અયૂબ 30 - પવિત્ર બાઇબલ C.L.1 “પરંતુ હવે તો જેમના પિતાઓને હું ઘેટાંના ટોળાં સાચવનાર કૂતરા જેવા ઊતરતી કક્ષાના ગણતો તેવા વયમાં મારાથી નાના મારી ઠેકડી ઉડાવે છે. 2 જે માણસોનો જુસ્સો ખતમ થઈ ગયો તેમના બાહુબળથી મને શો લાભ થાય? 3 તેઓ તંગી અને ભૂખથી લેવાઈ ગયા હતા; અને ઉજ્જડ અને નિર્જન જગાઓમાં રાત્રે સૂકાં મૂળિયાં ચાવતા હતા. 4 તેઓ રણના ઝાંખરા પરથી ખારાં પાંદડાં ચૂંટી ખાતા, અને તાપવા માટે મૂળિયાનો ઉપયોગ કરતા. 5 તેઓ સમાજમાંથી હાંકી કઢાયેલા હતા અને ભાગતા ચોરની જેમ લોકો તેમની પાછળ બૂમો પાડતા હતા. 6 તેઓ ઊંડાં કોતરોમાં, ગુફાઓમાં અને બખોલોમાં વાસ કરતા. 7 તેઓ ઝાડીઓમાં પ્રાણીઓની જેમ ધૂરક્તા, અને ઝાંખરાંઓ નીચે ટોળે મળતા. 8 તેઓ મૂર્ખોનાં સંતાન અને અધમોની ઓલાદ છે; તેમને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. 9 પરંતુ હવે તેઓ મારી મજાકનાં ગીતો ગાય છે અને હું તેમને માટે કહેણીરૂપ બન્યો છું. 10 તેઓ મારી ધૃણા કરે છે અને મને ટાળે છે, અરે, મને જોઈને તેઓ થૂંકે છે! 11 ઈશ્વરે મને છૂટા દોરે સતાવ્યો છે, તેથી તેઓ મારી સામે બેફામ વર્તન કરે છે. 12 મારે જમણે હાથે હુમલાખોરોની ટોળી ઊઠી છે, તેઓ મારા પગને આંટી મારી લથડાવે છે, અને મારા નાશના ઉપાયો કરે છે. 13 નાશથી નાસી છૂટવાનો મારો માર્ગ તેઓ રૂંધે છે. તેઓ હુમલો કરે છે પણ કોઈ તેમને રોકનાર નથી. 14 તેઓ પાળ તોડી નાખતા પૂર જેવા છે, અને ગાબડામાંથી ધસમસતા પાણીની જેમ મારા પર તૂટી પડે છે. 15 આતંકે મને ઘેરી લીધો છે, મારી પ્રતિષ્ઠા પવનના સપાટે ઊડી ગઈ છે; અને મારી આબાદી વાદળની માફક લોપ થઈ છે. 16 મારો પ્રાણ મારામાં ઓસરી રહ્યો છે, અને વિપત્તિના દિવસોએ મને જકડી લીધો છે. 17 રાત્રે મારાં બધાં હાડકાં કળે છે, અને મારા સણકા થાક ખાતા નથી. 18 તે ઝનૂનપૂર્વક મારાં વસ્ત્ર પકડીને ચીરી નાખે છે, અને મારો કોલર પકડીને ટૂંપો દે છે. 19 તેમણે મને ક્દવમાં ફેંકી દીધો છે,અને હું ધૂળ અને રાખ જેવો બન્યો છું. 20 હે ઈશ્વર, હું પોકારું છું, પણ તમે ઉત્તર દેતા નથી; હું તમારી સમક્ષ ઊભો થાઉં છું, પણ તમે મારી સામે તાકી રહો છો. 21 તમે મારી સાથે નિર્દયતાથી વર્તો છો, તમારા બાહુબળથી તમે મને સંતાપો છો. 22 તમે મને વાયુથી ઉઠાવીને તેના પર સવારી કરાવો છો, અને વાવાઝોડામાં આમતેમ ફંગોળો છો. 23 મને ખબર છે કે તમે મને મૃત્યુલોકમાં, એટલે સઘળા સજીવોના અંતિમસ્થાન તરફ લઈ જાઓ છો. 24 છતાં પડતો માણસ બચવા માટે પોતાનો હાથ લંબાવે નહિ? એની દુર્દશામાં તે મદદ માટે પોકાર નહિ પાડે? 25 કોઈના માઠા દિવસો જોઈને શું મેં આંસુ સાર્યાં નહોતાં? અને કંગાલ માટે મારો પ્રાણ કકળી ઊઠયો નહોતો? 26 મેં તો શુભની આશા સેવી હતી પણ અશુભ આવી પડયું! અને પ્રકાશની વાટ જોતો હતો પણ અંધકાર આવી પડયો! 27 મારા અંતરમાં અસહ્ય ઉચાટ છે અને તેને જંપ નથી, મારે માટે તો દુ:ખના દહાડા આવી પડયા છે. 28 સૂર્યથી નહિ, પણ વ્યાધિથી હું કાળો પડી ગયો છું, અને ભરી સભામાં ઊભો થઈ મદદ માટે યાચના કરું છું. 29 હું જાણે શિયાળવાંનો ભાઈ અને શાહમૃગનો સાથીદાર થયો છું. 30 મારી ત્વચા કાળી થઈ ખરી પડે છે, અને મારાં અસ્થિ તાવથી ધગધગે છે. 31 મારી વીણા શોકના સૂરો અને મારી વાંસળી વિલાપના સ્વરો રેલાવે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide