ભૂમિએ મારી વિરુદ્ધ પોકાર કર્યો હોય, અને તેના ચાસોએ સાથે મળીને રુદન કર્યું હોય; 39 જો તેની ઊપજ વળતર આપ્યા વગર ખાધી હોય, અને ભાગે ખેતી કરનારાઓને ભૂખે મરવા દીધા હોય; 40 તો પછી ત્યાં ઘઉંને બદલે કાંટાઝાંખરા, અને જવને બદલે નકામા છોડ ઊગી નીકળો.” યોબનું વક્તવ્ય અહીં સમાપ્ત થાય છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide